Get The App

EPFO એ આપી મોટી સુવિધા, હવે મોટાભાગની વિગતો દસ્તાવેજ અને અપ્રુવલ વિના જ અપડેટ થઈ શકશે

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
EPFO


EPFO New Updation: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ઈપીએફઓના કર્મચારીઓને મોટી રાહત આપતાં અપડેટ પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે કર્મચારીઓ સરળતાથી EPF પ્રોફાઇલ અપડેટ કરી શકશે. આ માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજની જરૂર પડશે નહીં. EPFOના આ નિર્ણયથી પેન્ડિંગ અરજી ધરાવતા 3.9 લાખ સભ્યોને ફાયદો થશે. આ સભ્યો પાસે હવે પેન્ડિંગ અરજીઓ રદ કરવાની અને ફરીથી અપડેટ કરી સબમિટ કરવાની સુવિધા મળશે.

કઈ માહિતી અપડેટ કરી શકાય છે?

EPFO સિસ્ટમમાં અનેક અપડેટ કરવામાં આવ્યા છે. લેટેસ્ટ અપડેટમાં સભ્યો કોઈપણ દસ્તાવેજો સબમિટ કર્યા વિના નામ, જન્મ તારીખ, જાતિ, રાષ્ટ્રીયતા, માતાપિતાનું નામ, લગ્નની સ્થિતિ, જીવનસાથીનું નામ, એન્ટ્રી અને એક્ઝિટની તારીખ સહિત અન્ય માહિતીઓ સરળતાથી એડિટ કરી શકશે.

કોને મળશે આ સુવિધા?

EPFOએ માહિતી આપી છે કે આ સુવિધા એવા સભ્યો માટે છે જેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આધાર નંબર સાથે વેરિફાય છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય ફરિયાદો ઘટાડવાનો અને પેન્ડિંગ અરજીઓનો ઝડપથી નિકાલ કરવાનો છે. અગાઉ, ફેરફાર માટે એમ્પ્લોયર પાસેથી વેરિફિકેશન કરાવવું જરૂરી હતું, જેમાં લગભગ 28 દિવસનો સમય લાગતો હતો.

આધાર અને PAN પણ લિંક હોવું આવશ્યક

હવે લગભગ 45 ટકા અરજીને મેમ્બર દ્વારા સેલ્ફ અપ્રુવ કરી શકાશે. જ્યારે 50 ટકા અરજી એમ્પ્લોયરની મંજૂરી વિના શક્ય નથી. જેના માટે સભ્યોએ પોતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરાવવો જરૂરી છે. કારણકે કોઈ પણ અપડેટ તથા વિડ્રોલ આ લિંક વિના થઈ શકશે નહીં.

આ પણ વાંચોઃ ટ્રમ્પના નિવેદનોના પગલે સોનું ઉંચકાયું, આજે ભાવ ફરી સર્વોચ્ચ ટોચે પહોંચ્યા

શું હશે સમગ્ર પ્રક્રિયા?

PIB અનુસાર, હાલમાં સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોમાંથી લગભગ 27 ટકા ફરિયાદો પ્રોફાઇલ અને KYC મુદ્દાઓ સંબંધિત છે. જેથી આ નવી અપડેટથી સભ્યોએ દસ્તાવેજો સબમિટ કરવા અને એમ્પ્લોયરની મંજૂરીની રાહ જોવી પડશે નહીં.

આ રીતે વિગતો અપડેટ કરો

  • સૌ પ્રથમ EPFO પોર્ટલ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) પર જાઓ.
  • તમારો UAN યુનિવર્સલ એકાઉન્ટ નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગઇન કરો.
  • લોગઇન કર્યા પછી, ટોચ પર 'મેનેજ' ટેબ પર ક્લિક કરો.
  • જો તમારે નામ, જન્મ તારીખ અથવા જાતિ જેવી વ્યક્તિગત વિગતો અપડેટ કરવાની જરૂર હોય, તો 'મોડિફાઇ બેઝિક ડિટેલ્સ' વિકલ્પ પસંદ કરો.
  • તમારા આધાર કાર્ડ મુજબ જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો. EPF અને આધારમાં વિગતો સમાન હોવી જોઈએ.
  • જો જરૂરી હોય તો સહાયક દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા જન્મ પ્રમાણપત્ર) અપલોડ કરો. 

EPFO એ આપી મોટી સુવિધા, હવે મોટાભાગની વિગતો દસ્તાવેજ અને અપ્રુવલ વિના જ અપડેટ થઈ શકશે 2 - image


Google NewsGoogle News