સંકટના એંધાણ : ઓલ રાઉન્ડ વેચવાલીએ સેન્સેક્સ 984 પોઈન્ટ તૂટી 77690
- નિફટી ઈન્ડેક્સ ૩૨૫ પોઈન્ટ તૂટીને ૨૩૫૫૯ : રોકાણકારોની સંપતિમાં રૂ.૭.૭૮ લાખ કરોડનું ધોવાણ
- રિટેલ ઈન્વેસ્ટરોનો મ્યુ. ફંડોમાં રિડમ્પશન ધસારો આવશે તો શું થશે? : ઓટો, બેંકિંગ, ફાર્મા શેરોમાં ગાબડાં
મુંબઈ : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવતાં પૂર્વે સરકારમાં મહત્વના પદ માટે થઈ રહેલી પસંદગી અને આ પસંદગી ચાઈનાને ભીંસમાં લઈ શકે એવી થઈ રહી હોવાના સ્પષ્ટ સંકેત સાથે વૈશ્વિક ફાઈનાન્શિયલ સિસ્ટમને પણ હચમચાવી મૂકનારી નીવડવાની આશંકાએ આજે વિકાસશીલ રાષ્ટ્રોના બજારોમાં ભારત સહિતમાં શેરોમાં ઓલ રાઉન્ડ સેલિંગે નવો કડાકો બોલાઈ ગયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતમાંથી સતત શેરો વેચીને થઈ રહેલી એક્ઝિટના પરિણામે અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણો સાથે ભારતીય રૂપિયો પણ તૂટતો જઈ નવા તળીયે આવી જવાના પરિણામે અને ફુગાવો-મોંઘવારીનો આંક વધીને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ આવતાં બજારમાં પેનિક વધતું જોવાયું હતું.
નિફટી સર્વોચ્ચ ૨૬૨૭૭ની સપાટીથી ૧૦ ટકા તૂટયો : શુક્રવારે ગુરૂનાનક જયંતીના શેર બજારો બંધ રહેશે
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૧૧૪૧.૮૮ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૭૫૩૩.૩૦ સુધી ખાબકી અંતે ૯૮૪.૨૩ પોઈન્ટ ગબડીને ૭૭૬૯૦.૯૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ એક તબક્કે ૩૭૩.૮૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૩૫૦૯.૬૦ સુધી ખાબકી અંતે ૩૨૪.૪૦ પોઈન્ટ તૂટીને ૨૩૫૫૯.૦૫ બંધ રહ્યો હતો. આ સાથે નિફટી ૫૦ ઈન્ડેક્સ સપ્ટેમ્બરની સર્વોચ્ચ ૨૬૨૭૭.૩૫ની સપાટીથી ૧૦ ટકાથી વધુ અને સેન્સેક્સ ૮૫૯૭૮.૨૫ની સર્વોચ્ચ સપાટીથી ૯.૮૫ ટકા તૂટી ગયા છે. શુક્રવારે ૧૫, નવેમ્બર ૨૦૨૪ના ગુરૂનાનક જયંતીના દિવસે શેર બજારો બંધ રહેશે.
મિડ કેપ ઈન્ડેક્સ ૧૧૬૦ પોઈન્ટ, સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૬૫૧ પોઈન્ટ તૂટયા : ૩૩૮૪ શેરો નેગેટીવ બંધ
એ ગુ્રપ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વધુ મોટાપાયે હેમરિંગ સાથે પેનિક સેલિંગ વધતાં ઓછા વોલ્યુમે અનેક શેરોના ભાવો તૂટતા જોવાયા હતા. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૬૫૧.૬૯ પોઈન્ટ એટલે કે ૩.૦૮ ટકા તૂટીને ૫૧૯૫૨.૭૯ રહ્યો હતો. જ્યારે બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૧૬૦.૪૪ પોઈન્ટ એટલે કે ૨.૫૬ ટકા તૂટીને ૪૪૧૦૭.૯૮ બંધ રહ્યા હતા. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૩૮૪ અને વધનારની માત્ર ૫૯૯ રહી હતી.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૮૪૦ પોઈન્ટ તૂટયો : સુઝલોન રૂ.૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૩૦ તૂટયા
