હેલ્થકેર, ફાઈનાન્સ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 312 પોઈન્ટ ઘટીને 78271
- રિઝર્વ બેંકની ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ પર નજર
- નિફટી 43 પોઈન્ટ ઘટીને 23696 : કન્ઝયુમર, ધોવાણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં જળવાયેલું આકર્ષણ : FPIs/FIIની રૂ.1683 કરોડની વેચવાલી
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્વમાં ગીવ એન્ડ ટેકનો વ્યુહ અખત્યાર કરીને મેક્સિકો, કેનેડા પર ટેરિફ એક મહિના મોકૂફ રાખ્યા સામે ચાઈના પરની ભીંસ ચાલુ રાખતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાગુ કરીને યુ.એસ. વિરૂધ્ધ ચાઈના વૈશ્વિક યુદ્વના મંડાણ થવાના સ્પષ્ટ સંકેત વચ્ચે એડવાન્ટેજ ભારત બની રહેવાના પોઝિટીવ પરિબળે ગઈકાલે ભારતીય શેર બજારોમાં તોફાની તેજી આવ્યા બાદ આજે આરંભિક મજબૂતી બાદ તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. ફંડોએ આજે બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી કર્યા સાથે હેલ્થકેર શેરોમાં લેવાલી કરી હતી. જ્યારે એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાયું હતું.
રિઝર્વ બેંકની ધિરાણ નીતિ સમીક્ષા પર નજર : બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : ફાર્મા શેરોમાં આકર્ષણ
ચાઈનાને ચેકમેટ કરવા અમેરિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન મોટી બિઝનેસ ડિલ કરે એવી જોવાતી શકયતાએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ઘણા દિવસો બાદ ભારતીય શેર બજારોમાં ગઈકાલે નેટ ખરીદદાર બન્યા હતા. અલબત હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષાને લઈ ૭, ફેબુ્રઆરીના ૦૨.૫ ટકા વ્યાજ દર ઘટાડો અપેક્ષિત હોઈ બેંકિંગ શેરોમાં પસંદગીની ખરીદી સિવાય સાવચેતી રહી હતી. મેન્યુફેકચરીંગ પીએમઆઈ નબળો આવતાં પણ ફંડો નવી મોટી તેજીની પોઝિશન લેવાથી સાવચેત રહ્યા હતા. સેન્સેક્સ ૩૧૨.૫૩ પોઈન્ટ ઘટીને ૭૮૨૭૧.૨૮ અને નિફટી ૫૦ સ્પોટ ૪૨.૯૫ પોઈન્ટ ઘટીને ૨૩૬૯૬.૩૦ બંધ રહ્યા હતા.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૭૩૧ પોઈન્ટ ગબડયો : સોનાના ઊંચા ભાવની અસરે ટાઈટન રૂ.૧૦૯ તૂટી રૂ.૩૪૯૦
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે વેચવાલીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૩૧.૪૪ પોઈન્ટ ગબડીને ૫૯૫૪૭.૬૪ બંધ રહ્યો હતો. લેબગ્રોન ડાયમંડના કારણે નેચરલ ડાયમંડ જવેલરીની ઉદ્યોગની માંગને અસર પડી રહી હોઈ અને સોનાના અત્યંત વધી ગયેલા ભાવના કારણે જવેલરીની ખરીદી અટકવા લાગતાં નેગેટીવ અસરે ટાઈટન રૂ.૧૦૮.૬૫ ઘટીને રૂ.૩૪૯૦, બ્લુ સ્ટાર રૂ.૫૦.૪૦ ઘટીને રૂ.૧૯૬૬.૯૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૪૫ ઘટીને રૂ.૧૧૨૯.૩૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૧૬૧૧.૫૦ રહ્યા હતા.
આરબીઆઈ મીટિંગ પર નજર : બેંક ઓફ બરોડા, સેન્ટ્રમ, મોતીલાલ ઓસ્વાલ, પ્રુડેન્ટ, એન્જલમાં તેજી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગ ચાલુ થઈ જતાં અને ૭, ફેબુ્રઆરીના નિષ્કર્ષ પૂર્વે ફંડોની બેંકિંગ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બેંક ઓફ બરોડા રૂ.૭.૧૦ વધીને રૂ.૨૨૦, કેનેરા બેંક રૂ.૩.૦૫ વધીને રૂ.૯૫.૯૧, ફેડરલ બેંક રૂ.૨.૯૦ વધીને રૂ.૧૮૪, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૬૦ વધીને રૂ.૧૦૬૦.૭૦, એચડીએફસી બેંક રૂ.૧૫.૨૫ વધીને રૂ.૧૭૩૭.૫૦ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં સેન્ટ્રમ રૂ.૩.૫૯ ઉછળી રૂ.૩૦.૯૬, મોતીલાલ ઓસ્વાલ રૂ.૫૮.૯૫ વધીને રૂ.૭૦૧.૫૦, પ્રુડેન્ટ રૂ.૧૮૮.૭૫ વધીને રૂ.૨૩૬૦, કેમ્સ રૂ.૨૩૨.૦૫ વધીને રૂ.૩૭૪૬.૩૦, એન્જલ વન રૂ.૧૪૭.૪૦ વધીને રૂ.૨૪૯૭.૧૫, નુવામા રૂ.૩૦૮.૧૫ વધીને રૂ.૬૦૦૯.૪૦ રહ્યા હતા.
એમટીએનએલના એસેટ મોનીટાઈઝેશન મંજૂરીએ શેર ૧૮ ટકા ઉછળ્યો : ટીટીએમએલ, આઈટીઆઈ વધ્યા
ટેલીકોમ કંપની મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ની દેવું ચૂકતે કરવા અને કામગીરીની નવરચના માટે રૂ.૧૬,૦૦૦ કરોડ મૂલ્યની એસેટ્સના મોનીટાઈઝેશનની યોજનાને સરકારે મંજૂરી આપતાં શેરમાં આજે મોટી ખરીદી નીકળતા ૧૭.૬૭ ટકા એટલે કે રૂ.૮.૪૨ ઉછળી રૂ.૫૬.૦૬ રહ્યો હતો. અન્ય ટેલીકોમ શેરોમાં આઈટીઆઈ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૩૧૭.૯૦, ટાટા ટેલી સર્વિસિઝ મહારાષ્ટ્ર રૂ.૩.૩૯ વધીને રૂ.૭૪.૬૯, તેજસ નેટ રૂ.૧૦.૭૫ વધીને રૂ.૮૯૦.૫૦, ટાટા કોમ્યુનિકેશન રૂ.૧૮.૮૫ વધીને રૂ.૧૬૦૪.૧૫ રહ્યા હતા.
એશીયન પેઈન્ટસનો નફો ૨૩ ટકા ઘટતાં શેર ગબડયો : સિમ્ફની, ફાઈન ઓર્ગેનિક્સ, હોનાસા ગબડયા
એશીયન પેઈન્ટસનો ડિસેમ્બર ૨૦૨૪ના અંતના ત્રીજા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૨૩.૩ ટકા ઘટીને રૂ.૧૧૧૦ કરોડ અને આવક ૬.૧ ટકા ઘટીને રૂ.૮૫૨૧ કરોડ થતાં શેરમાં વેચવાલીએ રૂ.૭૯.૨૫ ઘટીને રૂ.૨૨૭૬ રહ્યો હતો. સિમ્ફની રૂ.૧૨૨.૨૫ તૂટીને રૂ.૧૩૦૫.૩૫, થર્મેક્સ રૂ.૨૦૪.૭૦ તૂટીને રૂ.૩૩૪૧, હોનાસા રૂ.૭.૨૦ ઘટીને રૂ.૨૨૫, ફાઈન ઓર્ગેનિક્સ રૂ.૨૧૭.૮૫ તૂટીને રૂ.૪૩૫૦ રહ્યા હતા.
