Get The App

ગૂગલ-ઍપલને ટક્કર આપવા ભારતનો સ્વદેશી ઍપ સ્ટોર INDUS લૉન્ચ, 12 ભાષામાં એપ સર્ચ થશે

વર્ષના અંત સુધીમાં એન્ડ્રોઇડ ફોન ઉપર ભારતીય એપ સ્ટોર થશે લોન્ચ

ભારત વિશ્વમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં હવે સહ ભાગીદાર છે: અશ્વિની વૈષ્ણવ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
ગૂગલ-ઍપલને ટક્કર આપવા ભારતનો સ્વદેશી ઍપ સ્ટોર INDUS લૉન્ચ, 12 ભાષામાં એપ સર્ચ થશે 1 - image


Indus App Store: દેશની 12 ભાષાઓમાં મોબાઈલ એપની વિગતો અને તે શું કામગીરી કરે છે તેના વર્ણન સાથે, વોઇસ અને વીડિયોથી સર્ચ કરી શકાય એ પ્રકારની સવલત સાથે સંપૂર્ણ ભારતીય એવો એપ સ્ટોર 'ઈન્ડસ' આજે લોન્ચ થયો છે. અત્યારે વિશ્વમાં એપલનાં ફોન ઉપર એપ સ્ટોર અને એન્ડ્રોઇડ ઉપર ગૂગલ એપ સ્ટોરનો દબદબો છે તેને વોલમાર્ટની માલિકીની ફીનટેક કંપની ફોન પે એ પડકાર ફેંક્યો છે.

ડિસેમ્બર સુધીમાં ઈન્ડસ એપ સ્ટોર ઉપલબ્ધ થશે

જોકે, માત્ર એન્ડ્રોઇડ ફોન ઉપર જ કાર્ય કરી શકે એવો આ એપ સ્ટોર અત્યારે ગ્રાહકોએ કંપનીની વેબસાઈટ ઉપરથી સીધો ડાઉનલોડ કરવો પડશે, પરંતુ આ વર્ષના અંત સુધીમાં મોટાભાગની કંપનીઓના નવા ફોનમાં તે સામેલ થઈ જશે, પ્રી લોડેડ આવશે એવો વિશ્વાસ કંપનીના રાઉન્ડર સમીર નિગમે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "મોટાભાગની ટોચની એન્ડ્રોઇડ ફોન બનાવતી કંપની સાથે અમારી વાતચીત ચાલી રહી છે. ડિસેમ્બર સુધીમાં આ કંપનીઓના ફોન સાથે અમારો ઈન્ડસ એપ સ્ટોર પણ ઉપલબ્ધ થઈ જશે."

ગૂગલ-ઍપલને ટક્કર આપવા ભારતનો સ્વદેશી ઍપ સ્ટોર INDUS લૉન્ચ, 12 ભાષામાં એપ સર્ચ થશે 2 - image

અશ્વિની વૈષ્ણવે આ એપ સ્ટોરનું કર્યું લોન્ચિંગ 

નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે કેન્દ્રના રેલવે, સંચાર અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એપ સ્ટોરનું લોન્ચિંગ કર્યું હતું. મંત્રી જણાવ્યું હતું કે, "15 વર્ષ પહેલાં ટેકનોલોજીની દુનિયામાં ભારત એવા દેશ તરીકે હતું જે જૂની થયેલી ટેકનોલોજીની બજાર હતી. "હવે ભારત ટેકનોલોજીના રિસર્ચ અને ડેવલપમેન્ટ માં કોઈ દેશથી પાછળ નથી અને દુનિયાની કંપનીઓ ભારતને સહભાગીદાર તરીકે સાથે લઈ ચાલી રહી છે." 

ભારતીય એપ સ્ટોર પાછળ 10 વર્ષથી ચાલી રહી છે કામગીરી 

ભારતમાં અત્યારે 75 કરોડ લોકો સ્માર્ટ ફોન સાથે જોડાયેલા છે અને બહુ મોટુ બજાર છે. ભારત વિશ્વની અન્ય બજાર કરતા ભાષા, સંસ્કૃતિ અને વ્યવહારની દ્વષ્ટિએ અલગ છે, બીજું, માત્ર બે કંપનીઓના ઇજરાના બદલે સ્પર્ધા વધે તો એપ ડેવલપર અને એપ પબ્લિશર્સને પણ ઇનોવેશન માટે તક મળે એટલે સંપૂર્ણ ભારતીય એપ સ્ટોર પાછળ 10 વર્ષથી કામગીરી ચાલી રહી હતી. 

ભારતીયોને ધ્યાનમાં રાખીને ઈન્ડસ એપ સ્ટોર બનાવાયું છે 

લોન્ચિંગ સમયે ઈન્ડસ એપ સ્ટોર કઈ રીતે ભારતીયોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે તે અંગે વિગતો આપતા સમીર નિગમે જણાવ્યું હતું કે, "90 ટકા ભારતીયો પોતાની માતૃભાષામાં કામ કરવા ટેવાયેલા છે. ઈન્ટરનેટ ઉપર સર્ચ પણ પોતાની ભાષામાં કરે છે. જેના કારણે તેમાં હાલ ગુજરાતી, હિન્દી, તમિલ, બંગાળી સહિત 12 ભાષા સામેલ કરી છે. બીજુ, માત્ર મોબાઈલ નંબરના આધારે તેમાં રજિસ્ટ્રેશન કરી શકાય છે. અન્ય એપ સ્ટોરમાં ઇ મેઇલ ફરજિયાત છે. દરેક ભારતીયો પાસે ફોન છે પણ ઈમેલ નથી હોતા એટલે કોઈ બીજી વ્યક્તિના નામે તેના એપ સ્ટોરનો ઉપયોગ થાય છે." 

નવા એપ ડેવલપરને આપવામાં આવશે આ સુવિધા 

અત્યારે એપ સ્ટોરમાં બે લાખ જેટલી એપ વિવિધ 45 કેટેગરીમાં ઉપલબ્ધ છે. નવા એપ ડેવલપર ઈન્ડસ સાથે જોડાય તેના માટે કંપની એક વર્ષ સુધી ડેવલપર પાસેથી કોઈ ફી વસુલશે નહિ. આ ઉપરાંત, એપ ડેવલપમેન્ટ માટે 24 કલાક મદદ, ટેક મોડ્યુલ પણ પૂરા પાડવામાં આવશે. કંપનીએ લોન્ચિંગ વખતે જણાવ્યું હતું કે એપ લિસ્ટીંગ માટે આવે ત્યારે કંપની પોતાના સોફટવેરની મદદથી જરૂર હોય તો બધી 12 ભાષામાં લિસ્ટીંગ કરવાની સગવડ આપે છે, ડેવલપરે આ માટે વિગતો ટ્રાન્સલેટ કરવાની જરૂર નથી.

ગૂગલ-ઍપલને ટક્કર આપવા ભારતનો સ્વદેશી ઍપ સ્ટોર INDUS લૉન્ચ, 12 ભાષામાં એપ સર્ચ થશે 3 - image


Google NewsGoogle News