Get The App

2024-25માં ભારતીય અર્થતંત્ર સાત ટકાના વિકાસ દરે વધશે: આરબીઆઈ

ગ્રામીણ માંગમાં તેજી, મજબૂત શહેરી વપરાશ, મૂડી ખર્ચ વધતા રોકાણ ચક્રની ગતિ વધી : RBI

દેશનો વિકાસ દર જૂન ક્વાર્ટરમાં 7.2 ટકા અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.8 ટકા રહેવાનો અંદાજ

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
2024-25માં ભારતીય અર્થતંત્ર સાત ટકાના વિકાસ દરે વધશે: આરબીઆઈ 1 - image

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા સાત ટકાના વિકાસ દરે (India Economy) વધવાનો અંદાજ મુક્યો છે. અગાઉ વર્તમાન નાણાંકીય વર્ષમાં 7.3 ટકાનો અંદાજ મુકાયો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) દર બે મહિને યોજાતી મૉનેટરી પૉલિસી (RBI Monetary Policy)ની બેઠકમાં કહ્યું કે, ગ્રામીણ માંગમાં તેજી યથાવત્ છે, જ્યારે શહેરી વપરાશમાં મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને મૂડી ખર્ચ વધતા રોકાણ ચક્રમાં ગતિ પકડી રહ્યું છે.

ખાનગી રોકાણ વધવાના સંકેત : RBI ગવર્નર

તેમણે કહ્યું કે, ખાનગી રોકાણમાં વધારો થવાનો સંકેત જોવા મળી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2024-25 માટે GDPમાં સાત ટકા પર પહોંચવાનો અંદાજ છે. દેશનો વિકાસ દર જૂન ક્વાર્ટરમાં 7.2 ટકા અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.8 ટકા રહેવાનો અંદાજ છે.

વિદેશી હૂંડિયામણ ભંડાર 622.5 અબજ ડૉલરે પહોંચ્યો

દાસે કહ્યું કે, સ્થાનિક આર્થિક ગતિવિધિઓમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)ના અંદાજ મુજબ, વર્તમાન નાણાંકીય વર્ષમાં વૃદ્ધિ દર 7.3 ટકા છે. ગત નાણાંકીય વર્ષની જેમ વર્તમાન નાણાંકીય વર્ષમાં પણ ગતિ યથાવત્ રહેવાની આશા છે. ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) 622.5 અબજ ડૉલર પર પહોંચી ગયો છે, જે તમામ વિદેશી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં પર્યાપ્ત છે.

RBIએ સતત છઠ્ઠી વખત રેપો રેટ યથાવત્ રાખ્યાં

આ અગાઉ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે માહિતી આપી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટ (Repo Rate)ને સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે.

બજેટ પછી MPCની પ્રથમ બેઠક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ છેલ્લે 2023ની 8 ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ  કર્યું હતું. વચગાળાના બજેટ બાદ RBI MPCની આ પ્રથમ બેઠક છે.


Google NewsGoogle News