ગત નાણા વર્ષે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર ત્રીજા સૌથી મોટા નિકાસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું
- પેટ્રોલિયમ ક્ષેત્ર રૂ. ૫.૩૪ લાખ કરોડ અને એન્જિનિયરિંગ ક્ષેત્ર રૂ. ૯.૮૬ લાખ કરોડ સાથે પ્રથમ અને બીજા ક્રમાક
- ઇલેક્ટ્રોનિક્સની રૂ.૩.૨૭ લાખ કરોડની નિકાસ
અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ.૩.૨૭ લાખ કરોડ ની નિકાસ સાથે ઇલેક્ટ્રોનિક્સ ત્રીજું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. ગયા વર્ષના રૂ. ૨.૪૧ લાખ કરોડની સરખામણીમાં આ ૩૬ ટકાનો વધારો સૂચવે છે. પ્રથમ નંબરે પેટ્રોલિયમ ક્ષેત્ર અને બીજો નંબરે એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસ રહી હતી.
આ સાથે, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર (જે ૨૦૨૩-૨૪માં નિકાસની દ્રષ્ટિએ પાંચમા ક્રમે હતું) તે હવે દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ (રૂ. ૨.૫૭ લાખ કરોડ) અને રત્નો અને ઝવેરાત (રૂ. ૨.૫૨ લાખ કરોડ) ને પાછળ છોડીને પેટ્રોલિયમ ઉત્પાદનો (રૂ. ૫.૩૪ લાખ કરોડ) અને એન્જિનિયરિંગ (રૂ. ૯.૮૬ લાખ કરોડ) પછી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
વર્ષ ૨૦૧૯-૨૦ માં જ્યારે પીએલઆઈ યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે ઇલેક્ટ્રોનિક્સ નિકાસ સાતમા ક્રમે હતી. ત્રીજા સ્થાનની રેસમાં રહેલું ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર, ટોચના ૧૦માં ભારતનું સૌથી ઝડપથી વિકસતું નિકાસ ક્ષેત્ર બની ગયું છે.
ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશને જણાવ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં સરકારના ૫૦૦ અબજ ડોલરના વિઝનને હાંસલ કરવા માટે, કર, ડયુટી અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓના ક્ષેત્રોમાં મોટા નીતિગત ફેરફારોની જરૂર છે.
ઇલેક્ટ્રોનિક્સમાં સૌથી મોટો વધારો મોબાઇલ ફોન નિકાસ દ્વારા થયો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં બે ટ્રિલિયન ડોલરથી વધુ હોવાનો અંદાજ હતો, જે આ અસાધારણ વૃદ્ધિમાં ૬૧ ટકાનું યોગદાન આપે છે. ૮૫ ટકા વૃદ્ધિ મોબાઇલ ઉપકરણોની નિકાસમાંથી થઈ છે.
મોબાઇલ નિકાસમાં એપલના આઇફોને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં આઇફોનની નિકાસ રૂ. ૧.૫ લાખ કરોડની હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં કુલ ઇલેક્ટ્રોનિક્સ નિકાસના ૪૫.૮ ટકા હતી. છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં પાંચ ગણો વધારો થયો છે અને આ સમયગાળા દરમિયાન નિકાસ છ ગણી વધી છે.