Get The App

અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ

- ભારત સરકાર પણ અમેરિકા સાથે વેપાર કરાર પાર પાડવા ઉત્સુક

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં  પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ 1 - image


મુંબઈ : રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં અમેરિકા દ્વારા ૯૦ દિવસ લંબાવવામાં આવતા દેશના નિકાસકારો  ખાસ કરીને ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ તથા ડાયમન્ડસના  નિકાસકારો તેને એક મોટી રાહત તરીકે જોઈ રહ્યા છે અને નવા ઓર્ડરો મેળવવામાં ઝડપ કરવાની યોજના બનાવી રહ્યા છે. બીજી બાજુ ભારત સરકાર પણ અમેરિકા સાથે વેપાર કરાર કરવામાં ઉતાવળ કરવા માગે છે.

ટેકસટાઈલની નિકાસમાં ભારતે બંગલાદેશ તથા વિયેતનામની સ્પર્ધા કરવી પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં મોટાભાગના દેશો પર દસ ટકા ડયૂટી ચાલુ રાખી છે, ત્યારે હરિફાઈ સામે ટકી રહેવા ભારતના રેડીમેડ ગારમેન્ટસના નિકાસકારો મોટા ડિસ્કાઉન્ટ ઓફર કરી નિકાસ ઓર્ડરો પૂરા કરવાની યોજના ધરાવે છે, એમ ગારમેન્ટ નિકાસકારે જણાવ્યું હતું.

સસ્તા લેબરને કારણે બંગલાદેશ રેડીમેડ ગારમેન્ટસમાં ભારતની સ્પર્ધા સામે ટકી શકે છે, પરંતુ હાલની પ્રવાહી સ્થિતિને ધ્યાનમાં રાખી દેશના ગારમેન્ટસના નિકાસકારોએ અમેરિકાના ખરીદદારોને ડિસ્કાઉન્ટ ઓફ કરવાનું શરૂ કરી દીધું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રેડીમેડ ગારમેન્ટસ ઉપરાંત અમેરિકા ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીનું મુખ્ય નિકાસ મથક છે. ૨૬ ટકા ટેરિફને કારણે ગયા સપ્તાહથી જ દેશના જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસકારોના કામકાજ બંધ પડી ગયા હતા જે ફરી ધમધમવા લાગ્યા છે. 

નવા ઓર્ડરો મેળવી તેને બને એટલા ઝડપી પૂરા કરવા જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસકારો રાતના મોડે સુધી કામ કરવાનું નક્કી કરી લીધુ છે અને ૯૦ દિવસની અંદર બને એટલો માલ રવાના કરવા વ્યૂહ ધરાવે છે. 

રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે સ્થગિતી મળતા દેશના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગમાં ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવાના પ્રયાસોમાં ઝડપ લાવવાની મોટી તક ઊભી થઈ છે. ખાસ કરીને એવી કંપનીઓ જે ચીન સિવાય અન્ય દેશમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માગે છે તેને ભારત સરકારે અહીં આકર્ષવી રહી, એમ ઈલેકટ્રોનિક ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના ટેરિફ સામે ભારતે વળતા ટેરિફ જાહેર નહીં કરીને યોગ્ય અભિગમ દાખવ્યો છે, એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું. 

દરમિયાન અમેરિકા સાથે વેપાર કરાર જલદીથી પૂરા કરવા ભારત સરકાર ઉત્સુક છે જેથી રેસિપ્રોકલ ટેરિફની અસરમાંથી દેશની નિકાસને ઉગારી શકાય એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ટેરિફની જાહેરાત બાદ અમેરિકા સાથે વેપાર કરાર માટેની વાટાઘાટ શરૂ કરવામાં ભારત પ્રથમ દેશ રહ્યો છે.

નિકાસ પર ૧૦ ટકા ટેરિફને કારણે ભારતની અંદાજે ૬ અબજ ડોલરની નિકાસને ફટકો પડવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. અમેરિકા ખાતે ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસનો આંક ૧૦ અબજ ડોલર જેટલો રહે છે.

Tags :