Get The App

ડિસેમ્બરના એક જ સપ્તાહમાં વિદેશી રોકણકારોએ ભારતીય શેરબજારમાં રુ. 26,505 કરોડ ઠાલવ્યા

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
ડિસેમ્બરના એક જ સપ્તાહમાં વિદેશી રોકણકારોએ ભારતીય શેરબજારમાં રુ. 26,505 કરોડ ઠાલવ્યા 1 - image


- દલાલ સ્ટ્રીટમાં હાલ ક્રિસમસ ટાણે દિવાળીનો માહોલ છે

- 2023માં અત્યાર સુધી FPIએ ઇક્વિટી માર્કેટમાં રૂ. 1.31 લાખ કરોડ, ડેટ માર્કેટમાં રૂ. 55,867 કરોડનું રોકાણ કર્યું

અમદાવાદ : ભારતીય બજાર માટે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો રજાનો અને રોકાણ પરત ખેંચવાનો મહિનો કહેવાય છે પરંતુ દલાલ સ્ટ્રીટમાં હાલ ક્રિસમસ ટાણે દિવાળીનો માહોલ છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના ઘોડાપૂરની સાથે વિદેશી રોકાણકારો તરફથી પણ નાણાંનો વરસાદ થઈ રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ડિસેમ્બરના પ્રથમ છ ટ્રેડિંગ સેશનમાં જ ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂ. ૨૬,૫૦૫ કરોડનું રોકાણ કર્યું છે. આ ઈન્ફ્લો ત્રણ રાજ્યોમાં ભાજપની ચૂંટણી જીત અને મજબૂત આર્થિક ડેટાની અસર હોવાનું માનવામાં આવે છે. 

અગાઉ નવેમ્બરમાં એફપીઆઈએ રૂ. ૯,૦૦૦ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. ડિપોઝિટરી ડેટા અનુસાર એફપીઆઈએ ઓક્ટોબરમાં રૂ. ૨૪,૫૪૮ કરોડ અને સપ્ટેમ્બરમાં રૂ. ૧૪,૭૬૭ કરોડ પાછા ખેંચ્યા હતા. જોકે માર્ચથી ઓગસ્ટ ૨૦૨૩ સુધી સતત ભારતીય ઇક્વિટીની ખરીદી કરીને છ મહિનામાં રૂ. ૧.૭૪ લાખ કરોડ ઠાલવ્યા હતા.

સેક્ટરની વાત કરીએ તો એફપીઆઈ ફરી મોટી બેંકોના ખરીદદાર બની ગયા છે. આ સિવાય તેઓ આઈટી, ટેલિકોમ, ઓટોમોબાઈલ અને કેપિટલ ગુડ્સ સેગમેન્ટમાં મોટી કંપનીઓના શેર પણ ખરીદી રહ્યા છે. બોન્ડ એટલેકે ડેટ માર્કેટના કિસ્સામાં એફપીઆઈએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં રૂ. ૫૫૦૬ કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ નવેમ્બરમાં બોન્ડ માર્કેટમાં રૂ. ૧૪,૮૬૦ કરોડનું રોકાણ કર્યું હતું, જે ૬ વર્ષમાં સૌથી વધુ હતુ. એફપીઆઈએ આ વર્ષે અત્યાર સુધીમાં ઇક્વિટી માર્કેટમાં રૂ. ૧.૩૧ લાખ કરોડ અને ડેટ માર્કેટમાં રૂ. ૫૫,૮૬૭ કરોડનું રોકાણ કર્યું છે.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ રાજકીય સ્થિરતાના સંકેતો, ભારતીય અર્થતંત્રમાં મજબૂત વૃદ્ધિની ગતિ, ફુગાવામાં ઘટાડો, યુએસ બોન્ડ યિલ્ડમાં સતત ઘટાડો અને બ્રેન્ટ ક્ડના ભાવમાં નરમાઈ બજારને નવી દિશા આપી રહ્યાં છે અને આગામી સમયમાં તેજી અને ઈન્ફલો બંને ચાલુ રહેવાનો નિષ્ણાંતોનો મત છે.


Google NewsGoogle News