ઈલોન મસ્કને સૌથી મોટો ઝટકો, 'X' સામે પ્રતિબંધ મૂક્યો આ દેશની કોર્ટે, કંપનીએ કઈ ભૂલ કરી?
Brazzil Ban on X social Media Platform | બ્રાઝિલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને મોટો ઝટકો આપ્યો છે. ઈલોન મસ્કની માલિકીના પ્લેટફોર્મ X પર બ્રાઝિલ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. X ને બ્રાઝિલમાં તેના કાનૂની પ્રતિનિધિની નિમણૂક કરવા માટે કહેવાયું હતું અને કંપનીએ આ આદેશની અવગણના કરી હતી જેના પગલે તેની સામે આ કાર્યવાહી થઇ હતી.
ખરેખર મામલો શું છે?
બ્રાઝિલ સરકારના મતે જ્યાં સુધી X કોર્ટના તમામ આદેશોનું પાલન નહીં કરે અને દંડની ચુકવણી નહીં કરે ત્યાં સુધી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્ક અને બ્રાઝિલ વચ્ચે એપ્રિલ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. આ વર્ષે એપ્રિલમાં બ્રાઝિલની કોર્ટે ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ હતો. કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા ઈલોન મસ્કએ કહ્યું હતું કે વાણી સ્વતંત્રતા એ કોઈપણ લોકશાહીનો આધાર છે. તેમણે એમ પણ કહ્યું કે બ્રાઝિલના જજો જનતાને પસંદ નથી અને તેઓ રાજકીય દબાણમાં આવીને તેને બરબાદ કરી રહ્યા છે.
કોર્ટે આદેશમાં શું કહ્યું હતું?
બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજે બુધવારે રાત્રે ઈલોન મસ્કને ચેતવણી આપી હતી કે જો X બ્રાઝિલમાં પ્રતિનિધિ નિયુક્ત કરવાના તેમના આદેશનું પાલન નહીં કરે તો દેશમાં તેના સંચાલન પર પ્રતિબંધ મૂકાશે. સુપ્રીમ કોર્ટે આદેશનું પાલન કરવા 24 કલાકની સમય મર્યાદા નક્કી કરી હતી. આ મહિનાની શરૂઆતથી X નો બ્રાઝિલમાં કોઈ પ્રતિનિધિ નથી.