કેપિટલ ગુડઝ શેરોમાં ઓલ રાઉન્ડ ધૂમ વેચવાલી ચાલુ રહેતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૮૪૦.૦૧ પોઈન્ટ તૂટીને ૬૫૯૨૭.૫૨ બંધ રહ્યો હતો. સુઝલોન એનજીૅ રૂ.૫.૩૧ તૂટીને રૂ.૫૪.૦૮, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૩૦ તૂટીને રૂ.૫૭૪.૩૦, શેફલર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫૭.૬૫ તૂટીને રૂ.૩૪૦૬.૯૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૭૪.૮૦ તૂટીને રૂ.૪૦૬૫.૫૫, રેલ વિકાસ રૂ.૧૮ તૂટીને રૂ.૪૧૯.૬૫, કલ્પતરૂ પાવર રૂ.૫૦.૯૦ તૂટીને રૂ.૧૧૯૩.૪૦, થર્મેક્સ રૂ.૧૯૨.૫૦ તૂટીને રૂ.૪૯૧૬.૪૦, સીજી પાવર રૂ.૨૪.૯૫ તૂટીને રૂ.૬૮૮.૭૫, એસકેએફ ઈન્ડિયા રૂ.૧૬૯.૫૦ તૂટીને રૂ.૪૮૫૯.૩૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૫.૫૫ તૂટીને રૂ.૩૫૪૫, હનીવેલ ઓટોમેશન રૂ.૧૦૭૯.૫૦ તૂટીને રૂ.૪૨,૧૪૬.૮૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફંડોની મંદી : હીરો રૂ.૧૯૭, કમિન્સ રૂ.૧૩૯, હ્યુન્ડાઈ રૂ.૬૫, મહિન્દ્રા રૂ.૯૪ તૂટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડો અને મહારથીઓ મંદીમાં આવ્યા હોય એમ આજે મોટાપાયે હેમરીંગ કરતાં વ્યાપક કડાકો બોલાયો હતો. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૮૭.૧૦ પોઈન્ટ તૂટીને ૫૧૪૪૩.૨૯ બંધ રહ્યો હતો. હીરો મોટોકોર્પ રૂ.૧૯૭ તૂટીને રૂ.૪૫૨૧.૧૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૩૯.૪૦ તૂટીને રૂ.૩૩૩૫.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૩.૫૦ તૂટીને રૂ.૨૮૦૧.૮૦, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૧૨.૦૫ તૂટીને રૂ.૩૪૫૦, આઈશર મોટર્સ રૂ.૧૪૯.૪૫ તૂટીને રૂ.૪૫૮૯.૧૦, મારૂતી સુઝુકી રૂ.૭૫.૮૫ ઘટીને રૂ.૧૧,૦૭૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા નબળા પરિણામે રૂ.૬૫.૩૫ તૂટીને રૂ.૧૭૩૯.૧૦ રહ્યા હતા.
બેંકેક્સ ૧૧૨૯ પોઈન્ટ તૂટયો : ફેડરલ બેંક, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક ઘટયા
બેંકિંગ શરોમાં પણ વ્યાપક વેચવાલી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૧૨૮.૯૫ પોઈન્ટ તૂટીને ૫૭૧૯૯.૧૭ બંધ રહ્યો હતો. યશ બેંક ૬૬ પૈસા તૂટીને રૂ.૧૯.૦૯, ફેડરલ બેંક રૂ.૩.૧૦ તૂટીને રૂ.૯૮.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૮.૦૫ તૂટીને રૂ.૮૦૮.૩૫, એચડીએફસી બેંક રૂ.૩૭.૧૦ તૂટીને રૂ.૧૬૮૧.૨૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૨.૨૦ ઘટીને રૂ.૧૬૮૮.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૧૨૫૩.૮૫, એક્સિસ બેંક રૂ.૧૭.૩૫ ઘટીને રૂ.૧૧૪૧.૧૫ રહ્યા હતા.
મેટલ શેરો હિન્દાલ્કો રૂ.૨૫, ટાટા સ્ટીલ રૂ.૫, જિન્દાલ રૂ.૨૭, વેદાન્તા રૂ.૧૦, જેએસડબલ્યુ રૂ.૨૧ તૂટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે સતત ધૂમ વેચવાલી થતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૬૮.૯૧ પોઈન્ટ તૂટીને ૨૯૪૪૯.૬૨ બંધ રહ્યો હતો. હિન્દાલ્કો રૂ.૨૪.૪૦ તૂટીને રૂ.૬૨૬.૮૦, ટાટા સ્ટીલ રૂ.૪.૯૦ ઘટીને રૂ.૧૩૯.૨૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૭.૧૫ ઘટીને રૂ.૮૫૯.૫૦, વેદાન્તા રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૪૩૪.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૦.૭૫ ઘટીને રૂ.૯૩૬.૧૦ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૭.૭૮ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૨૯.૪૬ લાખ કરોડ
મંદીના કડાકા સાથે સેન્સેકસ, નિફટીમાં ધબડકો બોલાઈને સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી ચાલુ રહી આજે પણ વ્યાપક પેનિક સેલિંગ આવતાં ઘણા શેરોના ભાવો ઓછા વોલ્યુમે તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં રૂ.૭.૭૮ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૪૨૯.૪૬ લાખ કરોડ રહ્યું હતું.
