ફેમાના ઉલ્લંઘન મામલે રૂ. 5,500 કરોડની સંપત્તિની જપ્તી પર કોર્ટનો સ્ટે, શાઓમીને મળી રાહત
- કોર્ટે કેસની આગામી સુનાવણી માટે તારીખ 12મી મે નિર્ધારિત કરી
નવી દિલ્હી, તા. 06 મે 2022, શુક્રવાર
ફોરેક્સ કાયદાના ઉલ્લંઘન મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રેડમી (Redmi)અને એમઆઈ (Mi)જેવી લોકપ્રિય મોબાઈલ ફોન બ્રાન્ડ બનાવતી ચીની કંપની શાઓમી ઈન્ડિયાની રૂ. 5,551 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી જેના પર કર્ણાટક હાઈકોર્ટ દ્વારા સ્ટે લગાવી દેવામાં આવ્યો છે.
12મી તારીખે સુનાવણી
ઈડીના આક્ષેપ પ્રમાણે કંપનીએ રોયલ્ટીની આડમાં પોતાના જ એક એકમ સહિત 3 વિદેશી સંસ્થાઓને ગેરકાયદેસર રીતે રકમ ટ્રાન્સફર કરી હતી. શાઓમીના વકીલોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે જપ્તી પર વચગાળાનો સ્ટે મુક્યો છે. કંપનીના કહેવા પ્રમાણે તે પોતાના રોજિંદા કામ માટે આ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે તારીખ 12મી મે નિર્ધારિત કરી છે. સાથે જ કોર્ટે કંપનીને એ શરત પર જપ્તીમાંથી રાહત આપી છે કે, શાઓમી રોયલ્ટીની ચુકવણી જેવી ટ્રાન્સફર અંગે ભારતીય સત્તાધીશોને જાણ કરશે.
કંપનીની દલીલ
કોર્ટમાં કંપની તરફથી રજૂ થયેલા વકીલ એસ. ગણેશ અને સજન પુવ્વૈયા દ્વારા કરવામાં આવેલી દલીલ પ્રમાણે રોયલ્ટીની ચુકવણી એ ફેમાનું ઉલ્લંઘન નથી. તેમના કહેવા પ્રમાણે શાઓમીએ જેને રોયલ્ટી ચુકવી તે યુએસની કંપનીને અન્ય કેટલીય ફોન નિર્માતા કંપની પણ રોયલ્ટી ચુકવે છે કારણ કે, આ તમામ કંપનીઓ તેમના પાસેથી લેવામાં આવેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. વધુમાં જણાવ્યું કે, આવકવેરા વિભાગ પણ ટેક્નોલોજી માટેની આ પ્રકારની રોયલ્ટીને માન્ય ગણે છે.
ઈડીએ ગત સપ્તાહે કંપનીના વિવિધ બેંક એકાઉન્ટ્સમાં રહેલી આ રોકડ રકમ જપ્ત કરી હતી. ઈડીએ જણાવ્યું હતું કે, કથિત ગેરકાયદેસર રેમિટન્સની તપાસ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી હતી. કંપનીએ 3 વિદેશી સંસ્થાઓને રૂપિયા 5,551.27 કરોડની સમકક્ષ ફોરેન કરન્સી મોકલ્યું છે. આ 3 કંપનીઓમાંથી એક શાઓમી ગ્રુપની કંપનીનો સમાવેશ થાય છે, જેણે રોયલ્ટીના આડમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ સિવાય અન્ય બે યુએસ સ્થિત સંબંધિત ન હોય તેવી કંપનીઓને મોકલવામાં આવેલી રકમ પણ અંતે શાઓમી ગ્રુપને જ અંતિમ ફાયદા માટે મોકલવામાં આવી હતી, તેમ એજન્સીએ જણાવ્યું હતું.
