આર્થિક સર્વેક્ષણમાં દેશના ગ્રોથ માટે સૌથી મોટો પડકાર રજૂ કર્યો, બેરોજગારીમાં ઘટાડો થયો હોવાનો દાવો
Image: IANS |
Economic Survey 2024: કેન્દ્ર સરકાર 23 જુલાઈએ 2024-25નું બજેટ રજૂ કરે તે પહેલાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકારે સંસદમાં દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. જેમાં સમાચાર લખાયા ત્યાં સુધી સરકારનું સંપૂર્ણ ફોકસ ખાનગી સેક્ટર અને પીપીપી પર રહ્યો છે. જીડીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2024-25માં જીડીપી ગ્રોથ 6.5થી 7 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે.
વૈશ્વિક પડકારો દેશનો સૌથી મોટો પ્રશ્ન
સરકાર દ્વારા આર્થિક સર્વેમાં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારે આ આર્થિક સર્વેમાં એક મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક પડકારોને કારણે દેશને નિકાસ મોરચે આંચકો લાગી શકે છે, પરંતુ સરકાર આ અંગે સંપૂર્ણ રીતે સજાગ છે. વૈશ્વિક કારોબારમાં પડકારો આવવાની સંભાવના છે. વૈશ્વિક અનિશ્ચિતતા મૂડી પ્રવાહ પર અસર કરી શકે છે.
બેરોજગારીમાં ઘટાડો થયો હોવાનો દાવો
આર્થિક સર્વેમાં રોજગાર સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યા છે, જે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વસ્તીમાં વૃદ્ધિ સાથે, કોરોના રોગચાળા પછી દેશનો વાર્ષિક બેરોજગારી દર ઘટી રહ્યો છે. 15થી વધુ વય જૂથ માટે શહેરી બેરોજગારીનો દર માર્ચ 2024માં ઘટીને 6.7% થયો છે જે ગયા વર્ષે 6.8% હતો. ભારતના કુલ કર્મચારીઓમાંથી લગભગ 57 ટકા સ્વ-રોજગાર છે. યુવાનોમાં બેરોજગારીનો દર 2017-18માં 17.8%થી ઘટીને 2022-23માં 10% થયો છે.
ખાનગી રોકાણને વેગ
મૂડી ખર્ચ પર સરકારનુ ફોકસ અને ખાનગી રોકાણમાં સતત વધારાને કારણે ગ્રોસ ફોક્સ્ડ કેપિટલ ફોર્મેશનને વેગ મળ્યો છે. આર્થિક સર્વે અનુસાર, તેમાં 2023-24માં 9 ટકાનો મજબૂત વધારો નોંધવામાં આવ્યો છે. આર્થિક સર્વેમાં રાજકોષીય ખાધ વિશે અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2025-26 સુધી રાજકોષીય ખાધ ઘટી 4.5 ટકા થશે. સરકારનું સમગ્ર ધ્યાન રાજ્યોની ક્ષમતામાં વધારો કર્યો છે.