Get The App

શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે વૃદ્ધ સાથે રૂ.11 કરોડની છેતરપિંડી

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે વૃદ્ધ સાથે રૂ.11 કરોડની છેતરપિંડી 1 - image


- નામાંકિત બ્રોકિંગ કંપનીના નામે નકલી મોબાઇલ એપ ડાઉનલોક કરાવી

મુંબઇ : શેરબજારમાં રોકાણ પર ઉચ્ચ વળતર આપવાના સ્વપ્ન દાખવીને ૭૫ વર્ષીય સિનિયર સિટીજન સાથે રૂ.૧૧ કરોડની ઓનલાઇન સાયબર છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ઠગ ગેંગ દેશની એક મોટી બ્રોકિંગ કંપનીના નામે નકલી મોબાઇલ એપ્લીકેશનના આધારે વૃદ્ધને જાળમાં ફસાવ્યા હતા. સાયબર પોલીસે આ મામલે કેસ નોંધી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

૭૫ વર્ષીય ફરિયાદી કોલાબાના રહેવાસી છે અને ૧૯૮૫માં શિપ કેપ્ટન તરીકે નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.  ત્યાંથી તેઓ ઓપરેશન મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા.  ગત ઓગસ્ટ મહિનામાં અનાયા સ્મિથ નામની મહિલા  દ્વારા તેમને વોટ્સએપ ગુ્રપમાં જોડવામાં આવ્યા હતા. તેણે દેશની એક મોટી બ્રોકિંગ કંપનીના નામે આ ગુ્રપ બનાવ્યું હતું.

આ કંપની મારફતે રોકાણ કરવા પર મોટા ફાયદાની ફરિયાદીને લાલચ આપવામાં આવી હતી. આ તેના પર વિશ્વાસ કરીને ફરિયાદીએ રોકાણ કરવાનું   નક્કી કર્યું હતું.

આરોપી મહિલાએ વૃદ્ધને એક લિંક મોકલી હતી તેના પર ક્લિક કરતા નામાંકિત બ્રોકિંગ કંપનીની નકલી એપ ડાઉલોડ થઇ હતી. આરોપીઓએ ડીમેટ એકાઉન્ટ ખોલવાનું નાટક કર્યું હતું.

વૃદ્ધાને વિવિધ શેર્સમાં રોકાણ કરવા માટે ચેટ દ્વારા મેસેજ મળતા હતા. ફરિયાદીને રોકાણ કરવા માટે વિવિધ બેન્ક ખાતામાં પૈસા જમા કરવાનું કહેવામાં આવ્યું હતું.

મહિલાના કહેવા પર ફરિયાદીએ ૨૨ ટ્રાન્ઝેકશન દ્વારા અંદાજે રૂ.૧૧ કરોડ ૧૧ લાખ જમા કર્યા હતા. ફરિયાદી મોબાઇલ એપ પર સારો નફો જોઇ શકતા હતા. તેમણે રકમ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ૨૦ ટકા સર્વિસ ટેક્સ ભરવાનું જણાવવામાં આવ્યું હતું. આથી ફરિયાદીને શંકા ગઇ હતી. લોઅર પરેલ નજીક બ્રોકિંગ કંપનીની ઓફિસમાં જઇ તેમણે પૂછપરછ કરી હતી. ત્યારે સંબંધિત એપ્લિકેશન નકલી હોવાનું માલૂમ પડયું હતું.

આખરે આ મામલે તેમણે સાયબર પોલીસની હેલ્પલાઇન નંબર૧૯૩૦માં ફોન કરીને ઘટના અંગે ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીના બેન્ક ખાતાના આધારે વધુ તપાસ આદરી છે.


Google NewsGoogle News