એમેઝોન, ફ્લિપકાર્ટના વિક્રેતાઓના 19 સંકુલોમાં ઇડીના દરોડા
- ફેમાના નિયમો હેઠળ તપાસ કરાઈ
- દિલ્હી, ગુરુગ્રામ (હરિયાણા), હૈદરાબાદ (તેલંગણા) અને બેંગાલુરુ (કર્ણાટક)ના પરિસરોમાં કાર્યવાહી
- કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સે ઇડીની કાર્યવાહીનું સ્વાગત કર્યુ
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તપાસના સંબધમાં એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઇ કોમર્સ કંપનીઓ માટે કામ કરનારા વિક્રેતાઓના પરિસરોમાં આજે દરોડા પાડયા હતાં તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી, ગુરુગ્રામ (હરિયાણા), હૈદરાબાદ (તેલંગણા) અને બેંગાલુરુ (કર્ણાટક)ના કુલ ૧૯ પરિસરોમાં તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી કેટલાક પ્રમુખ વિક્રેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા નાણાકીય લેવડદેવડ સાથે સંબધિત છે. જે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઇ કોમર્સ પ્લેટફોર્મ માધ્યમથી વેપાર કરે છે.
આ કાર્યવાહી અંગે બે ઇ કોમર્સ કંપનીઓ તરફથી કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. આ દરમિયાન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ ઇડીની કાર્યવાહીનું સ્વાગત કર્યુ છે.
સીએઆઇટીના સેક્રેટરી જનરલ અને દિલ્હીના ભાજપ સાંસદ પ્રવીણ ખાંડેલવાલે જણાવ્યું છે કે સીએઆઇટી અને અન્ય કેટલાક વેપારી સંગઠનો છેલ્લા કેટલાક વર્ષોથી આ મુદ્દો ઉઠાવી રહ્યાં હતાં. હું ઇડીની કાર્યવાહીનું સ્વાગત કરું છું કારણકે આ યોગ્ય દિશામાં ભરવામાં આવેલું પગલું છે.
તેમણે દાવો કર્યો હતો કે કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ એમેઝોન અને ફ્લિપકાર્ટને પેનલ્ટી નોટીસ ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટને અગાઉ પણ પોતાના વેપાર કરવાની રીતના સંબધમાં તપાસનો સામનો કરવો પડયો હતો. સપ્ટેમ્બરમાં સીસીઆઇની એક તપાસમાં સામે આવ્યું હતું કે એમેઝોન અને ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર વિશિષ્ટ વિક્રેતાઓનું પક્ષ લઇને સ્થાનિક હરીફાઇ કાયદાઓનો ભંગ કર્યો હતો.