શેરબજારમાં મહારાષ્ટ્ર ચૂંટણીની ઈફેક્ટ, સેન્સેક્સમાં 1290 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ રોકેટ
Stock Market news | શેરબજારમાં આજે ખુલતાંની સાથે જ ધૂમ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટી સતત ગગડી રહ્યા હતા પરંતુ શુક્રવારે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેના બાદ આજે સોમવારે નવા અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ એકઝાટકે 1290 પોઇન્ટ ઉછળ્યો હતો.
શું છે સ્થિતિ?
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજયની અસર દેખાતા સેન્સેક્સમાં મોટો ઉછાળો દેખાયો. અગાઉ 79117.11 પર બંધ થયા બાદ આજે ફરી એકવાર સેન્સેક્સ 80 હજારની સપાટી કૂદાવતા 80407.00 પોઇન્ટની સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ રોકેટ જેવી સ્થિતિ દેખાઈ હતી. નિફ્ટી અગાઉ 23907.25 પર બંધ થયો હતો જે આજે સોમવારે 24312.50 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. આજે નિફ્ટીમાં એકઝાટકે 405 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જેનાથી રોકાણકારોને મોટો ફાયદો થયો હતો.
રોકાણકારોની મૂડી નવ લાખ કરોડ વધી
શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાના માહોલ વચ્ચે બીએસઈ ખાતે રોકાણકારોની મૂડીમાં 9 લાખ કરોડનો વધારો થયો છે. 330 શેર્સમાં અપર સર્કિટ અને 207 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 171 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા છે. બીએસઈ ખાતે એસબીઆઈ 3.62 ટકા, લાર્સન એન્ડ ટ્રુબો 3.60 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.11 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.
અદાણીના શેર્સમાં પણ રિકવરી
અદાણી ગ્રુપના શેર્સમાં પણ આકર્ષક રિકવરી જોવા મળી છે. સેન્સેક્સ પેકમાં સામેલ ્દાણી પોર્ટ્સ 2.44 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝિસ 3.02 ટકા, અદાણી ટોટલ ગેસ 2.22 ટકા, જ્યારે અદાણી ગ્રીન એનર્જી 1.67 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સહિત આઠ સભ્યો પર 2200 કરોડની લાંચ અને છેતરપિંડીના આરોપો હેઠળ અમેરિકાની કોર્ટમાં કેસ નોંધાયો હોવાના અહેવાલોના પગલે ગુરૂવારે શેર્સમાં 23 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.