ઈડીએ કહ્યું કે, શાઓમીના ભારતીય એકમે તેની પેરેન્ટ કંપનીના કહેવાથી રોયલ્ટીની આડમાં આ રકમ આ કંપનીઓને ટ્રાન્સફર કરી હતી. ઈડીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, શાઓમી ઈન્ડિયા ભારતમાં જ મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ પાસેથી સંપૂર્ણપણે બનેલા હેન્ડસેટ ખરીદે છે. તેણે વિદેશમાં કામ કરતી આ ત્રણે કંપનીઓની કોઈ સર્વિસ લીધી નથી, જેના નામ પર તેણે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કંપનીએ અનેક નકલી દસ્તાવેજ બનાવીને રોયલ્ટીના નામે આ રકમ મોકલી છે, જે ફેમાની કલમ-4નો ભંગ છે. ફેમાની કલમ-4 વિદેશી ચલણના હોલ્ડિંગ સાથે સંકળાયેલી છે. ઈડીનું કહેવું છે કે આ સિવાય કંપનીએ વિદેશમાં નાણાં મોકલતી વખતે બેન્કોને અનેક 'ભ્રામક માહિતી' આપી હતી.
આ પહેલાં ઈડીએ એપ્રિલની શરૂઆતમાં શાઓમીના ભૂતપૂર્વ ઈન્ડિયા હેડ મનુ કુમાર જૈનને સમન્સ પાઠવ્યું હતું અને તેમની પૂછપરછ કરી હતી. ઈડી કંપનીની ભારતમાં કામકાજની રીત અંગે ફેબ્રુઆરીથી તપાસ કરી રહી છે. ફેબ્રુઆરીમાં તપાસ એજન્સીએ કંપનીને નોટિસ મોકલીને અનેક દસ્તાવેજો માગ્યા હતા. શાઓમી ઈન્ડિયાએ વર્ષ 2014માં ભારતમાં કામ શરૂ કર્યું હતું. તે ચીનની અગ્રણી મોબાઈલ કંપની શાઓમીની પૂર્ણ માલિકીવાળી પેટા કંપની છે. શાઓમી ઈન્ડિયાએ વર્ષ 2015થી તેની પેરેન્ટ કંપનીને નાણાં મોકલવાનું શરૂ કર્યું હતું.
જાણો શું છે સમગ્ર કેસ
શાઓમી ભારતમાં સ્માર્ટફોનના વેચાણમાં સૌથી મોટી કંપની છે. શાઓમીની એમઆઈ બ્રાન્ડના ફોન ભારતમાં ધૂમ વેચાય છે. ભારતના મોબાઈલ સ્માર્ટફોન માર્કેટમાં 22 ટકા માર્કેટ શેર ધરાવતી શાઓમી સ્માર્ટફોન બનાવે પણ છે એવી માન્યતા છે પણ આ માન્યતા ખોટી છે.
શાઓમી ભારતમાં બનેલા સ્માર્ટફોન પર એમઆઈ લેબલ ચિપકાવીને વેચે છે. બિઝનેસની ભાષામાં કહીએ તો શાઓમી એમઆઈ બ્રાન્ડના ફોનની મેન્યુફેક્ચરર નહીં પણ ટ્રેડર અને ડિસ્ટ્રિબ્યુટર છે.
કંપની ભારતમાં નાની નાની કંપનીઓને પોતાની મૂળ કંપની પાસેથી લઈને સ્માર્ટફોનની ચિપ્સ, ઓપરેટિંગ સિસ્ટમ, સોફ્ટવેર વગેરે આપે છે. કેટલાક પાર્ટ્સથી ભારતમાંથી ખરીદે છે ને એ રીતે ભારતમાં તેના ફોન એસેમ્બલ થાય છે. કાયદા પ્રમાણે શાઓમી આ કમાણી ભારતમાંથી બહાર ના લઈ જઈ શકે. શાઓમીએ લુચ્ચાઈ વાપરીને તેનો રસ્તો શોધી કાઢયો.
કંપનીએ અમેરિકાની 2 અને એક ચાઈનીઝ એમ 3 વિદેશી કંપનીઓને રોયલ્ટી ચૂકવવાના નામે નાણાં મોકલવા માંડયાં. આ પૈકી એક કંપની તો સીધી શાઓમી ગ્રુપની જ છે જ્યારે બીજી બે અમેરિકન કંપની સીધી શાઓમી સાથે સંકળાયેલી નથી પણ તેમની સાથે એવી ગોઠવણ કરાયેલી કે જે રકમ તેમને અપાય તેમાંથી કમિશન કાપીને બાકીની રકમ સીધી ચીનમાં શાઓ ગ્રુપનાં ખાતામાં જ જાય.