ઈક્વિટી મ્યુ. ફંડોએ જુલાઈમાં રૂપિયા 80,000 કરોડ કેશ જાળવી રાખ્યા
- ઊંચા મૂલ્યાંકને કેશ હાથમાં રાખવાનો વ્યૂહ
- કુલ કેશ રેશિયો વધીને ૫.૪ ટકાના ૧૫ મહિનાના ઉચ્ચતમ સ્તરે
અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં મોદી ૩.૦ના પ્રથમ કેન્દ્રીય બજેટ પછીની અસ્થિરતા અને ઊંચા વેલ્યુએશનની ચિંતા વચ્ચે જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમોમાં રોકડનો નોંધપાત્ર પ્રવાહ જોવા મળ્યો હતો. એનએફઓમાં મજબૂત રોકાણને કારણે પણ કેશ લિક્વિડિટીનું સ્તર ઊંચું રહ્યું છે.
મોતીલાલ ઓસ્વાલના રિપોર્ટ મુજબ ૨૬ અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની ઇક્વિટી સ્કીમો પાસે જૂન, ૨૦૨૪ના અંતે રૂ. ૬૨,૭૦૦ કરોડની રોકડ હાથવગી હતી, જે જુલાઈ ૨૦૨૪ના અંતે વધીને લગભગ રૂ. ૮૦,૦૦૦ કરોડ આસપાસ પહોંચી છે. આ સાથે આ સ્કીમોમાં કુલ કેશ રેશિયો વધીને ૫.૪ ટકાના ૧૫ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. જૂનમાં સ્કીમો પાસે રોકડ તેમના પોર્ટફોલિયોના ૪.૬ ટકા હતી.
મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ પરાગ પરીખ ફાઇનાન્સિયલ એડવાઇઝરી સર્વિસીસ ફંડમાં સૌથી વધુ ૧૬.૧ ટકા રોકડ છે. આ પછી ક્વાન્ટ ફંડ પાસે ૧૪ ટકા રોકડ રકમ છે. પરાગ પરીખ ફંડ પાસે કેશ ઓન હેન્ડ સાત મહિનાથી વધુ છે પરંતુ જૂનમાં ક્વોન્ટ પાસે ૭.૨ ટકા જ રોકડ હતી.
અન્ય ફંડ્સ કે જેમાં રોકડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે તેમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, ફ્રેન્કલિન ટેમ્પલટન, સુંદરમ અને મોતીલાલ ઓસ્વાલનો સમાવેશ થાય છે. જોકે સામે પક્ષે અન્ય એવા પણ ફંડ છે જેની કેશ લિક્વિડિટીમાં ઘટાડો થયો છે અને તેમાં એસબીઆઈ અને આદિત્ય બિરલા ફંડ હાઉસ શામેલ છે. જુલાઈ દરમિયાન એનએફઓમાં મજબૂત કલેક્શનથી પણ રોકડ સ્તરમાં વધારો થયો છે.
મ્યુચ્યુઅલ ફંડ અધિકારીઓના જણાવ્યા અનુસાર રોકાણ સપ્લાયને જોતા અનિવાર્યતા સંપૂર્ણપણે બજારમાં ઉતરવાની અને તમામ ઈન્ફલો ઈન્વેસ્ટ કરી દેવાની છે પરંતુ અનિશ્ચિતતા અને ઓવરવેલ્યુએશનના કિસ્સામાં રોકડ જાળવી રાખવી જ સલાહભરી બાબત છે. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપમાં લગભગ એક વર્ષથી વેલ્યુએશનની ચિંતા છે પરંતુ ઇક્વિટી ફંડ સ્કીમોમાં સતત મજબૂત નાણાપ્રવાહ જોવા મળી રહ્યો છે અને મ્યુચ્યુઅલ ફંડો દ્વારા પણ આ રોકાણ સતત બજારમાં ઠલવાતા દલાલ સ્ટ્રીટમાં અવિરત તેજીનો માહોલ જ છે.