Get The App

ગુજરાતની માથાદીઠ આવક પ્રથમ વખત મહારાષ્ટ્ર કરતાં વધું, જીડીપી ગ્રોથમાં યોગદાન મામલે પણ બાજી મારી

Updated: Nov 4th, 2024


Google NewsGoogle News
Gujarat GDP Growth


Gujarat GDP Contribution: દેશના જીડીપી ગ્રોથમાં યોગદાન આપવામાં મહારાષ્ટ્ર અને ગુજરાત અવ્વલ રહ્યું છે. જો કે, છેલ્લા એક દાયકામાં મહારાષ્ટ્ર વૃદ્ધિ મામલે પ્રથમ વખત નબળુ પડ્યું છે. જ્યારે ગુજરાતે આ મામલે બાજી મારી હોવાનું ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ દ્વારા જારી કરવામાં રિસર્ચ પેપરમાં જાણવા મળ્યું છે. 

ભારતના જીડીપી ગ્રોથમાં મહારાષ્ટ્રનું યોગદાન છેલ્લા એક દાયકામાં 2.1 ટકા ઘટ્યું છે. જ્યારે ગુજરાતનું જીડીપી યોગદાન 2010-11માં 7.5 ટકાથી વધી 2023-24માં 8.1 ટકા થયુ છે. 

ગુજરાતનુ જીડીપી યોગદાન વધ્યું

મહારાષ્ટ્રનું જીડીપી યોગદાન 2010-11માં 15.2 ટકા હતું. જે 2020-21માં 13 ટકા અને 2023-24માં 13.1 ટકા નોંધાયું છે. જ્યારે ગુજરાતનું જીડીપી યોગદાન 2010-11માં 7.5 ટકા હતું. જે 2020-21માં 8 ટકા અને 2023-24માં 8.1 ટકા થયું છે. જો કે, જીડીપી યોગદાન મામલે દેશમાં હજી પણ મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.

આ પણ વાંચોઃ NDA સરકારથી સમર્થન પાછું ખેંચશે નીતિશ-નાયડુ', દિગ્ગજ નેતાના દાવાથી રાજકારણમાં ભૂકંપ

ગુજરાતની માથાદીઠ આવક વધી

માથાદીઠ આવક મામલે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ પાડ્યું છે. 1960થી માંડી 2010-11 સુધી મહારાષ્ટ્રની માથાદીઠ આવક ગુજરાત કરતાં હંમેશા સૌથી વધુ રહી છે. પરંતુ છેલ્લા એક દાયકામાં ગુજરાતે આ મામલે મહારાષ્ટ્રને પાછળ પાડી માથાદીઠ આવક વધી 160.7 ટકા થઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 150 ટકા નોંધાઈ છે. ઉલ્લેખનીય છે, 1960માં મહારાષ્ટ્રમાં માથાદીઠ આવક 133.7 ટકા અને ગુજરાતની માથાદીઠ આવક 118.3 ટકા હતી.

ગોવાની માથાદીઠ આવક બમણી થઈ

આ રિસર્ચ પેપર અનુસાર, ગોવાની માથાદીઠ આવક 1970થી 2021 સુધીમાં બમણી થઈ છે. 2020-23માં ગોવાની માથાદીઠ આવક દેશની કુલ સરેરાશના ત્રણ ગણી નોંધાઈ છે. સંજીવ સંજય અને આકાંક્ષા અરોરા દ્વારા લેખિત રિલેટિવ ઈકોનોમિક પર્ફોર્મન્સ ઓફ ઈન્ડિયન સ્ટેટ્સઃ 1960-61 ટુ 2023-24 શીર્ષક હેઠળ જારી કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

વિપક્ષે બનાવ્યો મુદ્દો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે. જેમાં આ રિસર્ચ રિપોર્ટને વિપક્ષે મુદ્દો બનાવી વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા છે. એનસીપી નેતા શરદ પવારે નિવેદન આપ્યું હતું કે, મહારાષ્ટ્રની માથાદીઠ આવક અને જીડીપી ગ્રોથમાં ઘટાડો ચિંતાનો વિષય છે. જે સત્તાધારી પક્ષ રાજ્યમાં શાસન કરવામાં નિષ્ફળ રહ્યુ હોવાનો પુરાવો છે. મહારાષ્ટ્ર જીડીપી અને માથાદીઠ આવક મામલે હંમેશા પ્રથમ આવે છે. પરંતુ છેલ્લા એક દાયકામાં રેન્કિંગમાં ઘટાડો યોગ્ય નથી.

ગુજરાતની માથાદીઠ આવક પ્રથમ વખત મહારાષ્ટ્ર કરતાં વધું, જીડીપી ગ્રોથમાં યોગદાન મામલે પણ બાજી મારી 2 - image


Google NewsGoogle News