ઓનલાઇન ખરીદીના શોખીનો માટે કામના સમાચાર, ખરાબ ગુણવત્તાવાળું ભોજન કે વસ્તુની ફરિયાદ અહીં કરો, ઘેરબેઠાં વળતર મળશે
Image: Freepik |
e-Daakhill Portal: સામાન્ય માણસોને કોર્ટ-કચેરી ફિલ્મો સુધી જ સારી લાગે છે. પરંતુ, અસલ જીવનમાં જ્યારે પણ લોકોનો સામનો કોર્ટ સાથે થાય છે, તો તે ફિલ્મો જેટલું સરળ નથી હોતું. કારણકે, તેની સાથે લાંબી કાયદાકીય પ્રક્રિયા, કાગળની કાર્યવાહીઓ, વકીલની ફી અને 'તારીખ પર તારીખ'વાળું દર્દ તો છે જ. પરંતુ, તકલીફ ત્યારે વધી જાય છે, જ્યારે મામલો કોઈ બેકાર સર્વિસ અથવા ખરાબ પ્રોડક્ટ સાથે જોડાયેલો હોય. મતલબ, એક ઓનલાઇન યુઝર તરીકે પહેલાં ખરાબ સર્વિસ મળવી, પાછું તેના વળતર માટે કોર્ટમાં ચપ્પલ ઘસવા. પરંતુ, હવે એવું નહીં થાય કારણકે, e-Daakhil પોર્ટલ આખા ભારતમાં શરુ થઈ ગયું છે.
ઘરે બેઠા નોંધાવી શકાશે ફરિયાદ
e-Daakhil પોર્ટલની મદદથી ગ્રાહક ઘરે બેઠા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. જેના માટે પોર્ટલ NIC અપડેટ કરવામાં આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ આ પોર્ટલ પર ગ્રાહક પોતાની ફરિયાદ કેવી રીતે નોંધાવી શકે છે.
આ પણ વાંચોઃ Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બનાવ્યો રેકોર્ડ, ટ્રમ્પ-પુતિનને કારણે થયું શક્ય?
e-Daakhil પોર્ટલ
આ પોર્ટલ વર્ષ 2020માં જ લૉન્ચ થઈ ગયું હતું. 8 સપ્ટેમ્બર 2020ના દિવસે સૌથી પહેલાં તેને લાગુ કરનાર રાજ્ય દિલ્હી હતું. જોકે, નવેમ્બર 2024થી પોર્ટલ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલુ થઈ ગયું છે. edaakhil.nic.in પર તમે જાતે કેસ ફાઇલ કરી શકો છો. મતલબ, જો કોઈ હોટલ અથવા રેસ્ટોરેન્ટ માલિક જબરદસ્તી સર્વિસ ચાર્જ વસૂલતો હોય અથવા કોઈ ઈ-કોમર્સ પોર્ટલ ખોટો સામાન વેચે છે, તો તમે આ પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. હોટલથી બેકાર અને વાસી ખાવાનું આવ્યું હોય અથવા વોરંટીમાં રહેલી કોઈ પ્રોડક્ટ પર કંપની સર્વિસ આપવામાં આનાકાની કરે તો પણ આ પોર્ટલ પર સમાધાન મળી જશે.
20 જુલાઈ, 2020થી અસરકારક ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 અંતર્ગત બનેલા આ પોર્ટલ પર ડિજીટલ માધ્યમ દ્વારા ઘણી સુવિધાઓ મળી શકશે. જેમકે, ઈ-નોટિસ, કેસ સાથે જોડાયેલા દસ્તાવેજને ડાઉનલોડ કરવા માટેની લિંક, વીડિયો કોન્ફરન્સ માધ્યમથી સુનાવણી માટે વીડિયો લિંક, બીજા પક્ષને લેખિત જવાબ દાખલ કરવાની સુવિધા અને એસએમએસ/ઈમેલ અલર્ટની સુવિધા વગેરે સામેલ છે.
આ પણ વાંચોઃ ઊંચા મૂલ્યાંકનોને પગલે દેશના GDPથી ઈક્વિટી Mcapનું પ્રમાણ નોંધપાત્ર ઊંચુ
કેવી રીતે કરી શકશો ઉપયોગ?
પોર્ટલ ,પર લોગઇન કરવા માટે ઈમેલ અને મોબાઇલ નંબરની જરૂર પડશે. તમારા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. ત્યારબાદ તમે ફરિયાદ સાથે જોડાયેલી તમામ જાણકારી ભરી શકો છો. એટલું જ નહીં, ફરિયાદ સાથે જોડાયેલા સપોર્ટિંગ દસ્તાવેજ ડાઉનલોડ કરવાની સુવિધા પણ છે. પોર્ટલનો ઉપયોગ સામાન્ય યુઝરની સાથે વકીલ પણ કરી શકે છે. પોર્ટલની ઍપ્લિકેશન ગૂગલ પ્લે અને એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.