આર્થિક સર્વેક્ષણ શું હોય છે? બજેટના એક દિવસ પહેલાં જ કેમ રજૂ કરાય છે? જાણો આ રસપ્રદ માહિતી
Image: IANS |
Economic Survey: આર્થિક સર્વે એ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્રની વ્યાપક સમીક્ષા અથવા વાર્ષિક અહેવાલ છે. જે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)ના માર્ગદર્શન હેઠળ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના ઈકોનોમિક્સ ડિવિઝન દ્વારા તૈયાર કરવામાં આવે છે.
આ વર્ષનો આર્થિક સર્વે CEA વી.અનંત નાગેશ્વરન દ્વારા બજેટની જાહેરાતના એક દિવસ પહેલા 22 જુલાઈએ રજૂ કરવામાં આવશે. તે સરકારની આર્થિક કામગીરી, મુખ્ય વિકાસલક્ષી કાર્યક્રમો અને નીતિગત પહેલોના સારાંશ તરીકે કાર્ય કરે છે; જેમાં આગામી નાણાકીય વર્ષ માટેનો અંદાજ પણ મળે છે.
આર્થિક સર્વેના બે ભાગ હોય છે. જેમાં પ્રથમ ભાગ Aમાં દેશના આર્થિક વિકાસ અને પડકારો અને અર્થતંત્રની વ્યાપક સમીક્ષાનો સમાવેશ થાય છે; અને બીજા ભાગ Bમાં સામાજિક સુરક્ષા, ગરીબી, શિક્ષણ, આરોગ્યસંભાળ, માનવ વિકાસ અને આબોહવા જેવા વિશિષ્ટ વિષયો પર ગત નાણાકીય વર્ષનું વિશ્લેષણ દર્શાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ LIVE : 'પક્ષ નહીં પણ દેશ માટે કામ કરો...' બજેટ સત્ર પહેલાં સંસદ બહાર PM મોદીનું મોટું નિવેદન
શા માટે આર્થિક સર્વે મહત્વપૂર્ણ?
આર્થિક સર્વેક્ષણ એ વીતેલા નાણાકીય વર્ષમાં ભારતના વિકાસની વ્યાપક સમીક્ષા દર્શાવે છે, જે તમામ ક્ષેત્રો, ઉદ્યોગો, કૃષિ, રોજગાર, કિંમતો અને નિકાસના વિગતવાર આંકડાકીય ડેટાનું વિશ્લેષણ પર આધારિત છે.
નવા નાણાકીય વર્ષ માટે માર્ગદર્શન પૂરૂ પાડે છે
આર્થિક સર્વે પરથી નવા નાણાકીય વર્ષમાં કયા ક્ષેત્રો પર ફોકસ અને વધુ ફાળવણી, નીતિ સહાય અને સરકારી કાર્યક્રમોની જરૂર પડશે તે અંગે એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ મેળવવામાં મદદ કરે છે. આર્થિક સર્વે એ અર્થતંત્રનું સૌથી અધિકૃત અને વ્યાપક વિશ્લેષણ છે જે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. જો કે, તેમાં ભલામણો અને મૂલ્યાંકન કેન્દ્રીય બજેટ માટે બંધનકર્તા નથી. આર્થિક સર્વે દ્વારા નાગરિકોને સરકારની કામગીરીની વિગતો અને માહિતી મળે છે.
આર્થિક સર્વે અને બજેટ વચ્ચે શું તફાવત?
આર્થિક સર્વે બજેટ પહેલા બહાર પાડવામાં આવે છે, જે આગામી નાણાકીય વર્ષ માટે બિન-બંધનકર્તા સૂચનો સાથે પાછલા વર્ષની સંપૂર્ણ આર્થિક કામગીરી રજૂ કરતો રિપોર્ટ છે. જ્યારે બજેટમાં પાછલા નાણાકીય વર્ષની સરકારની સિદ્ધિઓની રૂપરેખા આપી આગામી નાણાકીય વર્ષ માટે લક્ષ્યો અને ફાળવણીની જાહેરાત કરવામાં આવે છે. આર્થિક સર્વે પાછલા નાણાકીય વર્ષના આધારે વિશ્લેષણ, ડેટા, સંશોધન અને ભલામણોનો સમાવેશ થાય છે, જ્યારે બજેટનો હેતુ આગામી નાણાકીય વર્ષ માટેની નીતિઓ, ફાળવણી અને યોજનાઓની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે.