વીમા પ્રીમિયમ પર જીએસટીમાં સિનિયર સિટિઝનને મુક્તિની શક્યતા
- જીઓએમની ભલામણ પર અંતિમ નિર્ણય જીએસટી પરિષદ નવે.માં કરશે
- પાંચ લાખ રૂપિયાથી ઓછા વીમા કવરના પ્રીમિયમ પર જીએસટી શૂન્ય કરવા, વધુ પ્રીમિયમ પર 18 ટકા જાળવી રાખવા ભલામણ
- પંદર હજારથી વધુ કિંમતના જૂતા, 25 હજારથી વધુ મોંઘી ઘડિયાળ પર જીએસટી 28 ટકા કરવા તૈયારી
નવી દિલ્હી : ઘણા લાંબા સમયથી જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પરના પ્રીમિયમ પર સિનિયર સિટિઝન્સને જીએસટીમાંથી મુક્તિ આપવાની માગ થઈ રહી છે. આ માગ હવે પૂરી કરવામાં આવે તેવી શક્યતા છે. જીએસટી પરિષદમાં શનિવારે ગૂ્રપ ઓફ મિનિસ્ટર્સની દિલ્હીમાં એક બેઠક થઈ હતી, જેમાં મોટાભાગના સભ્યોએ આ ભલામણ સ્વીકારવા સહમતિ બની છે.
જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમ પર લાગતા જીએસટીમાંથી સિનિયર સિટિઝન્સને મુક્તિ આપવા અંગેની માગ પર ચર્ચા-વિચારણા કરવા માટે બિહારના નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષપદે ગૂ્રપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)ની પહેલી બેઠક શનિવારે મળી હતી. જીઓએમે કર કપાતનો લાભ સામાન્ય માણસને આપવાની ભલામણ કરી હતી.
આ બેઠકમાં તમિલનાડુએ સ્વાસ્થ્ય વીમા પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ વિના જીએસટી પાંચ ટકા રાખવા માટે ભલામણ કરી છે. બીજીબાજુ જીવન વીમા પર લગાતો જીએસટી શૂન્ય કરવા એટલે કે હટાવવાની ભલામણ કરી હતી. જોકે, અન્ય બધા જ સભ્યોએ સ્વાસ્થ્ય અને જીવન વીમા બંને પર જીએસટી રદ કરવાની ભલામણ કરી છે.
આ સિવાય જીઓએમે ટર્મ ફેમિલી ઈન્સ્યોરન્સ માટે પણ જીએસટીમાં છૂટ આપવાની ભલામણ કરી છે. ગૂ્રપ ઓફ મિનિસ્ટર્સેમાં સિનિયર સિટિઝનને સ્વાસ્થ્ય વીમા પર જીએસટીથી સંપૂર્ણ મુક્તિ આપવાની જ્યારે અન્ય લોકોને રૂ. ૫ લાખ સુધીના સ્વાસ્થ્ય વીમા પર જીએસટી શૂન્ય કરવા પર સહમતિ બની છે. જોકે, રૂ. ૫ લાખથી વધુના સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી ચાલુ રાખવામાં આવશે.
આ સિવાય જીએસટીના દરને તર્કસંગત બનાવવા અંગે પણ જીઓએમમાં કેટલીક વસ્તુઓ પર ચર્ચા થઈ હતી. રૂ. ૧૫,૦૦૦થી વધુની કિંમતના જૂતા અને રૂ. ૨૫,૦૦૦થી વધુની ઘડિયાળો પર જીએસટી ૨૮ ટકા કરવા સહમતી બની છે. આ બંને વસ્તુઓ પર હાલ ૧૮ ટકા જીએસટી લાગુ છે.
જોકે, ગૂ્રપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા કરાયેલી ભલામણો મુજબ સ્વાસ્થ્ય અને જીવન વીમાના પ્રીમિયમ્સ પર જીએસટી તેમજ દરોને તર્કસંગત કરવા અંગેની ભલામણો પર કેન્દ્રીય નાણામંત્રીના અધ્યક્ષપદે જીએસટી પરિષદ અંતિમ નિર્ણય કરશે. જીએસટી પરિષદની બેઠક આગામી મહિને મળવાની છે. જીએસટી દરોમાં ફેરફારની કાર્યવાહીથી રાજ્યો અને કેન્દ્ર સરકારને રૂ. ૨૨,૦૦૦ કરોડની આવક થવાની સંભાવના છે, જે વીમા પ્રીમિયમ્સ માટે જીએસટી દરમાં ઘટાડાથી થનારા નુકસાનને કવર કરવામાં મદદરૂપ થશે.
પાછલા નાણાકીય વર્ષમાં કેન્દ્ર અને રાજ્યોએ સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમ પર જીએસટી લગાવી રૂ. ૮,૨૬૨.૯૪ કરોડ જ્યારે હેલ્થ રીઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી દ્વારા રૂ. ૧,૪૮૪.૩૬ કરોડ એકત્ર કર્યા હતા.