પ્રોપર્ટી માર્કેટમાં બુકિંગ રદ થવા લાગ્યા ? રિયાલ્ટી શેરો ફિનિક્સ મિલ, ગોદરેજ, શોભા ડેવલપર્સ ઘટયા
શેર બજારમાં મંદી સાથે હાઉસીંગ પ્રોપર્ટીની ખરીદીને અસર પડી હોવાનું અને પ્રોપર્ટીના ઘણા બુકિંગ કેન્સલ થવા લાગ્યા હોવાના અહેવાલ વચ્ચે રિયાલ્ટી કંપનીઓના બિઝનેસને ફટકો પડવાના અંદાજોએ શેરોમાં વેચવાલી જોવાઈ હતી. શોભા ડેવલપર્સ રૂ.૭૫.૪૦ ઘટીને રૂ.૧૩૧૫, ફિનિક્સ મિલ રૂ.૭૮.૯૦ ઘટીને રૂ.૧૭૦૫, ગોદરેજ પ્રોપર્ટીઝનો ત્રિમાસિક નફો ૧૬૧ ટકા વધીને રૂ.૧૬૩ કરોડ થવા છતાં શેર રૂ.૯૮.૮૫ ઘટીને રૂ.૨૨૯૨, પ્રેસ્ટિજ રૂ.૩૯.૫૦ ઘટીને રૂ.૧૩૮૨.૫૫, લોઢા ડેવલપર્સ રૂ.૧૭.૧૫ ઘટીને રૂ.૧૨૬૮ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં તેજી : બ્લિસજીવીએસ, વિમતા, મેદાન્તા, માર્કસન્સ, એનજીએલ ફાઈનમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફરી વ્યાપક તેજી આવી હતી. બ્લિસજીવીએસ રૂ.૨૨.૭૦ ઉછળી રૂ.૧૬૨.૬૦, વિમતા લેબ્સ રૂ.૧૦૯.૮૦ ઉછળી રૂ.૯૫૨, મેદાન્તાનો ત્રિમાસિક નફો ૧૫ ટકા વધતાં શેર રૂ.૧૧૧.૭૫ વધીને રૂ.૧૧૫૨.૧૦, માર્કસન્સ રૂ.૨૫.૨૦ વધીને રૂ.૨૭૦.૦૫, એનજીએલ ફાઈન રૂ.૧૬૬.૮૦ ઉછળી રૂ.૧૮૪૧.૬૫, હાઈકલ રૂ.૨૫.૮૦ વધીને રૂ.૩૭૪.૩૦, અબોટ ઈન્ડિયા રૂ.૧૬૪૨.૧૦ વધીને રૂ.૨૭,૭૮૪.૬૫, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૩૮.૧૫ વધીને રૂ.૬૬૭.૧૫ રહ્યા હતા.
સુગર શેરોમાં સતત આકર્ષણ : અવધ સુગર, ઉત્તમ સુગર, દાલમિયા સુગર, ધામપુર સુગરમાં તેજી
સુગરના ઉત્પાદનમાં ઘટાડો થવાના અંદાજો વચ્ચે ખાંડના ભાવ વધવા લાગતાં સુગર શેરોમાં સતત આકર્ષણ રહ્યું હતું. અવધ સુગર રૂ.૧૩.૫૦ વધીને રૂ.૪૩૩, ઉત્તમ સુગર રૂ.૫.૯૫ વધીને રૂ.૨૨૨.૪૫, ધામપુર સુગર રૂ.૨.૫૫ વધીને રૂ.૧૫૦.૭૫, દાલમિયા સુગર રૂ.૭.૩૫ વધીને રૂ.૩૫૬.૭૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં જળવાયેલું આકર્ષણ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૫૪૮ શેરો પોઝિટીવ બંધ
ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ સક્રિય બની સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત લેવાલ રહેતાં માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૪૮ અને ઘટનારની સંખ્યા ૧૪૧૭ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૬૯ લાખ કરોડ વધીને રૂ.૪૨૭.૧૯ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને વિરામ આપવામાં આવ્યા સામે પસંદગીના ફ્રન્ટલાઈન એ ગુ્રપના શેરો અને સ્મોલ, મિડ કેપ શેરોમાં રોકાણ આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૬૯ લાખ કરોડ વધીને રૂ.૪૨૭.૧૯ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૧૬૮૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૯૯૬ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં રૂ.૧૬૮૨.૮૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૧૧૨.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૭૯૫.૧૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૯૯૬.૨૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૮૬૦.૭૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૬૪.૪૮ કરોડની વેચવાલી થઈ હતી.