Explainer: બેંકોમાં ભારતીયોના રોકાણમાં જંગી ઘટાડો, સરકાર અને આરબીઆઈ પણ ચિંતિત, આખરે શું છે તેના કારણો?
Indian Investment in Bank: દેશનું બેન્કિંગ સેક્ટર છેલ્લા કેટલાક મહિનાઓમાં ભૂતકાળમાં ક્યારેય નહોતી એવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે, અને એ સ્થિતિ છે ક્રેડિટ(ધિરાણ)ની સરખામણીમાં ડિપોઝિટ(થાપણ)માં વૃદ્ધિનો ધીમો દર. સાદી ભાષામાં કહીએ તો બેન્કોનું ‘જમા’ કરતાં ‘ઉધાર’નું પલ્લું નમી રહ્યું છે. આ વિષયમાં સહેજ ઊંડા ઉતરીએ.
RBI ના ચિંતાજનક આંકડા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજા આંકડા કહે છે કે જૂન 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં દેશભરની બેન્કોમાં ડિપોઝિટનો દર 11.7 ટકાનો રહ્યો હતો, અને ક્રેડિટનો દર 15 ટકા વધ્યો હતો. મતલબ કે, ભારતીયો દ્વારા બેંકમાં જમા કરાવાતી થાપણો(જેના માટે ગ્રાહકને બેંક પાસેથી વ્યાજ મળે છે)નો દર 11.7 ટકાનો છે અને બેંક દ્વારા ગ્રાહકોને અપાતા ધિરાણ(લૉન વગેરે, જેના માટે ગ્રાહક બેંકને વ્યાજ ચૂકવે છે) નો દર 15 ટકા રહ્યો છે.
RBI અને સરકાર ચિંતામાં
બંને વચ્ચે સતત વધતાં જતાં અંતરને કારણે RBI અને સરકાર ચિંતામાં પડી ગઈ છે, કારણ કે દેશની ગાડી ચલાવવા માટે ગ્રાહક દ્વારા રોકાયેલા નાણાંનો જ ઉપયોગ થતો હોય છે. તેમણે બેંકોને નવીનવી યોજનાઓ દ્વારા ડિપોઝિટ મોબિલાઈઝેશન (થાપણો વધારવા) પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. ભારતમાં બેંકોએ ભૂતકાળમાં ક્યારેય આ પ્રકારની સ્થિતિનો સામનો નથી કરવો પડ્યો. આમ બન્યું એના કારણો તપાસીએ.
આ છે મુખ્ય કારણ
ભારતમાં અગાઉ એવું ગણિત હતું કે બચત કરવી હોય તો બેંકમાં રૂપિયા જમા કરાવો, પછી એ ફિક્સ ડિપોઝિટ રૂપે મૂકો કે પછી સેવિંગ્સ એકાઉન્ટમાં મૂકો. છેલ્લા થોડા વર્ષોમાં માહોલ બદલાયો છે. મ્યુચ્યુઅલ ફંડથી લઈને શેર બજાર સુધીના અનેક વિકલ્પો ખુલતાં લોકોની બચતનો પ્રવાહ એ તરફ વળ્યો છે. જૂની પેઢીની પરંપરાગત બચત યોજના ‘ફિક્સ ડિપોઝિટ’માં રોકાણ કરવાને બદલે નવી પેઢી ‘મ્યુચ્યુઅલ ફંડ’માં રોકાણ કરતી થઈ છે. આ ઉપરાંત જૂની પેઢી પણ વધુ નાણાં ‘વીમા ફંડ’ અને ‘પેન્શન ફંડ’માં ફાળવી રહી છે. આની સીધી અસર બેંકને મળતી થાપણો પર થઈ છે.
આ કારણસર બદલાઈ રોકાણકારોની માનસિકતા
કોવિડ-19 રોગચાળા પછી ભારતીય લોકોનો ઝુકાવ પ્રત્યક્ષ (ડાયરેક્ટ ટ્રેડિંગ) અને પરોક્ષ (મ્યુચ્યુઅલ ફંડ રૂટનો ઉપયોગ કરીને) મૂડી બજારો તરફ વધ્યો છે. એના કારણો નીચે મુજબ છે.
