ઈલોન મસ્કે અચાનક જ ભારતનો પ્રવાસ કેન્સલ કર્યો, વડાપ્રધાન મોદી સાથે થવાની હતી બેઠક
Image: IANS |
Elon Musk India Visit Postpone: ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે હાલ પૂરતી તેમની ભારત મુલાકાત રદ્દ કરી છે. મસ્ક 21 એપ્રિલે ભારતની મુલાકાત લેવાના હતા. પરંતુ મસ્કે ટ્વિટર પર ટ્વિટ કરી શનિવારે ભારત મુલાકાત રદ્દ કરી હોવાની માહિતી આપી હતી. ઈલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરવાના હતા.
ટેસ્લા ભારતમાં મોટા રોકાણ સાથે પ્રવેશ કરવાની યોજના ધરાવે છે. તે દેશમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપિત કરવા માગે છે. પરંતુ કોઈ કારણોસર ભારતની મુલાકાત મુલતવી છે. મસ્ક 21-22 એપ્રિલના ભારતની મુલાકાતે હતા. જ્યારે 23 એપ્રિલે અમેરિકામાં ટેસ્લાના પ્રથમ ત્રિમાસિક પરિણામો અંગે પ્રશ્નો પર સ્પષ્ટતા રજૂ કરવાની છે. જેથી માનવામાં આવી રહ્યુ છે. 21-22 ભારતમાં રહ્યા બાદ તેમના માટે 23 એપ્રિલે આ કોન્ફરન્સ કોલમાં સામેલ રહેવુ મુશ્કેલ હોવાથી તેમણે ભારતની મુલાકાત લેવાનું ટાળ્યું છે.
30 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈલોન મસ્ક વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન ભારતમાં 20થી 30 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના રજૂ કરવાના હતા. જો કે, મસ્કે ભારતમાં ટેસ્લાના પ્રવેશ માટે અમુક ઈવી નીતિઓમાં સુધારા કરવા અપીલ કરી હોવા છતાં કોઈ ફેરફારો થયા નથી.
ગત વર્ષે જૂનમાં ઈલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ટેસ્લાનો ભારત પ્રવેશ માટેનો વિચાર રજૂ કર્યો હતો. જો ભારત ઈલેક્ટ્રિક વ્હિકલ્સ કંપનીઓને અમુક રાહતો આપે તો તેઓ ભારતમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થાપિત કરશે.