બૅન્કના ખાતામાં હવે એક સાથે ચાર નોમિની નોંધાવી શકાશે, સરકારે બૅન્કિંગ એક્ટ બિલ રજૂ કર્યું
Banking Act Bill, 2024 Amendments: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં બૅન્કિંગ કાયદો (સુધારા) બિલ, 2024 રજૂ કર્યો છે. આ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક બૅન્ક ખાતાધારક એક ખાતા માટે એકથી વધુ અર્થાત્ ચાર 'નોમિની' રાખી શકશે. અત્યાર સુધી એક બૅન્ક ખાતામાં માત્ર એક જ નોમિનીનો ઉલ્લેખ કરવાનો નિયમ છે. જો આ બિલ સંસદમાંથી પસાર થઈ જશે તો હવે નોમિનીની સંખ્યા ચાર કરી શકાશે.
જો કે, આ એક વૈકલ્પિક જોગવાઈ હશે. પ્રસ્તાવિત બિલમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે હેઠળ, કંપનીના ડિરેક્ટર્સના સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, જેમાં મર્યાદા રૂ. 5 લાખથી વધારી રૂ. 2 કરોડ કરવામાં આવી છે. જે લગભગ છ દાયકા પહેલાં નિર્ધારિત થઈ હતી.
આ પણ વાંચોઃ સોના-ચાંદી બજારમાં તહેવારો ટાણે ઘરાકીમાં વધારો, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ
લોકસભામાં વિપક્ષના કેટલાક સભ્યોએ આ બિલનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના મનીષ તિવારીએ કહ્યું કે રાજ્યોને સહકારી મંડળીઓ અને સહકારી બૅન્કો સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો અધિકાર છે. તેમણે આ સંદર્ભે કાયદાકીય અધિકારો અંગે અસ્પષ્ટતા વિશે પણ વાત કરી હતી કે, કેન્દ્ર સહકારી મંડળીઓને નિયંત્રિત કરી શકે છે કે નહીં તે અંગે વિરોધાભાસ છે.
આરએસપીના એનકે પ્રેમચંદ્રને કહ્યું કે સરકાર એક સાથે ચાર કાયદામાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે અને જે ગૃહની પરંપરાઓ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે બિલ માત્ર એકબીજા સાથે જોડાયેલા વિષયો સાથે સંબંધિત કાયદા માટે લાવવામાં આવે છે. તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોયે પણ એક ખરડા દ્વારા ચાર કાયદામાં સુધારો કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
વિપક્ષી સભ્યોના વાંધાઓને ફગાવી દેતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ ગૃહ દ્વારા સહકારી બૅન્કો સંબંધિત કાયદામાં પહેલાથી જ સુધારો કરવામાં આવ્યો છે અને તેનાથી નાના ખાતાધારકોને રાહત મળી છે. અમે ચાર બિલ લાવી શક્યા હોત પરંતુ જ્યારે સમાન પ્રકારના કામકાજ સંબંધિત કાયદાઓ છે ત્યારે અમે સુધારા બિલ રજૂ કર્યા છે.