જો ITR ફાઇલિંગ બાદ આ મેસેજને અવગણશો તો રિટર્ન રિજેક્ટ થશે, 15 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
INCOME TAX


ITR Filing: આવકવેરાનું રિટર્ન ફાઈલ કર્યા પછી બેન્ગ્લુરુ સીપીસી દ્વારા રિટર્નને ડિફેક્ટિવ એટલે કે ક્ષતિયુક્ત જાહેર કરવામાં આવે તે પછી તેમાં કરદાતા તરફથી પંદર જ દિવસમાં સુધારો ન કરવામાં આવે તો કરદાતાનું રિટર્ન જ ઇનવેલિડ થઈ જાય છે. આ અંગેની જાણકારી માત્ર કરદાતાના ઈ-મેઈલ પર જ મોકલવામાં આવે છે. તેથી સંખ્યાબંધ કરદાતાઓના તે ઘ્યાનમાં આવતું નથી અને તેમના રિટર્ન ઇનવેલિડ ઠરી રહ્યા છે. 

15 દિવસમાં જવાબ ન મળે તો રિટર્ન ઇનવેલિડ થઈ જાય

કરદાતાને ક્ષતિયુક્ત રિટર્નનો ઈ-મેઈલ કર્યા પછી સામાન્ય રીતે પંદર દિવસનો સમય આપવામાં આવે છે. પરંતુ પંદર દિવસમાં કરદાતા તરફથી પ્રતિભાવ ન મળે તો તેના રિટર્નને ઇનવેલિડ-ગેરકાયદેસર ગણી લેવામાં આવે છે. આ મેઈલ જોવો જોઈએ અથવા તો કરદાતાએ લોગ ઇન કરીને તે ચેક કરી લેવાનું રહે છે. આ અંગે ડિપાર્ટમેન્ટ તરફથી અન્ય કોઈપણ રીતે જાણકારી આપવામાં આવતી નથી. અન્યથા તેમનું રિટર્ન ફાઈલ થયું જ નથી તેવું માની લેવામાં આવે છે. 

કરદાતાને રિફંડ મળવાપાત્ર છે કે નહિ તે નક્કી કરવામાં આવે છે 

આવકવેરાનું રિટર્ન ફાઇલ કર્યા પછી થતાં ઇ-વેરિફિકેશન બાદ આવકવેરા ખાતા પાસે કરદાતાના ઉપલબ્ધ ડેટાને આધારે કરદાતાએ વેરા પેટે વધારાની રકમ જમા કરાવવાની આવે છે કે કેમ તે નક્કી કરીને કે પછી કરદાતાને રિફંડ મળવાપાત્ર છે કે નહિ તે નક્કી કરે છે. તેમ જ કરદાતાના રિટર્નમાં અન્ય કોઈ ખામી છે કે નહિ તે નિશ્ચિત કરવામાં આવે છે. 

આ પણ વાંચો : શેરબજાર રિકવરી મોડ પર, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીની પણ આગેકૂચ

આ સંજોગોમાં રિટર્ન ક્ષતિયુક્ત બની જાય 

કરદાતાના 26ASની, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટની, ટીઆઈએસની વિગતો મિસમેચ થતી હોય તો આવકવેરા અધિકારી તેને ક્ષતિયુક્ત જાહેર કરી દે છે. 26ASની કુલ આવક સાથે તમારા રિટર્નમાં દર્શાવેલી આવક મેળ ન ખાતી હોય તો પણ તે રિટર્નને ક્ષતિયુક્ત રિટર્ન ગણી લેવામાં આવે છે. 

ડિવિડંડની કે પછી ટીડીએસની રકમ કપાયાની નોંધ જ રિટર્નમાં કરવામાં ન આવી હોય જેવી ક્ષતિઓ આવકવેરા અધિકારીઓ દર્શાવે છે. ઇન્કમ ખોટા હેડ હેઠળ દર્શાવી હોય તો તેવા સંજોગોમાં પણ રિટર્ન ક્ષતિયુક્ત બની જાય છે. ખોટા ડિડક્શન ક્લેઇમ કર્યા કે ઑડિટ રિપોર્ટ સાથે રજૂ કરવાનો રહી ગયો હોય તો પણ રિટર્ન ક્ષતિયુક્ત ગણાઈ જાય છે. કુલ રિસિપ્ટ કરતાં વધારે ટીડીએસ ક્લેઇમ કર્યો હોવાનું જણાય તો પણ રિટર્ન ક્ષતિયુક્ત ગણાય છે. 

