પેટીએમના UPI કારોબારનું પણ ભાવિ અદ્ધરતાલ પ્લેટફોર્મ બેંકર તરીકે પેટીએમ પેમેન્ટ બેંક જ છે
- પ્રતિબંધ વધુ આકરો સાબિત થઈ શકે છે
- UPI ટ્રાન્ઝેકશનમાં પ્લેટફોર્મ બેંક તરીકે અન્ય બેંકને જોડવા પેટીએમની કવાયત
અમદાવાદ : પેટીએમ માટે દિવસે ને દિવસે સ્થિતિ વધુ કપરી થતી જઈ રહી છે. ૨૯ ફેબ્રુઆરીની ડેડલાઈન નજીક આવી રહી છે અને કંપની પર અન્ય તપાસ એજન્સીઓનો ગાળિયો પણ કસાવવાની આશંકા વચ્ચે પેટીએમની પેરન્ટ કંપનીએ હવે યુપીઆઈમાં પોતાનું સામ્રાજ્ય ન છીનવાઈ જાય તે મુદ્દે પણ કવાયત શરૂ કરી છે અને કોમ્પલાયન્સ અને રેગ્યુલેશન માટે પૂર્વ સેબી વડાના નેજા હેઠળ સમિતિની રચના કરી છે.
યુપીઆઈ પ્રણાલીને ભારતમાં જન્મ આપનાર પેટીએમ માટે પેમેન્ટ બેંક કારોબાર પરનો આ પ્રતિબંધ વધુ આકરો સાબિત થઈ શકે છે. અગાઉના એક અહેવાલ અનુસાર પેટીએમ પેમેન્ટ બેંકનો કારોબાર અન્ય કોઈ પક્ષકારને નથી વેચી શકતા તો તાજેતરના અહેવાલ અનુસાર પેટીએમના યુપીઆઈ પેમેન્ટ કારોબારને પણ મોટો ફટકો પડી શકે છે.
રિઝર્વ બેંકની મંજૂરી વિના પેટીએમનો યુપીઆઈ બિઝનેસ પણ જોખમમાં આવી શકે છે. રિઝર્વ બેંકના ગ્રીન સિગ્નલ વિના ૨૯ ફેબ્રુઆરી પછી પેટીએમ એપ પરના તમામ યુપીઆઈ વ્યવહારો માટે પણ સમસ્યાઓ વધી શકે છે. હાલમાં પેટીએમનું યુપીઆઈ ફંક્શન પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા જ સંચાલિત છે અને પેટીએમ પ્લેટફોર્મ પર તે એકમાત્ર પેમેન્ટ સવસ પ્રોવાઈડર્સ છે. પીએસપી એક એવી બેંક હોઈ શકે છે જે યુપીઆઈ એપને બેંકિંગ ચેનલ સાથે જોડવામાં મદદ કરે છે. માત્ર બેંકો જ પીએસપીની ભૂમિકા ભજવી શકે છે.
મોટા પાયે ગ્રાહકો પેટીએમના ટ્રાન્ઝેકશનમાં યુપીઆઈનો ઉપયોગ કરે છે. પેટીએમ બ્રાન્ડની માલિકી ધરાવતી કંપની વન૯૭ કોમ્યુનિકેશનનો હાલમાં યુપીઆઈ એપ તરીકે અન્ય કોઈપણ કોમશયલ બેંક સાથે કોઈ જોડાણ નથી.
સરળ શબ્દોમાં કહીએ તો પેટીએમ એપ્લિકેશનમાં તમામ યુપીઆઈ હેન્ડલ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ બેંક તરીકે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડનો ઉપયોગ કરે છે.
જો પેટીએમ બેંકની બેંકિંગ પ્રવૃત્તિઓ ૨૯ ફેબ્રુઆરી પછી બંધ થઈ જાય તો યુપીઆઈ વ્યવહારોમાં પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ અથવા સેટલમેન્ટ બેંક તરીકે કામ કરી શકશે નહીં. આનો સ્પષ્ટ અર્થ છે કે પેટીએમ એપ દ્વારા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પણ કરી શકાશે નહિ.
અહેવાલ અનુસાર પેટીએમ પેમેન્ટ બેંક ૨૪.૫ કરોડ યુપીઆઈ હેન્ડલ્સ ઈશ્યુ કર્યા છે, જેમાંથી લગભગ ૯ કરોડ યુપીઆઈ હેન્ડલ્સ માસિક એક્ટિવ યુઝર્સ છે.
પેટીએમ એપમાં તમામ યુપીઆઈ હેન્ડલ્સ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ બેંક તરીકે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડનો જ ઉપયોગ કરે છે.