હવે ડાઉન પેમેન્ટની ચિંતા થશે દૂર, આ સરળ રીત અપનાવી તમે પણ ખરીદી શક્શો ઘર, જાણી લો ફટાફટ
Savings For Home Loan: પોતાની માલિકીનું એક ઘર હોય તે દરેકનું સ્વપ્ન હોય છે. પરંતુ આજની મોંઘવારીમાં અપૂરતી નાણાકીય જોગવાઈના કારણે ઘર ખરીદવુ મુશ્કેલ છે. બજારમાં વિવિધ બેન્કો, નાણાકીય સંસ્થાઓ ખોબલે ખોબલે હોમ લોન તો આપી રહી છે, પરંતુ તેની ચૂકવણી કરવા સક્ષમ હોવુ પણ તેટલુ જ જરૂરી છે. વધુમાં ઘર ખરીદતી વખતે સૌ પ્રથમ તો ડાઉન પેમેન્ટની જરૂર પડે છે. અહીં અમે તમને ડાઉન પેમેન્ટ માટે કેવી રીતે બચત કરી શકાય તેના વિશે જણાવીશું...
આવક અને ખર્ચ પર ધ્યાન આપો
તમારી કમાણીમાંથી તમે કેટલી બચત કરી શકો છો, તેનો આંકડો કાઢો. ત્યારબાદ એક મહિના સુધી તમારી આવક અને ખર્ચાઓ પર નજર રાખો. જેથી તમને સચોટ અંદાજ માલૂમ થશે. જો તમે અગાઉથી જ કોઈ લોન ધરાવતા હોવ તો પહેલાં તેની ચૂકવણી કરવા પ્રાધાન્ય આપો.
બચત માટે લક્ષ્યાંક નક્કી કરો
લોનની જેટલી રકમ હોય તેમાંથી 20 ટકા ડાઉન પેમેન્ટ આદર્શ ગણાય છે. તેમજ ઓછા ડાઉન પેમેન્ટ ધરાવતા વિકલ્પો પણ બજારમાં ઉપલબ્ધ છે. જુદી-જુદી બેન્કો પાસેથી લોન અને તેના વ્યાજદર તથા ડાઉન પેમેન્ટ પર એક રિસર્ચ કરો. ત્યારબાદ તમારે કેટલી લોનની જરૂર છે. અને તમારુ બજેટ ખોરવાય નહીં તે રીતે લોનનો વિકલ્પ પસંદ કરો.
બચતને હંમેશા પ્રાધાન્ય આપો
તમારી કુલ આવકમાંથી દરમહિને નિશ્ચિત રકમ અવશ્ય બચાવો. જેના માટે તમારે તમારી જરૂરિયાતોને પ્રાધાન્ય આપવુ પડશે. મનોરંજન અને હાલ જરૂર ન હોય તેવા ખર્ચાઓને હંમેશા બચત બાદ જ પ્રાધાન્ય આપો. તમારા ચેકિંગ એકાઉન્ટમાંથી તમારા ડાઉન પેમેન્ટ સેવિંગ એકાઉન્ટમાં રિકરિંગ ટ્રાન્સફર સેટ કરી બચતને ઓટોમેટ કરો.
ખર્ચાઓ પર કાબૂ રાખો
ખર્ચની આદતોનું એનાલિસિસ કરી એવા સેગમેન્ટમાં ખર્ચ કરવાનુ ટાળો, જેના વિના તમારૂ કામ થઈ જાય. જે તમારી બચતમાં વધારો કરશે. મનોરંજન, હરવા-ફરવા સહિતના શોખને હંમેશા છેલ્લી પ્રાયોરિટી આપો. જેથી તમે બચત પણ કરી શકો અને તમારો લક્ષ્યાંક પણ પૂર્ણ કરી શકો.
આવકનો બીજો સ્રોત ઉભો કરો
આવક વધારવા માટે વિવિધ પ્રકારના પગલાં લઈ શકો છો. ફ્રિલાન્સ કામ કરી શકો છો. સ્થાયી નોકરીમાં પગાર ઓછો હોય તો અન્ય સ્થળે નોકરીની તકો શોધો અને અપ્લાય કરો. પાર્ટટાઈમ કે નવરાશની પળોમાં પોતાની આવડત અનુસાર, આવક મેળવી શકો છો.
બચત જ નહીં તેનું રોકાણ કરો
તમે બચત કરવાનું તો શરૂ કર્યું, પરંતુ બચતમાંથી પણ આવક ઉભી કરવા માટે તેનુ વિવિધ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરો. ટેક્સ રિફંડ, વર્ક બોનસ, અનએક્સપેક્ટેડ ગિફ્ટનો ઉપયોગ કરી બચતમાં વધારો કરી શકો છો. ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અનુસાર રોકાણ કરી શકો છો.
શિસ્તબદ્ધ રોકાણ અને બચત કરો
રોકાણ અને બચતનું હંમેશા શિસ્તબદ્ધ પાલન કરો. કારણકે, જો તેમાં અનિયમિતતા થશે તો તમે તમારા ઘર ખરીદવાના સ્વપ્નથી તેટલા જ દૂર થશો. લાંબાગાળાના રોકાણને જાળવી રાખવામાં આવે તો ઘણીવાર ઘર ખરીદવા માટે મોટી રકમની લોનની પણ જરૂર પડતી નથી. જેના માટે તમારી ઈમરજન્સી ફંડની જોગવાઈ કરવી પડશે. જેથી અનિશ્ચિત પડકારોના સમયે તમે તેમાંથી નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકો છો.