પીળા વટાણાની ડયૂટી ફ્રી આયાત સમયમર્યાદા લંબાવાઈ
- સૌરાષ્ટ્ર કોટન વોશ્ડ વધી રૂ.૧૨૦૦ બોલાયું
મુંબઈ : પીળા વટાણાની ડયૂટી ફ્રી આયાતની સમયમર્યાદા ભારતે વધુ બે મહિના લંબાવી ૨૦૨૫ના ફેબુ્રઆરી સુધી કરી છે. ગયા વર્ષના ડિસેમ્બરમાં સરકારે ડયૂટી ફ્રી આયાતની માર્ચ, ૨૦૨૪ સુધી છૂટ આપી હતી. દેશમાં કઠોળની એકંદર માગ કરતા ઉત્પાદન નોંધપાત્ર નીચુ રહે છે.
જો કે આ મુદતમાં વારંવાર વધારો કરીને તેને ડિસેમ્બર સુધી લંબાવાઈ હતી. ઘરઆંગણે પીળા વટાણાનો પૂરવઠો વધારી ભાવને કાબૂમાં રાખવાના ભાગરૂપ જકાત મુકત આયાત માટેની મુદત વધુ લંબાવાઈ હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નાતાલના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે વેપારો ધીમા હતા તથા ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. દરમિયાન, હઝીરા ખાતે કોટન રિફાઈન્ડના ભાવ પાંચ જાન્યુઆરી સુધીના રૂ.૧૨૪૦ તથા ૬થી ૧૫ જાન્યુઆરીના રૂ.૧૨૪૫ રહ્યા હતા સોયાતેલ રિફાઈન્ડના ભાવ ૧થી ૧૦ જાન્યુઆરીના રૂ.૧૨૩૦ બોલાઈ રહ્યા હતા.
મુંદ્રા ખાતે સોયાતેલના ફોરવર્ડ ભાવ રૂ.૧૨૨૦થી ૧૨૨૫ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ખાતે કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૧૧૮૫થી ૧૨૦૦ને આંબી ગયાના નિર્દેશો મળ્યા હતા. મુંદ્રા-હઝીરા ખાતે સનફલાવરના ફોરવર્ડ ભાવ રૂ.૧૩૨૦થી ૧૩૩૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર-ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૨૫ રહ્યા હતા.નવી મુંબઈ બંદરે પામોલીનના ભાવ ૧૦ જાન્યુઆરી સુધીના રૂ.૧૩૪૫ રહ્યા હતા.
દરમિયાન, અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૫૬ પોઈન્ટ વધ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ ૩૯ પોઈન્ટ ઘટયા હતા સામે સોયાખોળના ભાવ ૩૪ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. નાતાલના મુડ વચ્ચે ત્યાં વેપાર-વોલ્યુમ ધીમું રહ્યું હતું. ગુજરાત કોટન વોશ્ડના ભાવ આગળ ઉપર રૂ.૧૨૪૦તી ૧૨૫૦ થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
ભારત પીળા વટાણાની આયાત મોટેભાગે કેનેડા તથા રશિયા ખાતેથી કરે છે. નવેમ્બર, ૨૦૧૭માં વટાણા પર ૫૦ ટકા ડયૂટી લાગુ કરવામાં આવી હતી. ભારત કઠોળનો મોટો વપરાશકાર દેશ છે. ઘરઆંગણે માગને પહોંચી વળવા કેટલાક કઠોળની ભારતે આયાત કરવી પડે છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતે ૩.૭૪ અબજ ડોલરના કઠોળની આયાત કરી હતી. ૨૦૨૩-૨૪માં કઠોળનું ઉત્પાદન ૨.૪૫ કરોડ ટન રહ્યું હતું.