Get The App

ખાદ્યતેલોમાં ડયુટીમાં વધારા પછી નેપાળ તથા બાંગ્લાદેશથી જકાત મુક્ત આયાત વધવાની ભીતિ

- સાઉથ એશિયા ફ્રી- ટ્રેડ કરાર હેઠળ આવી આયાત વધશે

- જોકે આ દેશોમાં ઉત્પાદન થતું નથી: રાઉન્ડ ટ્રીપીંગની વધેલી ભીતી

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ખાદ્યતેલોમાં ડયુટીમાં વધારા પછી નેપાળ તથા બાંગ્લાદેશથી જકાત મુક્ત આયાત વધવાની ભીતિ 1 - image


મુંબઈ : મુંબઈ તેલ- તેલિબિયાં બજારમાં આજે ખાદ્યતેલોના ભાવમાં બેતરફી વધઘટે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. માગ ધીમી હતી. સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૨૫થી ૧૪૫૦ તથા કોટન વોશ્ડના ભાવ રૂ.૧૨૦૦થી ૧૨૧૦ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ હાજર બજારમાં દિવેલના ભાવ આજે ૧૦ કિલોદીઠ રૂ.૬ વધી આવતાં તેના પગલે હાજર એરંડાના ભાવ પણ કિવ.ના રૂ.૬૩૪૫ વાળા રૂ.૬૩૭૫ બોલાતા થયા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ જોકે એરંડા ખોળના શાંત હતા જ્યારે સોયાખોળના ભાવ રૂ.૫૦૦ નરમ હતા સામે સનફલાવર ખોળના ભાવ ટનના રૂ.૫૦૦ વધી આવ્યા હતા. અન્ય ખોળો શાંત હતા.

દરમિયાન, સોયાબીનની આવકો આજે મહારાષ્ટ્રમાં ૬૫ હજાર ગુણી તથા મધ્ય- પ્રદેશમાં ૭૫ હજાર ગુણી આવી હતી. મધ્ય- પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૧૧૯૫થી ૧૨૧૫ રહ્યાના સમાચાર હતા. ગોંડલ ખાતે પામતેલના ભાવ રૂ.૧૨૨૦થી ૧૨૨૫  તથા સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૧૮૦ રહ્યા હતા જ્યારે ત્યાં કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૬૦થી ૧૨૬૫ રહ્યા હતા. 

મસ્ટર્ડ- સરસવની આવકો આજે રાજસ્થાન ખાતે ૧ લાખ ૨૫ હજાર ગુણી જ્યારે ઓલ ઈન્ડિયા આવકો ૨ લાખ ૭૦ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૭૦૫૦થી ૭૦૭૫ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે આયાતી પામોલીનના ભાવ ૩૦ સપ્ટેમ્બર સુધીની ડિલીવરીના રૂ.૧૨૪૫ રહ્યા હતા.

સનફલાવરના રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૫૦ ફોરવર્ડ ડિલીવરીના રહ્યા હતા. પાતાલગંગા પામોલીનના ભાવ રૂ.૧૨૨૫ ઓક્ટોબર ડિલીવરીના રહ્યા હતા. દરમિયાન, અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના સૂત્રોના જણાવ્યા મુજબ સાઉથ એશિયા ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ પાડોશી દેશ નેપાળથી તથા બાંગ્લાદેશથી રિફાઈન્ડ શ્રેણીના સોયાતેલ તથા પામતેલની આયાત જકાત મુક્ત ધોરણે વધવાની શક્યતા જણાઈ રહી છે. 

સરકારે તાજેતરમાં ઈમ્પોર્ટ ડયુટી વધાર્યા પછી ઉપરોક્ત કરાર હેઠળ આવી જકાત મુક્ત આયાત વધવાની ભીતી જણાઈ રહી છે. હકીકમતાં નેપાળ તથા બાંગ્લાદેશમાં ખાદ્યતેલોનું ઉત્પાદન ખાસ થતું નથી પરંતુ આ દેશો અન્ય ઉત્પાદક દેશો ખાતેથી ખાદ્યતેલોની આયાત કરી ભારત તરફ ઉપરોક્ત કરાર હેઠળ ખાદ્યતેલો જકાત- મુક્ત ધોરણે રવાના કરવાના મુડમાં ફરી જણાયાના વાવડ મળ્યા હતા. આ પ્રશ્ને બજારમાં ખાસ્સી ચકચાર પણ જાગી છે! આ પ્રશ્ને સરકારે લક્ષ આપવું જરૂરી છે. સરકારે એવી શરત પર લક્ષ આપવું જોઈએ કે આવા તેલો નેપાળ તથા બાંગ્લાદેશમાં જ ઉત્પાદીત થયેલા હોવા જોઈએ, એવું જાણકારો જણાવી રહ્યા હતા.


Google NewsGoogle News