ચિપના ચક્કરમાં ભારત બરબાદ થઈ જશે, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આમ કેમ કહ્યું...

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
ચિપના ચક્કરમાં ભારત બરબાદ થઈ જશે, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આમ કેમ કહ્યું... 1 - image

ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદન (India Semiconductor Chip Production) મામલે ભારતની હરણફાળ ગતિની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં ચાર સેમિકન્ડક્ટર યુનિટ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ઈલેક્ટ્રોનિક્સ વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો છે કે, આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વના ટોચના 5 સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદક દેશોની યાદીમાં આવી જશે. જોકે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને (Raghuram Rajan) સેમિકન્ડક્ટર ચિપ્સ મામલે આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે.

...તો ભારત બરબાદ થઈ જશે : રઘુરામ રાજન

રઘુરામ રાજને કહ્યું કે, ભારતે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાની રેસમાં સામેલ ન થવું જોઈએ, આમ કરવાથી ભારત બરબાદ થઈ જશે. ભારત માટે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા કરતાં અન્ય ઘણા કાર્યો વધુ મહત્વના છે. આ પ્રોજેક્ટ પર ધ્યાન આપવાને બદલે ભારતે શિક્ષણ સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ.

‘શિક્ષણ કરતા વધુ ચિપ મેન્યુફેક્ચરિંગ માટે સબસિડી’

શિકાગો યુનિવર્સિટીના ફાઈનાન્સ પ્રોફેસર રઘુરામ રાજને વધુમાં કહ્યું કે, ભારત સરકાર ઉચ્ચ શિક્ષણના વાર્ષિક બજેટથી વધુ ચિપ મેન્યુફેક્ચરિંગ માટે સબસિડી આપી રહી છે, જે સારી બાબત નથી. રાજને સ્પષ્ટ કહ્યું કે, મારી વાતનો અર્થ એ નથી કે ભારતે ક્યારેય સેમિકન્ડક્ટર ચિપ્સ ન બનાવવી જોઈએ. પરંતુ આજે દરેક દેશ આ થઈ રહ્યું છે, તેથી આ રેસમાં આવવાનો અર્થ પોતાને બરબાદ કરવાનો છે. ભારતે ગયા મહિને ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપી હતી, જેમાં કુલ રૂ.1.26 લાખ કરોડનું રોકાણ થશે. આ રોકાણમાં સરકાર દ્વારા રૂ.48,000 કરોડની સબસિડી અપાશે.

ભારતમાં ત્રણ સ્થળોએ સ્થપાઈ રહ્યા છે સેમીકન્ડક્ટર પ્લાન્ટ

ભારતમાં જે ત્રણ સેમીકન્ડક્ટર પ્લાન્ટ બની રહ્યા છે, તેમાં ગુજરાતનાં સાણંદ અને ધોલેરામાં એક-એક અને આસામમાં એક એકમનો સમાવેશ થાય છે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાને રોજગારી આપશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે. સેમીકન્ડક્ટર ચીપ બનાવવાનો ભારતનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતના ધોરેલા ખાતે ટાટા જૂથ દ્વારા સ્થાપવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ રૂ.91 હજાર કરોડના કુલ મૂડીરોકાણથી બની રહ્યો છે. આ પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ તાઇવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ સાથેની ભાગીદારીમાં બનાવાઈ રહ્યો છે. આ ઉપરાંત બે સેમિકન્ડક્ટર એટીએમપી (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) એકમો આસામના મોરીગાંવ અને ગુજરાતમાં સાણંદ ખાતે બની રહ્યા છે. ભારતની સેમિકન્ડક્ટર ક્ષેત્રે માટે આ એક મોટી છલાંગ છે, કારણ કે સરકાર દ્વારા વૈશ્વિક કંપનીઓને અહીં ફેક્ટરીઓ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો છતાં દેશ દાયકાઓ સુધી તકથી વંચિત રહ્યો હતો.


Google NewsGoogle News