10 વર્ષમાં પહેલીવાર PM મોદીએ સરકારી કર્મચારીઓને બેઠક માટે બોલાવ્યાં, મોટા એલાનની શક્યતા
PM Modi To Meet Unions Of Govt Employees: કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સુધારાની વાત કરી હતી. તેમણે 'જૂના પેન્શન'નો ઉલ્લેખ પણ કર્યો નહતો. ત્યારબાદ સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, 'કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાનો કોઈ પ્રસ્તાવ કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ નથી.' જેને લઈને કર્મચારીઓ નિરાશ થયા હતા. હવે બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી શનિવારે (24મી ઑગસ્ટ) સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલ (JCM)ના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.
10 વર્ષમાં પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારી સંગઠનોના નેતાઓને વાતચીત માટે બોલાવ્યા છે. પીએમ આવાસ પર યોજાનારી આ બેઠકમાં કર્મચારીઓના હિત સાથે જોડાયેલા અન્ય ઘણાં મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની આશા છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ફાર્મ હાઉસની છત ધરાશાયી, 5 મજૂરોના દટાઈ જતાં મોત
જૂની પેન્શન યોજના પર ચર્ચા થઈ શકે છે
લોકસભા ચૂંટણી બાદ એનડીએ સરકારનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારમાં કર્મચારી નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં જૂની પેન્શન યોજના (OPS) પર ચર્ચા થઈ શકે છે. ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF)ના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)ના રાષ્ટ્રીય સચિવ સી. શ્રીકુમારે કેન્દ્રીય બજેટની રજૂઆત બાદ કહ્યું હતું કે, 'કેન્દ્રીય બજેટ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે કે પેન્શન એ પુરસ્કાર નથી, પેન્શન એ એક્સ-ગ્રેશિયા નથી, પેન્શન એ એવી વસ્તુ નથી જે એમ્પ્લોયરની ઇચ્છા મુજબ આપવામાં આવે છે. આ દરેક સરકારી કર્મચારીનો મૂળભૂત અધિકાર છે. આદર્શ નોકરીદાતા તરીકેની અપેક્ષા રાખતી સરકાર હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ માન આપી રહી નથી.'
એઆઈડીઈએફના જનરલ સેક્રેટરી અને એઆઈટીયુસીના રાષ્ટ્રીય સચિવ સી. શ્રીકુમારે કહ્યું કે, 'જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે નાણામંત્રીએ બજેટમાં સરકારી કર્મચારીઓને લગતી ઓ.પી.એસ અંગે કોઈ જાહેરાત કરી નથી. એન.પી.એસ.માં કરવામાં આવનાર સુધારા અંગે તેમણે એક માત્ર જાહેરાત કરી હતી. પેન્શનને લઈને કેન્દ્રીય બજેટમાં કોઈ જાહેરાત ન થતાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો સંપૂર્ણપણે નિરાશ થઈ ગયા હતા.'
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના 15 લાખથી વધુ કર્મચારીઓ NPS હેઠળ આવે છે. સરકારે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની તેમની માંગને ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમની સાથે થયેલા અન્યાયને સ્વીકારશે નહીં. તેઓ પેન્શન અધિકારો પરત મેળવવા માટે લડત આપશે. હરિયાણામાં કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજના માટે દેખાવ કરી રહ્યા છે.