E-Rupee શું છે? RBIની ડિજિટલ કરન્સીને ઑફલાઇન મોડમાં લાવવાની તૈયારી
RBI Planning To Use E-Rupee In Offline Mode: આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 8 ફેબ્રુઆરીએ મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક પૂરી હતી. જેમાં તેમણે ઈ-રૂપીથી ઓફલાઈન વ્યવહારો શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. તો જાણીએ ઈ-રૂપી શું છે અને આરબીઆઈ તેને કઈ રીતે ઑફલાઇન મોડમાં લાવશે?
ઈ-રૂપી શું છે?
આરબીઆઈની સત્તાવાર ડિજિટલ કરન્સી ઈ-રૂપી અથવા ડિજિટલ રૂપિયો છે. આરબીઆઈ અનુસાર ઈ-રૂપીની કિંમત સામાન્ય ભારતીય ચલણની બરાબર છે. આ રીતે તે એક જ રૂપિયો છે, પણ ફરક માત્ર એટલો છે કે તે ડિજિટલ રૂપમાં છે. જો કે રોકડ પર વ્યાજ મળે છે જયારે ઈ-રૂપી પર કોઈ જ વ્યાજ મળતું નથી. તેમજ ઈ-રૂપીને પણ રોકડની જેમ બેંક ડિપોઝિટ જેવા અન્ય ચલણના સ્વરૂપોમાં બદલી શકાય છે.
Highlights of the Monetary Policy announcement today by Governor Shri @DasShaktikanta. #rbi #rbitoday #rbigovernor #rbipolicy #monetarypolicy #rbimonetarypolicy #shaktikantadas pic.twitter.com/NpY0tOm8UT
— ReserveBankOfIndia (@RBI) February 8, 2024
આરબીઆઈનો ઈ-રૂપી માટે પાઈલટ પ્રોગ્રામ
ડિસેમ્બર 2022માં આરબીઆઈએ ઈ-રૂપી માટે પાઈલટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, યસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ અને એચએસબીસી સહિત ઘણી બેંકોએ તેમાં ભાગ લીધો હતો. આ પાઈલટ પ્રોગ્રામ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવ્યો હતો.
આરબીઆઈની ઈ-રૂપીને ઓફલાઈન મોડમાં લાવવાની તૈયારી
આ પાઈલટ પ્રોગ્રામમાં 10 લાખ ટ્રાન્ઝેક્શનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ આરબીઆઈએ ડિસેમ્બર 2023 માં હાંસલ કર્યો હતો. જેને ધ્યાનમાં રાખીને હવે આરબીઆઈ ઓફલાઈન મોડ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. હવે જયારે અમુક વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખૂબ જ મર્યાદિત છે તો ત્યાં ઈ-રૂપીને ઓફલાઈન મોડમાં લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વિવિધ વિસ્તારોમાં ટેસ્ટ લેવામાં આવશે
ઈ-રૂપીને ઓફલાઈન મોડમાં લાવવા બાબતે ગવર્નરે કહ્યું કે પહાડી, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઓફલાઈન માટેના ઉકેલો તપાસ કરવામાં આવશે. જેમાં પ્રોક્સિમિટી અને નોન-પ્રોક્સિમિટી આધારિત સોલ્યુશન્સ સામેલ કરવામાં આવશે. વર્તમાન સિસ્ટમ હેઠળ ઈ-રૂપી વોલેટમાંથી વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારી વ્યવહારો બેંક દ્વારા કરી શકાય છે.