Get The App

ફંડો, મહારથીઓ ફરી આક્રમક તેજીના મૂડમાં : સેન્સેક્સ 855 પોઈન્ટની છલાંગે 79408

- નિફટી ૨૭૪ પોઈન્ટ ઉછળીને ૨૪૧૨૫ : બેંકિંગ, ઓટો, મેટલ-માઈનીંગ, આઈટી શેરોમાં આક્રમક ખરીદી

- અમેરિકા-ભારત વચ્ચે ઐતિહાસિક વેપાર સંધિ થવાની અપેક્ષા : FPIs/FIIની શેરોમાં રૂ.૧૯૭૦ કરોડની ચોખ્ખી ખરીદી

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
ફંડો, મહારથીઓ ફરી આક્રમક તેજીના મૂડમાં  : સેન્સેક્સ 855 પોઈન્ટની છલાંગે 79408 1 - image


મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્વના એલાન બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાબડતોબ અમેરિકાની મુલાકાત અને એ દરમિયાન બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર ૫૦૦ અબજ ડોલર કરવાના લક્ષ્ય સાથે ટ્રેડ ડિલની શરૂ થઈ ગયેલી હલચલને અંતિમ ઓપ અપાઈ ગયાનું અને અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સની ભારત મુલાકાતની સાથે સાથે ભારતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૩, એપ્રિલના વોશિંગ્ટનની મુલાકાત લઈ વેપાર સંધિને અંતિમ મૂકામે લઈ જવા વાટાઘાટ કરવાની તૈયારી અને બીજી તરફ ચાઈના પણ ભારત માટે લાલજાજમ બિછાવવા તૈયાર થયું હોવાનું અને ભારતથી આયાત વધારવા તૈયાર હોવાના પોઝિટીવ ડેવલપમેન્ટે વિદેશી ફંડોની ભારતના શેર બજારોમાં અવિરત આક્રમક ખરીદી રહી હતી. અમેરિકા-ભારત વચ્ચે એલ્યુમીનિયમ, ઓટો, સ્ટીલ સહિતમાં શૂન્ય ટેરિફની કોર્પોરેટ ઈન્ડિયાની પહેલ અને બીજી બાજુ વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની મુલાકાતથી પણ મોટી અપેક્ષાએ ફંડોની આ સતત ખરીદીના જોરે આજે સેન્સેક્સે ફરી ૮૦૦૦૦ની સપાટી કુદાવવાની નજીક આવી ગયો હતો. જ્યારે નિફટીએ તો ૨૪૧૦૦ની સપાટી પાર કરી દીધી હતી. ફંડોની સાથે તેજીના મહારથીઓ પણ ફરી સક્રિય બની જતાં લાલઘુમ તેજી થઈ હતી. ખાસ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદી થઈ હતી. ફંડોની સાથે ખેલંદાઓ, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પણ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી સક્રિય લેવાલ બની જઈ વ્યાપક ખરીદી કરી હતી. સેન્સેક્સ અંતે ૮૫૫.૩૦ પોઈન્ટ ઉછળીને ૭૯૪૦૮.૫૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૭૩.૯૦ પોઈન્ટની છલાંગે ૨૪૧૨૫.૫૫ની ઊંચાઈએ બંધ રહ્યા હતા.

અમેરિકા સાથે મોટી ડિલની અપેક્ષાએ ઓટો શેરોમાં તેજી : ઓટો ઈન્ડેક્સની ૧૦૧૪ પોઈન્ટની છલાંગ

ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે મોટી ટ્રેડ ડિલ થવાની અપેક્ષાએ આજે ફંડોએ ઓટો શેરોમાં ખરીદી વધારી હતી. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૦૯.૮૫ ઉછળીને રૂ.૨૬૦૫, હીરો મોટોકોર્પ રૂ.૧૪૩.૧૦ વધીને રૂ.૩૯૧૬.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૭.૯૫ વધીને રૂ.૨૭૬૭.૩૦, ઉનો મિન્ડા રૂ.૨૫.૨૫ વધીને રૂ.૮૯૮.૯૦, બજાજ ઓટો રૂ.૨૧૮.૨૫ વધીને રૂ.૮૨૩૬, એક્સાઈડ રૂ.૯.૩૫ વધીને રૂ.૩૮૪.૪૫, ભારત ફોર્જ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૧૦૯૩.૯૦, આઈશર મોટર્સ રૂ.૧૩૨.૪૦ વધીને રૂ.૫૮૧૦.૫૫, ટીવીએસ મોટર રૂ.૫૯.૫૦ વધીને રૂ.૨૭૩૮.૨૫, મધરસન સુમી રૂ.૨.૮૫ વધીને રૂ.૧૩૨.૫૦, અપોલો ટાયર્સ રૂ.૯.૩૦ વધીને રૂ.૪૬૦.૮૫, ટાટા મોટર્સ રૂ.૮.૪૫ વધીને રૂ.૬૨૯.૯૫, બોશ રૂ.૩૩૯.૭૦ વધીને રૂ.૨૭,૮૩૦.૦૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪.૫૦ વધીને રૂ.૨૫૨૮.૫૦, મારૂતી સુઝુકી રૂ.૫૪ વધીને રૂ.૧૧,૭૪૫.૩૦ રહ્યા હતા.બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૧૪.૮૬ પોઈન્ટ ઉછળીને ૪૮,૯૨૪.૩૩ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૧૧૨૮ પોઈન્ટ ઉછળ્યો : ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૪, કોટક બેંક રૂ.૫૨, એક્સિસ રૂ.૩૧ ઉછળ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આક્રમક ખરીદી થઈ હતી. બેંકોની એનપીએમાં ઘટાડો થવાની સાથે થાપણોના વ્યાજ દરમાં ઘટાડો કરીને બેંકો પોતાની નફાશક્તિ વધારી રહી હોઈ અને એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, યશ બેંક સહિતના ત્રિમાસિક પરિણામોએ ફંડોનું આકર્ષણ રહ્યું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૩.૬૫ ઉછળીને રૂ.૮૨૮.૦૫, યશ બેંક ૭૩ પૈસા વધીને રૂ.૧૮.૮૨, ફેડરલ બેંક રૂ.૭.૧૫ વધીને રૂ.૨૦૧.૯૫, કેનેરા બેંક રૂ.૨.૯૯ વધીને રૂ.૯૯, બેંક ઓફ બરોડા રૂ.૬.૯૫ વધીને રૂ.૨૪૯.૬૫, એક્સિસ બેંક રૂ.૩૧.૨૦ વધીને રૂ.૧૨૨૧.૮૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૫૦ વધીને રૂ.૮૧૬.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૫૨ વધીને રૂ.૨૨૪૦, એચડીએફસી બેંક રૂ.૨૧ વધીને રૂ.૧૯૨૭.૫૫ રહ્યા હતા. બીએસઈ બેકેક્સ ઈન્ડેક્સ ૧૧૨૮.૦૩ પોઈન્ટ ઉછળીને ૬૩૪૨૧.૩૦ બંધ રહ્યો હતો.

મેટલ ક્ષેત્રે અમેરિકા સાથે ડિલના સંકેતે શેરોમાં તેજી : નાલ્કો, વેદાન્તા, એનએમડીસી, હિન્દ. ઝિંક વધ્યા

મેટલ-માઈનીંગ ક્ષેત્રે ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. અમેરિકા સાથે એલ્યુમીનિયમ, સ્ટીલ ક્ષેત્રે ડિલની શકયતા સાથે ચાઈનાથી સ્ટીલનું ડમ્પિંગ ન થાય એ માટે પગલાંના સંકેતે ફંડોની મેટલ શેરોમાં ખરીદી રહી હતી. નાલ્કો રૂ.૮.૩૫ વધીને રૂ.૧૬૧.૩૦, વેદાન્તા રૂ.૧૨.૧૦ વધીને રૂ.૪૧૨.૧૦, એનએમડીસી રૂ.૧.૯૧ વધીને રૂ.૬૭.૮૧, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૩૫ વધીને રૂ.૪૫૨.૩૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૩.૨૦ વધીને રૂ.૯૦૬, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૬.૫૦ વધીને રૂ.૧૦૩૩.૭૦, હિન્દાલ્કો રૂ.૧૩.૨૦ વધીને રૂ.૬૨૨.૧૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપમાં તેજીના ઘોડા ફરી થનગનવા લાગ્યા : ઓપરેટરો, ફંડો સક્રિય : ૨૯૦૩ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં છેલ્લા એક સપ્તાહથી શેરોમાં ધીમી છતાં મક્કમ ગતિએ ફંડોની ખરીદી શરૂ થયા બાદ આજે ફંડોની સાથે મહારથીઓ, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સક્રિય બનીને વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૯૦૩ અને ઘટનારની સંખ્યા ૧૧૯૯ રહી હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૨૫ લાખ કરોડ વધીને રૂ.૪૨૫.૮૫ લાખ કરોડ પહોંચ્યું

શેરોમાં ઓલ રાઉન્ડ આક્રમક ખરીદી થતાં શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે-સોમવારે એક દિવસમાં જ રૂ.૬.૨૫ લાખ કરોડ વધીને રૂ.૪૨૫.૮૫ લાખ કરોડ પહોંચ્યું છે.

આઈટી શેરોમાં મોટી ખરીદી : ટાટા એલેક્સી રૂ.૪૪૫ ઉછળી રૂ.૫૩૪૪ : કોફોર્જ, ટેક મહિન્દ્રા ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ સિલેક્ટિવ મોટી ખરીદી કરી હતી. ટાટા એલેક્સીના ત્રિમાસિક પરિણામ પાછળ ફંડો લેવાલ બનતાં શેર રૂ.૪૪૪.૮૦ ઉછળી રૂ.૫૩૪૪.૫૫, ડાયનાકોન્સ સિસ્ટમ રૂ.૭૪.૧૦ વધીને રૂ.૧૧૭૮.૮૫, સિગ્નિટી ટેક રૂ.૭૧.૪૦ વધીને રૂ.૧૨૮૩.૬૦, કોફોર્જ રૂ.૩૭૪.૫૫ વધીને રૂ.૬૯૬૨, ઝેનસાર ટેકનોલોજી રૂ.૩૫.૧૦ વધીને રૂ.૬૮૯, ટેક મહિન્દ્રા રૂ.૬૪.૧૫ વધીને રૂ.૧૩૭૦, ટાટા ટેકનોલોજી રૂ.૩૧.૯૫ વધીને રૂ.૬૮૩.૬૫, એમ્ફેસીસ રૂ.૧૦૯.૭૫ વધીને રૂ.૨૩૮૪.૯૫, બ્લેક બોક્સ રૂ.૧૬.૯૫ વધીને રૂ.૩૮૨, બિરલા સોફ્ટ રૂ.૧૭.૦૫ વધીને રૂ.૩૮૮.૧૫, સિએન્ટ રૂ.૫૧ વધીને રૂ.૧૨૪૦.૧૦, સાસ્કેન રૂ.૫૦.૧૫ વધીને રૂ.૧૫૬૪.૩૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૨.૦૫ વધીને રૂ.૧૪૮૦.૧૦, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૧૯.૯૦ વધીને રૂ.૭૮૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૨૯.૬૫ વધીને રૂ.૧૧૬૬.૨૦ રહ્યા હતા.

FPIs/FIIની શેરોમાં રૂ.૧૯૭૦ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૪૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૯૭૦.૧૭ કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. જેમાં કુલ રૂ.૧૧,૭૧૧.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૭૪૧.૫૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૪૬.૫૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૬૧૯.૬૧ કરોડની વેચવાલી સામે કુલ રૂ.૧૫,૩૭૩.૦૨ કરોડની વેચવાલી થઈ હતી.

Tags :