1. ઊંચું વળતર - બેંકમાં કરેલ રોકાણ કરતાં મૂડી બજારો ઊંચું વળતર આપે છે.
2. સરળ રોકાણ પ્રક્રિયા - અગાઉની સરખામણીમાં હવે રોકાણ પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. ગ્રાહક જાતે પણ વિવિધ માધ્યમોમાં રોકાણ કરી શકે છે.
3. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો – સ્માર્ટ ફોનને લીધે હવે બધું હાથવગું થઈ ગયું છે. એમાં મૂડી બજારોની એક્સેસનો પણ સમાવેશ થાય છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પેપર વર્કની કડાકૂટમાંથી મુક્તિ મળી છે. ગ્રાહક ઈચ્છે ત્યારે પોતાના રોકાણ સંબંધિત ડેટા મોબાઇલ ખોલીને જોઈ શકે છે અને નાણાં એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ખસેડી શકે છે.
4. ઓછા રોકાણને મંજૂરી – મૂડીબજારોમાં રોકાણ માટે બહુ મોટી રકમ હોવું જરૂરી નથી, એ સમજાઈ જતાં ભારતીયો નાની રકમ થકી પણ આ ક્ષેત્રમાં ઝંપલાવી રહ્યા છે.
5. જોખમ બાબતે જાગૃતિ – અગાઉ એવી માન્યતા હતી કે ‘શેર માર્કેટમાં પડ્યા એટલે નાણાં ડૂબ્યા’, પણ છેલ્લા થોડા વર્ષોમાં મૂડીબજારોમાં રહેલા ઓછા જોખમી વિકલ્પો [જેમ કે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને ડૅટ ફંડ (debt fund)] બાબતે જાગૃતિ આવતાં પણ ભારતીયો આ દિશામાં રોકાણ કરતા થયા છે.
મૂડીબજારોના ઉત્સાહવર્ધક આંકડા
છેલ્લા બે-ત્રણ વર્ષમાં વધુ ને વધુ ભારતીયો તેમની બચતને બેંકમાંથી ખસેડીને મૂડીબજારોમાં સ્થાનાંતરિત કરતા રહ્યા છે. આર્થિક સર્વેક્ષણ 2023-24 મુજબ ‘નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ’ (NSDL) અને ‘સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ’ (CDSL) સાથેના ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 2023માં 11.45 કરોડ હતી તે 2024માં વધીને 15.14 કરોડ થઈ ગઈ છે.
મ્યુચ્યુઅલ ફંડમાં ઉછાળ
એકલા મ્યુચ્યુઅલ ફંડની જ વાત કરીએ તો આ ક્ષેત્રે 6.23 ટકાનો ઝડપી વધારો નોંધાયો છે. 31 જુલાઈ, 2024 સુધીમાં એ વધીને 64.97 લાખ કરોડ રૂપિયાની વિક્રમી ટોચે પહોંચી ગયું છે. મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં હાલમાં લગભગ 9.33 કરોડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એકાઉન્ટ્સ છે, જેના દ્વારા રોકાણકારો નિયમિતપણે રોકાણ કરે છે.
હવે બેંકો શું કરી શકે?
ગ્રાહકોની બચત બેંકો તરફ વાળવા માટે RBI અને સરકારે બેંકોને નવી, આકર્ષક વળતર આપતી યોજનાઓ લાવવાની સૂચના આપી છે. થાપણોમાં વૃદ્ધિ થાય એ માટે બેંકોને ‘નાની થાપણો’ને આકર્ષવાની જૂની પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવાયું છે.
આવી યોજનાઓ શરૂ કરાઈ છે
સૂચનાને અમલમાં મૂકતાં SBIએ 'અમૃત દૃષ્ટિ' યોજના શરૂ કરી છે, જે 444 દિવસ માટેની ડિપોઝિટ પર 7.25 ટકા વ્યાજ આપે છે. બેંક ઓફ બરોડાએ 'મોન્સૂન ધમાકા' ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે, જેમાં 399 દિવસ માટેની ડિપોઝિટ પર 7.25 ટકા અને 333 દિવસ માટે 7.15 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. અન્ય બેંકો પણ આ દિશામાં પ્રયત્નશીલ છે.