શેરબજારમાં 8 મહિનામાં 1.20 લાખ કરોડ ડોલરનું ધોવાણ
- ભારતીય રૂપિયા અને ભારતીય શેરમાર્કેટનું આ વર્ષે સૌથી ખરાબ પ્રદર્શન
- વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી 3.63 ટકા સાથે 18 માસના તળિયે
અમદાવાદ: ભારતીય શેરમાર્કેટમાં છેલ્લા ૩ મહિનાથી એકતરફી મંદીનો માહોલ છે. રાષ્ટ્રપ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પની વરણી, વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી અને રૂપિયામાં પણ સતત ઘસારાને કારણે શેરબજારનું માનસ ખરડાયું છે. સપ્ટેમ્બરના રેકોર્ડ શિખરેથી બેંચમાર્ક ઈન્ડેકસમાં ભારે કડાકો જોવા મળ્યો છે તો બ્રોડર માર્કેટના તો સૂપડાં સાફ થઈ ગયા છે. આંકડાઓ પર નજર કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય ૮ મહિનાના તળિયે પહોંચ્યું છે.
સતત વેચવાલીને કારણે શેરબજારનું માર્કેટ કેપ ૪૦૦ ટ્રિલિયન રૂપિયાની નીચે ઉતરી ગયું છે. રિસર્ચ ડેટા પરથી જાણવા મળ્યું કે ૧૪ મહિનામાં માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. ૪૦૦ લાખ કરોડની નીચે ઉતર્યું છે. પ્રથમ વખત ૧૦ એપ્રિલના રોજ આ માઈલસ્ટોન બીએસઈએ હાંસલ કર્યો હતો અને આ સપ્તાહે ૬ જૂન, ૨૦૨૪ બાદ પ્રથમ વખત માર્કેટ કેપમાં આ લેવલ જોવા મળ્યું છે. રેકોર્ડ ટોચની વાત કરીએ તો ૨૯મી સપ્ટેમ્બરે ભારતીય શેરબજારની કુલ સંપત્તિ રૂ. ૪૭૭.૯૩ ટ્રિલિયનની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. છેલ્લા ૮ સેશનમાં જ માર્કેટ કેપ રૂ. ૪૨૮ લાખ કરોડથી ઘટીને ૩૯૯ લાખ કરોડે પહોંચી છે એટલેકે માત્ર ૮ સેશનમાં જ રોકાણકારોના ૨૮ લાખ કરોડ ધોવાયા છે.
ડોલરની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું માર્કેટ કેપ ૪ ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું છે. ડોલર ટર્મમાં માર્કેટ કેપ રેકોર્ડ ટોચેથી ૧.૨ ટ્રિલિયન ડોલર સાફ થઈ ડિસેમ્બર, ૨૦૨૩ના તળિયે આવી ગઈ છે. ૫.૧૮ લાખ કરોડ ડોલરના શિખરેથી બજાર મૂલ્ય ૧.૨૦ લાખ કરોડ ડોલરનો ઘટાડો થયો છે. આ વર્ષે ડોલર સામે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દોઢ મહિનામાં ડોલર સામે રૂપિયો લગભગ ૧.૫ ટકા ઘટયો છે. આ રીતે એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શનની દ્રષ્ટિએ રૂપિયો બીજા સ્થાને છે. ઇન્ડોનેશિયન રૂપિયાએ રૂપિયા કરતાં પણ ખરાબ પ્રદર્શન કર્યું છે.
૨૦૨૫ના પ્રારંભથી જ ભારતની ઈક્વિટી માર્કેટના સતત ધોવાણને પરિણામે ઈક્વિટીસની વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી ૩.૬૩ ટકા સાથે ૧૮ માસની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગયા વર્ષના જુલાઈમાં વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૪.૬૪ ટકા સાથે ઓલટાઈમ હાઈ રહ્યો હતો.
શેરમાર્કેટની યાદીમાં ભારત ૨૦૨૫માં વિશ્વનું સૌથી ખરાબ પ્રદર્શન કરનારૂં ટોચનું બજાર બન્યું છે. વિશ્વના પાંચમા સૌથી મોટા શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં આ વર્ષે ૧૮.૩૩ ટકાથી વધુનો ઘટાડો થયો છે. સૌથી ખરાબ પ્રદર્શનમાં ભારત બાદ ઝિમ્બાબ્વેનું શેરબજાર વિશ્વમાં બીજા ક્રમે છે. આઇસલેન્ડ ત્રીજા નંબરે છે તેમ બ્લૂમબર્ગના રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
સામે પક્ષે નજર કરીએ તો વિશ્વના મુખ્ય બજારોમાં અમેરિકાનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. યુએસ શેરબજારના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૩ ટકાનો વધારો થયો છે. ચીન અને જાપાનના શેરબજારોની માર્કેટ કેપ ૨ ટકા વધી છે. આ ઉપરાંત હોંગકોંગ, કેનેડા, યુકે અને ફ્રાન્સના શેરબજારોએ પણ સારું પ્રદર્શન કર્યું. આ રીતે, આ વર્ષે અત્યાર સુધી વિશ્વના મોટાભાગના મુખ્ય બજારોનું પ્રદર્શન સારું રહ્યું છે પરંતુ ભારતમાં અનેક વિદેશી અને સ્થાનિક કારણોસર આ યાદીમાં ભારતનું સ્થાન નથી.
ભારતીય શેરમાર્કેટના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે બંને ઈન્ડેકસ ૩.૨૫-૫૦ ટકા સુધી ઘટયા છે તો મિડકેપ ઇન્ડેક્સ ૧૫ ટકા તૂટયો છે તો બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૯ ટકાથી વધુ તૂટયો છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪થી નિફ્ટી ૫૦માં ૧૫ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસમાં ૨૨-૨૫ ટકાનો કડાકો નોંધાયો છે. જોકે રૂપિયામાં નબળાઈને કારણે ડોલરના સંદર્ભમાં વળતર પર અસર થોડી ઓછી થઈ છે.
આ કડાકામાં વિદેશી રોકાણકારોનો સૌથી મોટો ફાળો રહ્યો છે. કેન્દ્રમાં સરખામણીએ નબળી સરકાર, વિકાસલક્ષી પરિયોજનાઓ પર પ્રશ્નાર્થ, કંપનીઓની ધીમી કમાણી વૃદ્ધિ, ઉંચા વેલ્યુએશન અને અર્થતંત્રમાં બાહ્ય વૃદ્ધિના અભાવને કારણે આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણાકરોએ ભારતીય બજારમાં ૧ લાખ કરોડથી વધુનું વેચાણ કર્યું છે.