સપ્ટેમ્બરમાં ઘટ્યું ડીઝલનું વેચાણ, પેટ્રોલની માંગમાં ઉછાળો, LPG-ATF સેલ્સના પણ જાણો આંકડા

દેશમાં સૌથી વધુ વેચાતા ડીઝલનું વેચાણ સપ્ટેમ્બરમાં ઘટીને 58.1 લાખ ટન થઇ ગઈ હતી

જે એક વર્ષ પહેલા 59.9 લાખ ટન હતી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News


સપ્ટેમ્બરમાં ઘટ્યું ડીઝલનું વેચાણ, પેટ્રોલની માંગમાં ઉછાળો, LPG-ATF સેલ્સના પણ જાણો આંકડા 1 - image

Fuel Sales: સપ્ટેમ્બર 2023 માટે પેટ્રોલ અને ડીઝલના વેચાણના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના ડીઝલના વેચાણમાં સપ્ટેમ્બરમાં ઘટાડો થયો છે, જોકે, પેટ્રોલનું વેચાણ વધ્યું છે. આ માહિતી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના પ્રારંભિક ડેટામાંથી પ્રાપ્ત થઈ છે.

સપ્ટેમ્બરમાં ડીઝલના વેચાણના આંકડા કેવા હતા?

દેશના કેટલાક ભાગોમાં ઓછી માંગ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં મંદીને કારણે સપ્ટેમ્બરમાં ડીઝલના વેચાણમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. દેશમાં સૌથી વધુ વપરાતું ઇંધણ ડીઝલનું વેચાણ સપ્ટેમ્બરમાં ઘટીને 58.1 લાખ ટન થયું છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 59.9 લાખ ટન હતું. સપ્ટેમ્બરના પહેલા 15 દિવસમાં ડીઝલની માંગમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે ઓછા વરસાદના કારણે આગામી 15 દિવસમાં ડીઝલની માંગમાં વધારો થયો હતો. જો મહિના દર મહિનાના આધાર પર જોવામાં આવે તો ડીઝલનું વેચાણ માસિક ધોરણે 2.5 ટકા વધુ રહ્યું છે. ઓગસ્ટમાં ડીઝલનું વેચાણ 56.7 લાખ ટન હતું.

સપ્ટેમ્બરમાં ઘટ્યું ડીઝલનું વેચાણ, પેટ્રોલની માંગમાં ઉછાળો, LPG-ATF સેલ્સના પણ જાણો આંકડા 2 - image

દેશમાં ફ્યુઅલની માંગ વધુ રહેવાની શક્યતા છે

સામાન્ય રીતે, ચોમાસા દરમિયાન ડીઝલનું વેચાણ ઘટે છે, કારણ કે વરસાદને કારણે એગ્રીકલ્ચર સેક્ટરની માંગ ઓછી રહે છે. ડીઝલનો ઉપયોગ એગ્રીકલ્ચર સેક્ટરમાં સિંચાઈ, લણણી અને ટ્રાન્સપોર્ટેશન માટે બળતણ તરીકે થાય છે. જો કે, ઉદ્યોગનું કહેવું છે કે સ્થિર અને સ્વસ્થ આર્થિક કામગીરી અને એર ટ્રાવેલમાં સુધારા સાથે વર્ષના બાકીના મહિનામાં દેશમાં ફ્યુઅલની માંગ ઊંચી રહેશે.

જાણો પેટ્રોલના વેચાણના આંકડા

ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં પેટ્રોલનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં 5.4 ટકા વધીને 28 લાખ ટન થયું છે. ઓગસ્ટમાં પેટ્રોલની માંગમાં વધારો લગભગ સ્થિર રહ્યો છે. સપ્ટેમ્બરમાં મહિનાના આધારે પેટ્રોલની માંગમાં 5.6 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરમાં પેટ્રોલનો વપરાશ 2021ની સરખામણીમાં 19.3 ટકા વધુ હતો અને જયારે કોવિડ પહેલા એટલે કે સપ્ટેમ્બર, 2019 કરતાં 30 ટકા વધુ હતો. ડીઝલનો વપરાશ સપ્ટેમ્બર, 2021ની સરખામણીમાં 19 ટકા અને સપ્ટેમ્બર, 2019ની સરખામણીમાં 11.5 ટકા વધુ હતો.

ATF ની માંગ પણ વધી છે

એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારા વચ્ચે સપ્ટેમ્બરમાં એવિએશન ફ્યુઅલ (ATF)ની માંગ 7.5 ટકા વધીને 5,96,500 ટન થઈ છે. સપ્ટેમ્બર, 2021ની સરખામણીમાં તે 55.2 ટકા વધુ હતું. જ્યારે પ્રી-કોવિડ એટલે કે સપ્ટેમ્બર 2019ની સરખામણીમાં તે 3.55 ટકા ઓછું હતું. માસિક ધોરણે સપ્ટેમ્બરમાં જેટ ફ્યુઅલની માંગ સ્થિર રહી હતી. ઓગસ્ટ 2023માં વિમાન ફ્યુઅલની માંગ 5,99,100 ટન હતી.

LPG વેચાણના આંકડા કેવા હતા?

સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે રાંધણ ગેસ (LPG)નું વેચાણ 6 ટકા વધીને 26.7 લાખ ટન પર પહોંચ્યું છે. સપ્ટેમ્બર, 2021ની સરખામણીમાં LPG નો વપરાશ 11.4 ટકા વધુ હતો અને કોવિડ પહેલાના સમયગાળા એટલે કે સપ્ટેમ્બર, 2019ની સરખામણીમાં 23.3 ટકા વધુ હતો. માસિક ધોરણે LPG ની માંગમાં 7.3 ટકાનો વધારો થયો છે. ઓગસ્ટમાં LPG ની માંગ 24.9 લાખ ટન હતી.

એપ્રિલ અને મે મહિનામાં ડીઝલનો વપરાશ અનુક્રમે 6.7 ટકા અને 9.3 ટકા વધ્યો હતો કારણ કે તે સમયે એગ્રીકલ્ચર સેક્ટરની માંગ સારી હતી. આ સિવાય ઉનાળાના કારણે કારમાં એર કંડિશનરનો ઉપયોગ વધી ગયો હતો.


Google NewsGoogle News