હવે પેન્શન મેળવવું થશે સરળ: પહેલી જાન્યુઆરીથી લાગુ થશે નવો નિયમ, ખોટા ધક્કા નહીં ખાવા પડે
EPS Pensioners Rules: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. નિવૃત્તી પછી હવે તેમને EPFO ની પેન્શન યોજના EPS થી પેન્શન મેળવવું ખૂબ જ સરળ થઈ જશે. કારણ કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની પેન્શન યોજના હેઠળ આવતા પેન્શનરો પહેલી જાન્યુઆરીથી કોઈપણ બેંક અથવા તેની શાખામાંથી તેમનું પેન્શન લઈ શકશે. કેન્દ્ર સરકારે પણ આ નવા ફેરફારને મંજૂરી આપી દીધી છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ એક મોટો ફેરફાર છે જે તેમના માટે ઘણી સરળતાઓ લાવશે.
78 લાખથી વધુ પેન્શનધારકોને ફાયદો થશે
ઇપીએફઓના 78 લાખથી વધુ ઇપીએસ પેન્શનરોને નવી સિસ્ટમથી ફાયદો થવાની અપેક્ષા છે. કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આ અંગે જણાવ્યું હતું કે, 'સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (સીપીપીએસ)ની મંજૂરી ઇપીએફઓના આધુનિકીકરણની દિશામાં એક મોટું પગલું છે.
આ પણ વાંચોઃ તમારા કામનું: શું ફરી સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ, કેન્દ્ર સરકારે આપ્યા સંકેત
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
પેન્શનની નવી સિસ્ટમના અમલ પછી, પેન્શનધારકોએ પેન્શન મેળવવાના સમયે કોઈપણ વેરિફિકેશન માટે બેન્કમાં જવાની જરૂર રહેશે નહીં. પેન્શનના રૂપિયા સીધા ખાતામાં જમા થઈ જશે. ઇપીએફઓને આશા છે કે નવી સિસ્ટમ લાગુ થયા બાદ પેન્શન વિતરણનો ખર્ચ પણ ઘટશે.
આ પણ વાંચોઃ બદલાઈ ગયા હેલ્થ પોલિસીના નિયમ, જાણો તમને શું મળશે ફાયદો
નવા ફેરફારોનો લાભ
નવી સિસ્ટમના અમલીકરણ પછી, પેન્શનરોએ તેમના પીપીઓ (પેન્શન પેમેન્ટ ઓર્ડર) નંબરને બેંક સ્વિચ કરતી વખતે ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. જેના કારણે નિવૃત્તિ લઈ ચૂકેલા લોકોને ઘણી સુવિધા મળશે. જો તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થાય અથવા બેંક સ્વિચ કરે તો પણ તેમને પીપીઓ ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે પીપીઓએ કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) હેઠળ દરેક પેન્શનધારકને અસાઇન કરાયેલ 12-અંકનો યુનિક કોડ છે. આ ઉપરાંત પેન્શન જારી થતાં તરત જ રૂપિયા ખાતામાં જમા થઈ જશે અને ચકાસણી માટે શાખાની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં.