આવો કેવો નિયમ? પરીણિત મહિલાઓને નોકરી નથી આપતી આ દિગ્ગજ કંપની...
Foxconn does not hire-married-women: આજે મહિલાઓ મોટાભાગના ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બની છે. તેમજ મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે. ત્યારે એક કંપની એવી છે કે, તે પરિણીત મહિલાઓને નોકરી આપી રહી નથી. ભારતમાં જ આઈફોનના એસેમ્બલિંગનું ઉત્પાદન કરતી ફોક્સકોન (Foxconn) પરિણીત મહિલાઓની જોબ એપ્લિકેશન રિજેક્ટ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ફોક્સકોનની ચેન્નઈ પ્લાન્ટનો મામલો
ભારતમાં ફોક્સકોનના આઈફોન એસેમ્બલ પ્લાન્ટમાં આ ભેદભાવનો મામલો જાહેર થયો છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેન્નઈ સ્થિત આ પ્લાન્ટમાં પરિણીત મહિલાઓને કાયમી નોકરીની તકો આપવામાં આવી રહી નથી. એપલ અને ફોક્સકોન બંને 2023 અને 2024માં આ પ્રકારનું વલણ અપનાવ્યું હોવાની જાણ થઈ છે. કંપનીમાં આ પ્રથા કથિત રૂપે પરિવારની જવાબદારી અને સામાજિક દબણોથી પ્રેરિત છે.
દેશની ટેલિકોમ કંપનીઓ સરકારને રૂ. 11 હજાર કરોડની ચૂકવણી કરશે, જાણો કેમ
બે બહેનોનો ઈન્ટરવ્યુ કેન્સલ કર્યો
આ રિપોર્ટમાં 20 વર્ષની બે બહેનો પાર્વતી અને જાનકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચેન્નઈમાં ફોક્સકોનની આઈફોન ફેક્ટરીમાં તેમને આ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે માર્ચ 2023માં વોટ્સએપ પર નોકરીની જાહેરાતો જોઈને આ બંને બહેનો ઈન્ટરવ્યુ માટે આ પ્લાન્ટ પર પહોંચી હતી, પરંતુ મેઈન ગેટ પર હાજર સિક્યુરિટી ઓફિસરે તેમનો ઈન્ટરવ્યુ લેવાની ના પાડી દીધી અને ગેટ પરથી જ પાછા મોકલી દીધા હતા. સિક્યુરિટી ઓફિસરે તેમને એક જ સવાલ કર્યો હતો કે, 'શું તમે પરિણીત છો?' અને હા જવાબ આપતાં જ તેણે બંને પરિણીત મહિલાઓને પાછા જવા કહ્યું હતું.
તપાસમાં આવા ભેદભાવની ખાતરી થઈ
પાર્વતીના કહેવા પ્રમાણે, તેને આ કામ માત્ર એટલા માટે આપવામાં આવ્યું નથી કારણ કે તે બંને પરિણીત છે. વધુમાં જણાવ્યું હતું કે અમે જે રિક્ષામાં બેસી ઈન્ટરવ્યુ આપવા ફેક્ટરી ગયા હતા, તે રિક્ષા ડ્રાઈવરને પણ ફોક્સકોનનું પક્ષપાતી વલણ ખબર છે. રિપોર્ટ અનુસાર, ફોક્સકોન ઈન્ડિયાના ભૂતપૂર્વ એચઆર એક્ઝિક્યુટિવ એસ.પૉલે પણ આ વલણને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ફોક્સકોન માને છે કે પરિણીત મહિલાઓ પારિવારિક જવાબદારીઓ અને સંભવિત ગર્ભાવસ્થાને કારણે રિસ્ક ફેક્ટર ઉભુ કરે છે.
એસ. પોલના આ દાવાઓને ફોક્સકોનની વિવિધ હાયરિંગ એજન્સીઓના 17 કર્મચારીઓ અને 4 વર્તમાન અને ભૂતપૂર્વ એચઆર અધિકારીઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પરિણીત મહિલાઓ પર યુવતીઓ કરતાં વધુ જવાબદારીઓ હોય છે અને તેમના કામને અસર ન થાય તે માટે તેમને ભરતી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે છે.
બંને કંપનીઓએ આરોપો ફગાવ્યા
આ રિપોર્ટ બાદ એપલે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે, અમે સપ્લાય ચેઈનના ઉચ્ચ ધોરણો જાળવી રાખવામાં માનીએ છીએ અને ભારતમાં પરિણીત મહિલાઓને નોકરીએ રાખીએ છીએ. ફોક્સકોને રોજગાર આપવામાં ભેદભાવના આરોપોને નકારી કાઢ્યા છે. બંને કંપનીઓએ ભરતીની પ્રક્રિયામાં સુધારો કરવા અને તે સંબંધિત આચાર સંહિતાનું પાલન કરવાના તેમના પ્રયાસોને રજૂ કર્યા હતાં. જે વૈવાહિક સ્થિતિ, જાતિ અને અન્ય પરિબળોના આધારે ભેદભાવ પર સંપૂર્ણ પ્રતિબંધિત દર્શાવે છે.