EPSના સભ્યો માટે ખુશખબર, નવા નિયમમાં 7 લાખ ખાતેદારોને મળશે આ લાભ, જાણો વધુ વિગત
EPS New Rules: કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારી પેન્શન યોજના, 1995માં ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ, હવે એવા કર્મચારીઓ પણ પોતાનો પીએફ ઉપાડી શકશે કે, જેઓએ છ મહિનાથી ઓછા સમય સુધી યોગદાન આપ્યું હોય. આ ફેરફારથી દેશભરના સાત લાખથી વધુ ઈપીએસ (EPS) સભ્યોને લાભ થશે. અગાઉ, ઉપાડ લાભો ફક્ત તે કર્મચારીઓને જ ઉપલબ્ધ હતો, જેમણે ઓછામાં ઓછા 6 મહિના માટે યોગદાન આપ્યું હતું. આ નિયમના કારણે છ મહિનાથી ઓછા સમયમાં (પ્રિ-મેચ્યોર) આ સ્કીમ બંધ કરાવનાર ઈપીએસ સભ્યોને નુકસાન થતુ હતું. પરંતુ હવે તમામને ઈપીએસ ઉપાડનો લાભ મળશે.
નવા નિયમમાં ફેરફાર
સંશોધિત નિયમો અનુસાર, હવે ઉપાડના લાભો સેવાના પૂર્ણ થયેલા મહિનાઓની સંખ્યા અને EPS યોગદાનના પગારના આધારે નક્કી કરવામાં આવશે. જેમાં કોષ્ટક Dમાં કરાયેલા ફેરફારો સમાવિષ્ટ છે, અગાઉ 6 મહિના કરતાં ઓછું યોગદાન આપરનારા લોકો માટે ફ્રેક્શનલ સર્વિસ પિરિયડ્સની અવગણના કરવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સુધારો તમામ ઈપીએસ સભ્યો, સેવાના સમયગાળાને ધ્યાનમાં લીધા વિના, યોજનામાંથી દૂર થવા પર યોગ્ય વળતર આપવાની ખાતરી આપે છે.
આ રીતે તમારી લાયકાત ચકાસો
અગાઉ, ઘણા ઈપીએસ સભ્યો પેન્શન પાત્રતા માટે નિર્ધારિત 10 વર્ષની યોગદાન સેવા પૂર્ણ કર્યા પહેલા જ યોજના છોડી દેતા હતા. આ સભ્યોને હવે ઉપાડની જોગવાઈઓનો લાભ મળશે. જે કર્મચારીઓએ તાજેતરમાં નોકરી છોડી દીધી છે અથવા 6 મહિનાના યોગદાન બાદ નોકરી છોડવાનું વિચારી રહ્યા છે તેઓએ નવા નિયમો હેઠળ ઉપાડ લાભો માટેની તેમની પાત્રતા ચકાસવી જોઈએ. તેઓ તેમના એમ્પ્લોયરનો સંપર્ક કરી શકે છે અથવા દાવાની પ્રક્રિયા અને ક્લેમ સંબંધિત જરૂરી માહિતી માટે EPFO વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, કોષ્ટક Dના સરળીકરણના કારણે આ સ્કીમ હેઠળ 23 લાખથી વધુ કર્મચારીઓને લાભ મળશે. દરવર્ષે 95 લાખથી વધુ ઈપીએસ સભ્યો પેન્શન માટે 10 વર્ષનું ફરિજ્યાત યોગદાન આપ્યા વિના જ સ્કીમ બંધ કરાવી રહ્યા છે.