શું ઉતાવળમાં તમે પણ ITR ફાઈલિંગમાં ભૂલ કરી છે? ચિંતા ન કરશો, આ રીતે સુધારો કરી શકાય
Image: IANS |
Revised Income Tax Return: જો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઈ સુધી ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ કરી હોય કે, ખોટી વિગતો ભરાઈ ગઈ હોય તો પણ ચિંતા કરશો નહીં. ઈન્કમ ટેક્સ વિભાગ તમને રિવાઈઝ્ડ અર્થાત સુધારેલો આઈટીઆર ફાઈલ કરી ભૂલો સુધારવાની તક આપે છે. જેની મદદથી તમે ટેક્સ ફાઈલિંગ દરમિયાન થયેલી ભૂલો સુધારી શકો છો.
આ તારીખ સુધી સુધારો કરી શકો છો
આઈટીઆર જમા કરાવ્યા બાદ ઘણી વખત તમારી કમાણીની ખોટી માહિતી, ડિડક્શન કરવાના બાકી રહી હોય અથવા અંગત વિગતોમાં ભૂલો થઈ હોવાની જાણ થાય છે. ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 139 (5) અંતર્ગત તમે રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરી આ ભૂલો સુધારી શકો છો. આ વિકલ્પ નાણાકીય વર્ષ 2023-24 માટે એસેસમેન્ટ વર્ષના અંત સુધી એટલે કે 31 માર્ચ, 2025 સુધી ઉપલબ્ધ છે.
કોઈ પેનલ્ટી ચૂકવવી પડશે નહીં
તમારે સુધારેલા રિટર્ન માટે કોઈ પેનલ્ટી ચૂકવવી પડશે નહીં. જો તમે છેલ્લી તારીખ ચૂકી ગયા હોવ, તો તમારે લેઈટ ફાઇલિંગ ફી ચૂકવવી પડશે, પરંતુ સુધારેલ રિટર્ન ફાઇલ કરવા માટે કોઈ વધારાની પેનલ્ટી ચૂકવવાની રહેતી નથી.
રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા
1. સૌ પ્રથમ ઈન્કમ ટેક્સ વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in પર જાઓ.
2. લોગિન કરવા માટે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો. જેના માટે પાન કાર્ડ, આધાર કાર્ડની જરૂર પડશે.
3. એસેસમેન્ટ યર (આકરણી વર્ષ)ની પસંદગી કરી રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવાના વિકલ્પ પર ક્લિક કરો. જેમાં તમારે નાણાકીય વર્ષ 2023-24 માટે એસેસમેન્ટ યર તરીકે 2024-25ની પસંદગી કરવાની રહેશે.
4. રિટર્ન ફાઇલિંગ વિભાગ હેઠળ 'રિવાઈઝ્ડ' વિકલ્પ પસંદ કરો: બાદમાં 'ફાઈલ ઈન્કમ ટેક્સ રિટર્ન' પર ક્લિક કરો અને યોગ્ય ITR ફોર્મ પસંદ કરો. તમે પહેલેથી ફાઇલ કરેલા રિટર્નમાં સુધારો કરી રહ્યાં છો તે બતાવવા માટે ‘સેક્શન 139(5) હેઠળ રિવાઈઝ્ડ’ વિકલ્પ પસંદ કરો.
5. ફાઇલિંગની મૂળ વિગતો ભરો જેમાં એક્નોલેજમેન્ટ નંબર અને મૂળ રિટર્ન ફાઇલ કરવાની તારીખ દાખલ કરો. જેનાથી સિસ્ટમને તમારા મૂળ સબમિશનને ટ્રૅક કરવા અને અપડેટ કરવામાં મદદ મળશે.
6. મૂળ રિટર્નની ભૂલોની સમીક્ષા કરી તેમાં સુધારો કરો. ખાતરી કરો કે આવકના તમામ સ્ત્રોતો, કપાત અને અન્ય જરૂરી વિગતો યોગ્ય રીતે ભરેલી છે કે નહીં.
7. રિવાઈઝ્ડ રિટર્ન ફાઇલ કરતી વખતે ભૂલો સુધાર્યા બાદ રિવાઈઝ્ડ રિટર્ન સબમિટ કરો. આધાર OTP, નેટ બેન્કિંગ અથવા ડિજિટલ હસ્તાક્ષરનો ઉપયોગ કરીને આ રિટર્નને ઇલેક્ટ્રોનિક રીતે ચકાસો.
8. તમારા રેકોર્ડ્સ માટે સુધારેલ ITR-V એક્નોલેજમેન્ટની એક નકલ ડાઉનલોડ કરી જાળવી રાખો.