IDBI બેંકમાં વધુ પડતું રોકાણ LICની નાણાંકીય સ્થિતિ બગાડે તેવી શક્યતા
- LICએ ૩ વર્ષ પહેલા બેન્કમાં રૂ.૪૭૪૩ કરોડનું રોકાણ કર્યુ હતું
- એલઆઇસીના ખાનગીકરણ તરફનું પ્રથમ પગલું ગણાવી ભારતીય મજદૂર સંઘે વીમા કંપનીના આઇપીઓનો વિરોધ કર્યો
મુંબઈ : દેશના સૌથી મોટા આઈપીઓની તૈયારી કરી રહેલ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોેશન ઓફ ઈન્ડિયા (એલઆઇસી) દ્વારા તેની પેટાકંપની આઇડીબીઆઇ બેંકમાં કોઈપણ વધારાનું રોકાણ વીમા કંપનીની નાણાંકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
એલઆઈસીના આઈપીઓ માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે તાજેતરમાં ફાઈલ કરાયેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં આ માહિતી બહાર આવી છે.
વીમા કંપનીએ ડીઆરએચપીમાં જણાવ્યું હતું કે નાણાંકીય સ્થિતિ અને કામગીરીને જોતાં અમે માનીએ છીએ કે આઈડીબીઆઈ બેંકે આ સમયે વધુ મૂડી એકત્ર કરવાની જરૂર નથી.
જો બેંકને લાગુ પડતા પાંચ વર્ષના સમયગાળાની સમાપ્તિ પૂર્વે વધારાની મૂડીની જરૂર હોય અને તે ભંડોળ ઊભું કરવામાં નિષ્ફળ જાય તો અમારે વધારાના ભંડોળનો ઉપયોગ કરવાની જરૂર પડશે. જોકે આ અમારી નાણાંકીય સ્થિતિ અને સંચાલકીય પરિણામો પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આઈડીબીઆઈ બેંકને આપવામાં આવેલ પાંચ વર્ષનો કાર્યકાળ નવેમ્બર, ૨૦૨૩માં સમાપ્ત થશે.
૨ નવેમ્બર, ૨૦૧૮ ના રોજ આરબીઆઈએ આઈડીબીઆઈ બેંકમાં વધારાના ઇક્વિટી શેરના અધિગ્રહણ માટે એલઆઈસીને મંજૂરી આપી હતી. ડીઆરએચપી અનુસાર જીવન વીમા નિગમે ઓક્ટોબર ૨૦૧૯મા IDBI બેંકમાં પોલિસીધારકોના ફંડમાંથી રૂ. ૪૭૪૩ કરોડનું રોકાણ કર્યું હતું.
બેંકે ૧૯ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા રૂ. ૧૪૩૫.૧ કરોડ એકત્ર કર્યા હતા. આઈડીબીઆઈ બેંકની સ્થિતિ સુધરતા આરબીઆઈએ ૧૦ માર્ચ, ૨૦૨૧ના રોજ તેને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્કમાંથી બહાર મુકી હતી.
ભારતીય મજદૂર સંઘ (બીએમએસ)એ ભારતીય જીવન વીમા નિગમના આઈપીઓ લાવવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેને એલઆઈસીના ખાનગીકરણ તરફનું આ પ્રથમ પગલું ગણાવીને બીએમએસ ૨૮ અને ૨૯ માર્ચે ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી હડતાળને સમર્થન આપવાની જાહેરાત કરી છે.