Get The App

ઓટો તથા ઘરવપરાશના સાધનોની માગ વધતા સ્ટીલ ઉદ્યોગનીે સ્થિતિ સાનુકૂળ

- નવી માગની આશાએ ઓટો ઉદ્યોગ દ્વારા ઉત્પાદનમાં વધારો

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
ઓટો તથા ઘરવપરાશના સાધનોની માગ વધતા સ્ટીલ ઉદ્યોગનીે સ્થિતિ સાનુકૂળ 1 - image


મુંબઈ : ઓટો તથા ઘરવપરાશના સાધનોની તહેવાર નિમિત્તેની માગમાં વધારો થતાં દેશના સ્ટીલ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ બની છે. આગામી તહેવારોની મોસમમાં માગ નીકળવાની અપેક્ષાએ ઓટો તથા એપ્લાયન્સ ઉદ્યોગ પોતાના પ્રોડકટસના ઉત્પાદન વધારી રહ્યા છે, જેને કારણે સ્ટીલ માટેની માગ પણ ઊંચી જોવા મળી રહી હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.

ઓટો તથા કન્ઝયૂમર એપ્લાયન્સિસ ઉદ્યોગ તરફથી સ્ટીલની માગમાં વાર્ષિક ધોરણે વીસ ટકા વધારો જોવા મળી રહ્યો છે. 

સ્ટીલના કુલ ઉત્પાદનમાંથી ૧૦થી ૧૨ ટકા સ્ટીલનો વપરાશ ઓટો તથા ઓટો એન્સિલરી ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે.  સ્ટીલ વપરાશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર તથા કન્ઝયૂમર ઉદ્યોગનો હિસ્સો ૬૦ ટકા જેટલો રહે છે. 

ચોમાસાને કારણે જૂન-જુલાઈમાં માગ ઘટયા બાદ સ્ટીલની માગમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું એક સ્ટીલ કંપનીના  સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન વર્ષના ઓગસ્ટમાં દેશમાં ઓટો રિટેલ વેચાણમાં ૯ ટકા વધારો જોવા મળ્યો છે. કોરોના પહેલાના ઓગસ્ટ મહિનાની સરખામણીએ વેચાણ વૃદ્ધિ ૧ ટકો રહી છે. જુલાઈની સરખામણીએ ઓગસ્ટનો વેચાણ આંક ૩ ટકા વધુ રહ્યો છે.

માળખાકીય ક્ષેત્રમાં સરકાર દ્વારા જંગી મૂડીખર્ચને પરિણામે સ્ટીલની માગ ઊંચી જળવાઈ રહી છે. માગને કારણે સ્ટીલના ભાવમાં મક્કમતા જોવા મળે છે. 

વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી જુલાઈના ગાળામાં કેન્દ્ર સરકારે તેના બજેટના કુલ મૂડીખર્ચમાંથી ૩૨ ટકા માળખાકીય પ્રોજેકટસ પાછળ વાપરી કાઢયા છે, જે છેલ્લા ચાર વર્ષના એપ્રિલથી જુલાઈમાં સરેરાશ ૨૬ ટકા રહ્યા હતો.


Google NewsGoogle News