ચાલુ નાણાં વર્ષના નવ મહિનામાં ફિનિશ્ડ સ્ટીલની આયાત વધી છ વર્ષની ટોચે
- એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં સ્ટીલ આયાત ૨૦ ટકા વધી જ્યારે નિકાસ ૨૪ ટકા ઘટી
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત વધી છ વર્ષની ઊંચી સપાટીએ રહી હોવાનું સરકાર દ્વારા જારી પ્રાથમિક ડેટા પરથી કહી શકાય એમ છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત ૨૦.૩૦ ટકા વધી ૭૨.૭૦ લાખ ટન રહી છ ેજ્યારે નિકાસ ૨૪.૬૦ ટકા ઘટી ૩૬ લાખ ટન રહી હોવાનું સરકારી ડેટા જણાવે છે.
નિકાસમાં ઘટાડો અને ઊંચી આયાતને કારણે ભારત તાજેતરમાં ફિનિશ્ડ સ્ટીલનો નેટ આયાતકાર દેશ બની રહ્યો છે.
વિશ્વમાં ભારત ક્રુડ સ્ટીલનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. ચીન ખાતેથી નિકાસ વધી વિક્રમી સપાટીએ જોવા મળી રહી છે. માળખાકીય વિકાસ તથા ઓટોમોબાઈલ ક્ષેત્ર તરફથી માગને કારણે દેશમાં સ્ટીલનો વપરાશ સતત વધી રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં સ્ટીલ વપરાશનો આંક પણ વાર્ષિક ધોરણે ૧૧.૨૦ ટકા વધી ૧૧.૧૨ કરોડ ટન રહ્યાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
દેશમાં સ્ટીલની આયાતમાં વધારાને ધ્યાનમાં રાખી સરકારે ગયા મહિનાથી સ્ટીલના ડમ્પિંગની તપાસ શરૂ કરી છે.
સ્ટીલ ઉદ્યોગની સતત માગને ધ્યાનમાં રાખી સ્ટીલની આયાત પર સેફગાર્ડ ડયૂટી લાગુ કરવી કે કામચલાઉ ટેકસ લાગુ કરવો તેની ડિસેમ્બરમાં તપાસ શરૂ કરાઈ છે. ઈન્ડિયન સ્ટીલ એસોસિએશનની ફરિયાદને આધારે આ તપાસ શરૂ કરાઈ હોવાનું ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ દ્વારા એક નિવેદનમાં ડિસેમ્બરમાં જણાવાયું હતું.આયાતમાં વધારો થતાં ઘરઆંગણેની સ્ટીલ મિલોની ચિૅતામાં વધારો થયો છે.