MDH-એવરેસ્ટના મસાલામાં ક્યા કેમિકલના કારણે વિવાદ છે? જાણો તે કેવી રીતે કેન્સરનું જોખમ વધારે છે
MDH-Everest Masala Banned: તાજેતરમાં હોંગકોંગ અને સિંગાપોરમાં MDH અને એવરેસ્ટના અમુક મસાલાઓ અંગે ચેતવણી જારી કર્યા પછી, તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ મસાલાઓમાં પેસ્ટીસાઈડ એથિલીન ઓક્સાઈડની વધુ માત્રા હોવાથી તેને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
દેશભરમાં તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લેવાનું શરૂ
પ્રતિબંધ બાદ ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ સિંગાપોર અને હોંગકોંગમાં આવેલી ભારતીય કંપનીઓના મસાલા વિરૂદ્ધ કાર્યવાહીને ધ્યાનમાં લેતાં દેશભરમાં એમડીએચ એવરેસ્ટ સહિત તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લેવાનું શરૂ કર્યું છે.
શું છે આખો મામલો?
હોંગકોંગના સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS)ને નિયમિત ચેકિંગ દરમિયાન એમડીએચ અને એવરેસ્ટના અમુક મસાલામાં વધુ માત્રામાં એથિલીન ઓક્સાઇડ મળ્યું હતું.
હોંગકોંગમાં ચોક્કસ મર્યાદા કરતા વધુ પેસ્ટીસાઈડ ધરાવતા ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ છે. જો માનવી અને તેમના સ્વાસ્થ્ય માટે જોખમી ન હોય તો જ તે હોંગકોંગ વેચી શકાય છે. CFS મુજબ એથિલીન ઓક્સાઇડ એક પ્રકારનું પેસ્ટીસાઈડ છે, જે મનુષ્યમાં કેન્સરનું જોખમ વધારે છે.
હોંગકોંગ બાદ સિંગાપોરની ફૂડ એજન્સી (SFA)એ એવરેસ્ટના એક મસાલા પર પણ હાલ માટે પ્રતિબંધ મૂકીને ઓર્ડર પણ પરત કર્યો છે. SFA પણ દાવો કરે છે કે મસાલામાં નિર્ધારિત માત્રા કરતાં એથિલીન ઓક્સાઇડનું પ્રમાણ ઘણું વધારે છે. જે લાંબાગાળાના સેવનથી કેન્સરનું જોખમ વધારી શકે છે.
શું છે એથિલિન ઓક્સાઈડ?
એથિલિન ઓક્સાઈડ સ્વાદ અને ગંધહીન કેમિકલ છે, જેનો ઉપયોગ કૃષિ, હેલ્થકેર અને ખાદ્ય પદાર્થોને કિટાણુઓથી મુક્ત રાખવા એટલે કે પેસ્ટીસાઈડ તરીકે થાય છે. જો કે, તેનું વધતુ પ્રમાણ લાંબાગાળે કેન્સર જેવી ગંભીર બિમારીનું કારણ બની શકે છે.
નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, તેનો ઉપયોગ એથિલિન ગ્લાયકોલ (એન્ટિ-ફ્રીઝ) જેવા કેમિકલ બનાવવા માટે, કાપડ, ડીટરજન્ટ, દવાઓ, એડહેસિવ અને સોલવન્ટ બનાવવામાં પણ થાય છે. તેમજ તેનો ઉપયોગ હોસ્પિટલોમાં સર્જિકલ સાધનોને સાફ કરવા માટે કરવામાં આવે છે.
આ કેટલું જોખમી છે?
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરએ એથિલિન ઓક્સાઇડને 'ગ્રુપ-1 કાર્સિનોજેન'ની કેટેગરીમાં મુક્યું છે જેનો અર્થ એવો થાય કે તે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે.
આ કેમિકલના સંપર્કમાં આવવાથી અથવા તો તેનું વધુ માત્રામાં સેવન કરવાથી આંખો, ત્વચા, નાક, ગળા અને ફેફસામાં બળતરા થઇ શકે છે. તેમજ મગજ અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન થઇ શકે છે.
યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીનું કહેવું છે કે આ કેમિકલ સ્ત્રીઓમાં લિમ્ફોઇડ કેન્સર અને સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે.
જો કે આ કેમિકલનો બહુ ઓછી માત્રામાં કે ક્યારેક વપરાશ જોખમી ન હોવાથી જ તેનો મસાલામાં તેમજ અન્ય ઘણી ખાદ્ય વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે.