Get The App

શેરબજાર માંથી વિદેશી રોકાણકારોએ રૂ. એક લાખ કરોડ પાછા ખેંચ્યા

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
શેરબજાર માંથી  વિદેશી રોકાણકારોએ રૂ. એક લાખ કરોડ પાછા ખેંચ્યા 1 - image


- વર્તમાન વર્ષમાં એફઆઈઆઈની વેચવાલી

- બજેટ દરખાસ્તો તથા વ્યાજ દરમાં કપાતથી ઈક્વિટીમાં વેચવાલી અટકવા અપેક્ષા 

મુંબઈ : ૨૦૨૫માં એફઆઈઆઈની ભારતીય ઈક્વિટી કેશમાં વેચવાલીનો આંક ફેબુ્રઆરીમાં જ રૂપિયા એક લાખ કરોડની નજીક પહોંચી ગયો છે. ૨૦૨૪માં રૂપિયા એક લાખ કરોડની વેચવાલીનો આંક મેમાં પાર થયાનું જોવા મળ્યું હતું. 

વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) વર્તમાન મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. 

જાન્યુઆરીમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂપિયા ૮૭૩૭૪ કરોડની નેટ વેચવાલી કરી હતી. ફેેબુ્રઆરીના પ્રથમ સપ્તાહમાં એફઆઈઆઈએ  કેશમાં રૂપિયા ૧૦૧૭૯.૪૦ કરોડની નેટ વેચવાલી કરી છે. ૨૦૨૫માં અત્યારસુધી ઈક્વિટી કેશમાં રૂપિયા ૯૭૦૦૦ કરોડથી વધુની વેચવાલી આવી પડી છે. 

૨૦૨૫માં એફઆઈઆઈ દ્વારા વેચવાલીની ગતિ જળવાઈ રહેશે તો ૨૦૨૪ના સંપૂર્ણ  વર્ષના રૂપિયા ૩૦૪૨૧૭ કરોડની વેચવાલીનો આંક ટૂંકા ગાળામાં જ પાર થઈ જવાનું વિશ્લેષકો માની રહ્યા છે.

ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાંથી રોકાણ પાછા ખેંચી રહ્યાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. જો કે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટવા લાગતા આગળ જતા એફઆઈઆઈની વેચવાલી પણ ધીમી પડવા શકયતા છે. આગામી નાણાં વર્ષના બજેટમાં આકર્ષક દરખાસ્તો અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતને જોતા શેરબજારમાં તબક્કાવાર સુધારો જોવા મળવાની અપેક્ષા હોવાનું બજારના એક નિષ્ણાતે જણાવ્યું હતું.

જો કે  આર્થિક વિકાસ દર તથા કંપનીઓના પરિણામો  બજારની લાંબા ગાળાની દિશા નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતા સપ્તાહે થનારી બેઠકમાં ભારત પ્રત્યેનો અમેરિકાનો અભિગમે કેવો રહેશે તે સ્પષ્ટ થશે. 


Google NewsGoogle News