EPFO ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ! કેન્દ્ર સરકાર મોટો નિર્ણય કરવાની તૈયારીમાં
EPFO Members Good News: ઈપીએફઓમાં રોકાણ કરતાં લોકોને રિટાયરમેન્ટ દરમિયાન વધુ લાભ આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં ઈપીએસમાં યોગદાનના નિયમમાં ફેરફાર કરી શકે છે. શ્રમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા અનુસાર, ઈપીએફઓના ખાતાધારકોને પેન્શન માટે વધુ યોગદાન આપવા મંજૂરી આપી શકે છે. કેન્દ્ર સરકાર પીએફમાં કર્મચારીઓ દ્વારા આપવામાં આવતા યોગદાનની મર્યાદા દૂર કરવા વિચારી રહી છે.
ઈપીએફઓના ખાતેદારો હાલ પોતાના મૂળ પગારના 12 ટકા યોગદાન ઈપીએફમાં જમા કરાવે છે. જ્યારે એમ્પ્લોયર માટે 8.33 ટકા યોગદાન કર્મચારીના પેન્શન ખાતા (ઈપીએસ)માં અને બાકીનું 3.67 ટકા યોગદાન ભવિષ્ય નિધિ (ઈપીએફ)માં જમા કરવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો લાભ દેશના 7 કરોડથી વધુ ઈપીએફઓ ધારકોને મળશે.
રિટાયરમેન્ટ માટે મોટુ ફંડ ઉપલબ્ધ થશે
કેન્દ્ર સરકાર પીએફ યોગદાનમાં મર્યાદા હટાવી લોકોને રિટાયરમેન્ટ માટે વધુ બચત કરવા પ્રોત્સાહન આપવા માગે છે. જેનાથી ખાતેદારોને પેન્શન માટે મોટું ફંડ ઉપલબ્ધ થઈ શકે છે. રિટાયરમેન્ટ બાદ લોકોને સામાજિક અને આર્થિક સુરક્ષાને સુનિશ્ચિત કરતાં આ પગલું લેવાઈ શકે છે.
15 હજારની પગાર મર્યાદા વધારવાની માગ
સેન્ટર ફોર ઈન્ડિયન ટ્રેડ યુનિયનના મહાસચિવ ટીએન કરૂમલાઈયને જણાવ્યું હતું કે, સરકાર સૌથી પહેલાં પગાર મર્યાદા રૂ. 15 હજારથી વધારવા વિચારણા કરવી જોઈએ. જેનાથી પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન યોજના બંનેમાં યોગદાનનો હિસ્સો વધશે. હાલ ઈપીએસનો લાભ માત્ર રૂ. 15 હજાર સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓને જ મળે છે.
શું લાભ થશે?
EPF માં કર્મચારીઓ અને એમ્પ્લોયર બંનેનું યોગદાન સમાવિષ્ટ છે, જ્યારે ઈપીએસમાં માત્ર એમ્પ્લોયર યોગદાન આપે છે. તેમાં માસિક રૂ. 1250 સુધીનું રોકાણ કરી શકો છો. ઈપીએસમાં આ રોકાણ મર્યાદા દૂર કરવામાં આવે અને યોગદાન વધારવામાં આવે તો 58 વર્ષ બાદ આ સ્કીમ હેઠળ મળતાં નિયમિત પેન્શનની રકમમાં વધારો થઈ શકે છે. જેનાથી રિટાયરમેન્ટ બાદ લોકોની નિયમિત આવક વધશે. નોંધનીય છે, ઈપીએફ એ લમસમ લાભો આપે છે. જેમાં 58 વર્ષ બાદ એકસામટી રકમ પાછી મળે છે.