FPIsની શેરોમાં ધૂમ વેચવાલી : સેન્સેક્સ મામૂલી ઘટયો : સ્મોલ, મિડ કેપમાં ફરી ગાબડાં
- નિફટી સ્પોટ ૫૧ પોઈન્ટ ઘટીને ૨૪૧૪૮ : ટ્રમ્પની નીતિઓની અટકળો વચ્ચે વૈશ્વિક સાવચેતી
- FPIs/FIIની કેશમાં રૂ.૩૪૦૪ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની રૂ.૧૭૪૮ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : ચાઈનાએ તેના અર્થતંત્રને ઉગારવા સ્ટીમ્યુલસ પર સ્ટીમ્યુલસ પગલાં લેવાની ફરજ પડી રહી હોઈ હવે સ્થાનિક સરકારોને મદદ માટે ૧.૪ લાખ કરોડ ડોલરનું ડેટ સ્વોપ જાહેર કરતાં અને બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ તેમની સંરક્ષણાત્મક નીતિઓ, ટેરિફ વોર સહિતની અટકળોએ વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈ જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી સાંકડી અનિશ્ચિત વધઘટની ચાલ વચ્ચે નિરસતા જોવાઈ હતી. વિદેશી ફંડો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વધતી વેચવાલી સામે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની સ્ટીમ ખૂટવા લાગી હોય એમ ખરીદી ધીમી પડવા લાગતાં સેન્ટીમેન્ટ ડહોળાતું જોવાયું હતું. ટ્રમ્પની જીતથી હવે ઈલોન મસ્કની સ્ટારલિન્ક માટે ભારતમાં પ્રવેશ સરળ બનવાની શકયતા સામે રિલાયન્સ સહિત માટે કપરાં ચઢાણની સ્થિત સર્જાવાની અટકળોએ આજે રિલાયન્સ, ભારતી એરટેલ સહિતના શેરોમાં વેચવાલી થઈ હતી. આ સાથે ઓટો, મેટલ શેરોમાં વેચવાલી રહી હતી. બે-તરફી વધઘટના અંતે સેન્સેક્સ ૫૫.૪૭ પોઈન્ટ ઘટીને ૭૯૪૮૬.૩૨ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૫૧.૧૫ પોઈન્ટ ઘટીને ૨૪૧૪૮.૨૦ બંધ રહ્યો હતો.
રિલાયન્સ, ભારતી એરટેલ ઘટયા
ડોનાલ્ડ ટ્રમ્પની જીતમાં મોટી ભૂમિકા ભજવનાર ટેસ્લા, સ્ટારલિન્ક ફેઈમ ઈલોન મસ્કનું અમેરિકામાં અને વિદેશોમાં પ્રભુત્વ વધવાની અને ભારતમાં સ્ટારલિન્કની એન્ટ્રી સરળ બનવાની ધારણા અને રિલાયન્સ, ભારતી એરટેલ માટે પડકારો ઊભા થવાની અટકળો વચ્ચે આજે શેરોમાં ફંડોનુનં ઓફલોડિંગ થયું હતું. કોમ્યુનિકેશન પ્રધાન માધવરાવ સિંધીયાએ સેટેલાઈટ બ્રોડબેન્ડ માટે સ્પેકટ્રમ ઓકશન નહીં કરીને ફાળવણી કરવામાં આવશે એવું નિવેદન કરીને મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલની ઓકશન માટેની માંગને નકારતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૬૫ ઘટીને રૂ.૧૨૮૪, ભારતી એરટેલ રૂ.૭.૩૫ ઘટીને રૂ.૧૫૬૮.૩૦ રહ્યા હતા.
સ્ટેટ બેંકનો નફો અપેક્ષાથી ઓછો, શેર ઘટયો
બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૭.૯૨ ટકા વધીને રૂ.૧૮,૩૩૧ કરોડ અને ચોખ્ખી વ્યાજ આવક ૫.૩૭ ટકા વધીને રૂ.૪૧,૬૨૦ કરોડ થતાં શેર રૂ.૧૬ ઘટીને રૂ.૮૪૩.૨૫ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૬.૪૫ ઘટીને રૂ.૨૫૬.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૯.૫૫ ઘટીને રૂ.૧૨૫૯.૩૫ રહ્યા હતા.
મેટલ શેરોમાં વેચવાલી
ચાઈનાના અર્થતંત્રને ઉગારવા માટે સ્ટીમ્યુલસ પગલાં છતાં આ પગલાં અપર્યાપ્ત હોવાના અહેવાલ અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આગામી વર્ષમાં ફરી એલ્યુમીનિયમ, સ્ટીલ સહિતની મેટલ પર ડયુટીમાં વધારો કરવાની અટકળોએ મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી. સેઈલ રૂ.૪.૯૫ ઘટીને રૂ.૧૧૮.૩૫, કોલ ઈન્ડિયા રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૪૨૩.૯૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૧.૬૦ ઘટીને રૂ.૯૨૫.૪૦, ટાટા સ્ટીલ રૂ.૩.૩૫ ઘટીને રૂ.૧૪૭.૫૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૩.૨૫ ઘટીને રૂ.૭૦૯.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૨૭.૮૨ પોઈન્ટ ઘટીને ૩૦૯૮૨.૯૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો સતત વેચવાલ
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે સતત મોટી વેચવાલી રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ રિન્યુએબલ એનજીૅ સ્ત્રોતની વિરૂધ્ધમાં હોઈ આગામી નીતિને લઈ નેગેટીવ અસરે પોલીકેબ રૂ.૧૧૫.૨૦ ઘટીને રૂ.૬૬૯૯.૯૫ રહ્યા હતા. જો કે સિમેન્સ રૂ.૬૩.૬૦ વધીને રૂ.૭૧૩૫, એબીબી ઈન્ડિયા રૂ.૨૮.૫૫ વધીને રૂ.૭૦૨૪.૬૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૧.૮૫ વધીને રૂ.૩૬૫૭ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૩૪.૧૮ પોઈન્ટ ઘટીને ૬૯૪૭૯.૪૩ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ધોવાણ
રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ તેજીના વળતાં પાણી થવા લાગી આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૨૬.૧૫ તૂટીને રૂ.૨૬૮૪.૭૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૬૪ તૂટીને રૂ.૧૫૮૧.૬૫, શોભા ડેવલપર્સ રૂ.૪૮.૭૦ તૂટીને રૂ.૧૫૯૭.૭૦, મેક્રોટેક ડેવલપર્સ રૂ.૪૧.૪૫ ઘટીને રૂ.૧૧૭૫.૭૫, ડીએલએફ રૂ.૧૭.૩૦ ઘટીને રૂ.૭૮૫.૮૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૧૮.૮૫ ઘટીને રૂ.૨૦૧૨.૪૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૨૩૨.૧૯ પોઈન્ટ ઘટીને ૭૫૫૪.૩૦ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી મોટું ઓફલોડિંગ
સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવી ફરી ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ વધુ નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૨થી વધીને ૨૫૭૫ અને વધનારની સંખ્યા ૧૭૬૯થી ઘટીને ૧૩૯૬ રહી હતી.
DIIની રૂ.૧૭૪૮ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૩૪૦૪.૦૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૭૪૮.૪૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૨૪૬.૯૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૪૯૮.૫૨ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૪.૧૦ લાખ કરોડ ઘટી
સેન્સેકસ, નિફટી બેઝડ આજે સાધારણ ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફરી મોટાપાયે વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં રૂ.૪.૧૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૪.૩૫ લાખ કરોડ રહ્યું હતું.