Get The App

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો 2024માં FPIમાં 99 ટકાનો તોતિંગ ઘટાડો

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો 2024માં FPIમાં 99 ટકાનો તોતિંગ ઘટાડો 1 - image


- 2023માં 1.71 લાખ કરોડ સામે 2024માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ માત્ર રૂપિયા 2,026 કરોડ  

નવી દિલ્હી : ભારતમાં રોકાણ કરવા વિદેશી રોકાણકારો પડાપડી કરી રહ્યા હોવાના દાવા વચ્ચે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના રીપોર્ટમાં ચોંકાવનારો ઘટાડો થયો છે. એનએસડીએલના જણાવ્યા અનુસાર, ભારતમાં ૨૦૨૪ના વર્ષમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) સીધું ૯૯ ટકા ઘટી ગયું છે.  એનએસડીએલના ડેટા પ્રમાણે, ભારતમાં ૨૦૨૩માં  ચોખ્ખો એફપીઆઈ ઇનફ્લો રૂપિયા ૧.૭૧ લાખ કરોડ હતો તે ઘટીને ૨૦૨૪માં માત્ર રૂપિયા  ૨,૦૨૬ કરોડ થઈ ગયો છે. 

આર્થિક વિશ્લેષકોના મતે, વિદેશી રોકાણકારોને આથક નીતિઓમાં વિશ્વાસ નથી અને રૂપિયાના ધોવાણને રોકવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે તેનું આ પરિણામ છે. આ કારણે જ એફપીઆઈના પ્રવાહમાં અગાઉના વર્ષની સરખામણીમાં ૯૯ ટકાનો જંગી ઘટાડો થયો છે. 

આ સિવાય અર્થતંત્રને ઉપર લાવવા માટે ચીનની સરકારે જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના કારણે પણ ભારતને ફટકો પડયો છે. ચીનમાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલસ પેકેજના કારણે ૨૪ સપ્ટેમ્બર અને ૮ ઓક્ટોબરની વચ્ચે ચીનનાં શેરબજારોમાં ૫૩ અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. આ પૈકીનું મોટા ભાગનું રોકાણ ભારતીય શેરબજારોમાંથી પાછુ ખેંચાયેલું હતું. 

નાણાકીય વિશ્લેષકોના મતે, એક તરફ ભારતીય અર્થતંત્ર નબળું પડયું છે ત્યારે બીજી તરફ યુએસ અર્થતંત્ર મજબૂત બન્યું છે. આમ  વૈશ્વિક બજારોમાં યુએસ અર્થતંત્રની મજબૂત સ્થિતિ પણ એક કારણ છે. ભારતના અસ્થિર શેરબજારની સરખામણીમાં અમેરિકામાં સ્થિર શેરબજારો અને સતત ઊંચા વ્યાજ દરોના કારણે રોકાણકારો યુએસ તરફ વળી રહ્યા છે.

અમેરિકાના અર્થતંત્રની મજબૂત કામગીરીને પરિણામે યુએસ બોન્ડ્સ, મની માર્કેટ્સ અને ઇક્વિટીમાં મોટા ભાગનાં રોકાણો વળી ગયાં છે. યુએસનાં બજારોની મજબૂતાઈએ ભારત સહિતના ઊભરતાં બજારોને અસર કરી છે. આ ઉપરાંત  ઘટતો જીડીપી વૃદ્ધિ દર, ઘટતા ઔદ્યોગિક ઉત્પાદન અને ઘટતી કોર્પોરેટ અર્નિંગ વૃદ્ધિને કારણે પણ ભારતીય બજારો ઓછા આકર્ષક બની ગયાં છે. 

રીઝર્વ બેંકે ભારતમાં અસુરક્ષિત ધિરાણ પર મૂકેલાં કડક નિયંત્રણોએ કારણે બેકિંગ અને ફાયનાન્સ કંપનીઓના શેરોમાં ભાવ ઘટયા તેના કારણે પણ વિદેશી રોકાણકારોનું આકર્ષણ ઘટી ગયું.  સામાન્ય રીતે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) નાણાકીય શેરોમાં રોકાણ કરે છે પણ તેના બદલે અવળી ગંગા જોવા મળી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) દ્વારા બેકિંગ અને ફાયનાન્સ સેક્ટરમાં સમગ્ર વર્ષ દરમિયાન ૩૫ અબજ ડોલરના શેરોનું વેચાણ કર્યું હતું.

FPINSDL

Google NewsGoogle News