ક્ષતિનો જવાબ પંદર દિવસમાં ન આપવામાં આવે તો રિટર્ન ઇનવેલિડ માનવામાં આવે છે 

કરદાતાને મેઇલ પર દર્શાવવામાં આવેલી ઉપરોક્ત ક્ષતિનો જવાબ પંદર દિવસમાં ન આપી શકે તો કરદાતાનું રિટર્ન ઇનવેલિડ ઠરી જાય છે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીનું કહેવું છે. રિટર્ન ફાઇલ ન કર્યાનું ગણાય જાય અને ડિસેમ્બર સુધીમાં રિવાઇઝ રિટર્ન ફાઇલ ન થાય તો કરદાતાને રિટર્ન ન ભરવા માટે પેનલ્ટી થાય છે. કરદાતાને કોઈ રિફંડ મળવા પાત્ર હોય તો તે રિફંડ પણ નથી મળતું. તેમાંય વળી લૉસનું રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોય તો લૉસ કેરી ફોરવર્ડ પણ કરી શકાતો નથી. 

આ પ્રકારના ક્ષતિયુક્ત રિટર્ન માટે અન્ય કોઈપણ રીતે સરકાર તરફથી કરદાતાને જાણ કરવામાં આવતી જ નથી. કરદાતા તે મેઇલ જોઈ લે તો તેનો જવાબ પાઠવીને રિટર્નમાં સુધારો કરી શકે છે. તેમ જ રિટર્નમાં સુધારો કરવાની કેમ જરૂર નથી તેનો જવાબ પણ આપી શકે છે.

આવકવેરાની સાઇટ પર લોગ ઇન કરીને ચકાસણી કરતાં રહો

આવકવેરાનું રિટર્ન ફાઇલ કર્યા પછી આવકવેરા વિભાગ દ્વારા ઈ-મેઇલ મળે તો તેને ગંભીરતાથી લઈને તમે પોતે તેનો જવાબ આપવાની કે પછી તમારા ટેક્સ કન્સલ્ટન્ટનો અભિપ્રાય લઈને તમે તેનો 15 દિવસમાં જવાબ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. પંદર દિવસમાં જવાબ આપશે તો તેને રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવાની તક મળશે. મોટાભાગના કરદાતાઓ મેઇલ પર આવેલા મેસેજને જોતાં નથી. તેથી એક બે વર્ષે તેમને ખબર પડે છે કે તેમનું રિટર્ન તો ફાઇલ થયું જ નથી. કારણ કે આવકવેરા અધિકારી જવાબ ન મળતાં તે રિટર્નને ગેરકાયદે ઠેરવી દે છે.

આ પણ વાંચો: વૈશ્વિક બજારોમાં મંદીનો મહાકડાકો : સેન્સેક્સમાં 2222 પોઈન્ટનું ગાબડું

રિટર્નની ચકાસણી અને પ્રોસેસ કઈ રીતે થાય

- કરદાતા રિટર્ન ફાઇલ કરે

- ઈ-વેરિફિકેશન કરતાં રિટર્ન અપલોડ થયાનું કન્ફર્મ થઈ જશે

- બેન્ગ્લુરુના સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરના અધિકારી તેમાં કોઈ ક્ષતિ છે કે નહિ તેની ચકાસણી કરશે

- ક્ષતિ જણાતાં કરદાતાને ઈ-મેઇલ મોકલી દેશ

- ઈ-મેઇલ કર્યા પછી પંદર દિવસ જવાબ આપવાની તક આપવામાં આવશે

- ઈ-મેઇલ સિવાય કોઈપણ માઘ્યમથી મેસેજ મોકલવામાં આવતાં નથી

- ઈ-મેઇલનો જવાબ પંદર દિવસમાં નહિ આપવામાં આવે તો તમે રિટર્ન ફાઇલ નથી કર્યું તેમ નક્કી કરી દેવામાં આવશે.

જો ITR ફાઇલિંગ બાદ આ મેસેજને અવગણશો તો રિટર્ન રિજેક્ટ થશે, 15 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી 2 - image


Google NewsGoogle News