૨૦ મહિનામાં પ્રથમ વખત નિફટીએ ઈન્ટ્રા-ડે ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ સપાટી ગુમાવી
ઈન્ડેક્સ બેઝડ કડાકા સાથે આજે નિફટી ૫૦એ ઈન્ટ્રા-ડે ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ સપાટી ગુમાવી હતી. ફેબુ્રઆરી ૨૦૨૨ બાદ એટલે કે ૨૦ મહિના બાદ નિફટીએ આ ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ સપાટી ગુમાવી ઈન્ટ્રા-ડે નીચામાં ૨૩૫૦૯.૬૦ની સપાટી બતાવી હતી. નિફટી ઈન્ડેક્સ પ્રથમ વખત ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ નીચે ફેબુ્રઆરી ૨૦૨૨માં ગયો હતો. પરંતુ ત્યાર બાદ થોડો ઉપર આવ્યો હતો, જે ત્યાર બાદ આ લેવલ નીચે જુલાઈ ૨૦૨૨ સુધી રહ્યો હતો ફેબુ્રઆરી ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩નો સમયગાળો કોન્સોલિડેશનનો રહ્યો હતો. ફેબુ્રઆરી થી માર્ચ ૨૦૨૨ દરમિયાન નિફટીમાં ૧૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો, ત્યાર બાદ તરત એક મહિનામાં ૧૧ ટકા વધ્યો હતો. એપ્રિલથી જૂન ૨૦૨૨ દરમિયાન નિફટીમાં ૧૮ ટકા ઘટાડો જોવાયો હતો, જે ત્યાર બાદના અમુક મહિનામાં જ ૨૨.૫ ટકા વધ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ દરમિયાન નિફટી ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ નીચે રહ્યો હતો. એપ્રિલ ૨૦૨૩માં નિફટીએ સુધારાની ઝડપ લઈ મધ્ય સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ૪૦ ટકાથી વધુ વધ્યો હતો. આજે ૧૩, નવેમ્બરના નિફટી ૫૦ ઈન્ડેક્સ ૨૩૫૦૯ના લેવલે ઈન્ટ્રા-ડે આવી ગયો હતો. જે ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ ૨૩૫૪૫ની નીચે જોવાયો છે.
તો પરિસ્થિતિ અંકુશ બહાર જવાનું જોખમ : નવેમ્બરના મ્યુ. ફંડોના આંકડા મહત્વના રહેશે
થોડા સમય અગાઉ વિક્રમી તેજી સાથે ઝડપી સેકડા બદલાતા જોવાતાં હતા, જ્યારે હવે મંદીના કડાકામાં બજાર સતત દરેક સપોર્ટ લેવલ ગુમાવતું જોવાઈ રહ્યું છે. ઓવર વેલ્યુએશનનો ભય હકીકત બની અનેક શેરોના ભાવોમાં મોટા ગાબડાં પડતાં જોવાઈ રહ્યા છે. જાણે કે રિટેલ ઈન્વેસ્ટરો અટવાઈ પડયા હોય એમ શેરોના ભાવો ઓછા વોલ્યુમે તૂટતાં જોવાઈ રહ્યા છે. ઓકટોબર મહિનામાં એસપીઆઈ થકી રોકાણનો પ્રવાહ વધતો જોવાયા છતાં જાણકારોમાં આ પ્રવાહ હવે મંદ પડવા લાગ્યો હોવાનું અને રિટેલ ઈન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડોમાં સંભવિત રિડમ્પશનના ધસારાના સંજોગોમાં બજારમાં પરિસ્થિતિ અંકુશ બહાર જવાનું જોખમ સર્જાવાની ચણભણ થવા લાગી છે. જેથી નવેમ્બર મહિનાના મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણના આંકડા મહત્વના રહેશે એવું જાણકારોનું માનવું છે.