ટ્રમ્પની વધુ એક ધમકીથી ફાર્મા કંપનીઓ પર સંકટ, શેર માર્કેટમાં હલચલના અણસાર
Donald Trump On Pharma Companies: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર અને આકરી બિઝનેસ નીતિઓથી વિશ્વના અન્ય દેશોમાં ટ્રેડવોરનો ભય પેદા કરી રહ્યા છે. રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ હવે ફાર્મા કંપનીઓ પર તવાઈ લાવવાનો નિર્ણય લીધો છે. તેમણે ફાર્મા કંપનીઓને અમેરિકામાં દવાની આયાત પર લાગુ ઊંચા ટેરિફથી બચવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ અમેરિકામાં શિફ્ટ કરવા સલાહ આપી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દેશની કુલ ફાર્મા નિકાસમાં 31 ટકાથી વધુ નિકાસ અમેરિકામાં કરતી ફાર્મા કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે.
ભારતને મોટુ નુકસાન થવાની ભીતિ
અમેરિકાના ફાર્મા લીડર્સ દવાની કિંમત નક્કી કરતાં નિયમોને સરળ બનાવવાની માગ કરી રહ્યા છે, એવામાં ભારતીય ફાર્મા કંપનીઓ નિકાસ પર ઊંચા ટેરિફથી બચવા દ્વિપક્ષીય ચર્ચાઓ પર વિશ્વાસ કરી રહી છે. 2023-24માં ભારતે અમેરિકામાં ફાર્મા ક્ષેત્રે 27.9 અબજ ડોલરની નિકાસ કરી હતી. જે તેની કુલ ફાર્મા નિકાસના 31 ટકા છે. અમેરિકામાં 50 ટકાથી વધુ જેનરિક દવાઓની માગ ભારત પૂરી કરે છે. એવામાં ટ્રમ્પના ટેરિફ ટેન્શન તથા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની સલાહ ભારતીય ફાર્મા કંપનીઓ માટે સંકટના વાદળો ઉભા કરી શકે છે.
અમેરિકન કંપનીઓએ કરી અપીલ
વ્હાઈટ હાઉસની એક બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાઈઝર, એલી લીલી અને મર્કના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેઓએ ટ્રમ્પને દવાની કિંમતોમાં સરકારનો હસ્તક્ષેપનો નિયમ પાછો ખેંચવા અપીલ કરી હતી. ફાર્મા ઈન્ડસ્ટ્રીનું માનવુ છે કે, વર્તમાન પોલિસીથી ફાર્માના વિકાસ પ્રોત્સાહનમાં બદલાવ આવશે, દવાઓ મોંઘી બનશે. જો કે, ટ્રમ્પે આ નિયમ પાછો ખેંચવાનો ઈનકાર કર્યો હતો. તેમણે નિવેદન આપ્યું કે, અમેરિકામાં અન્ય દેશોની તુલનાએ દવાઓની કિંમત ઊંચી છે.
ટેરિફના નિર્ણયથી દવાઓ મોંઘી થશે
જો ટ્રમ્પ ઊંચો ટેરિફ વસૂલવાની વાત પર અડગ રહ્યા તો ભારતમાંથી નિકાસ થતી દવાની કિંમત અમેરિકામાં વધી જશે. સિસ્ટમેટિક્સ ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝના એનાલિસ્ટ વિશાલ મનચંદાનીએ જણાવ્યું કે, આ નિર્ણય મોંઘવારીમાં વધારો કરશે, કારણકે, અમેરિકામાં ભારત મોટાપાયે દવાઓનો પુરવઠો પૂરો પાડે છે. તેમની પાસે આવશ્યક મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઊંચા ટેરિફના કારણે દવાઓની કિંમતમાં વધારો થશે. ટેરિફ ઉપરાંત દવાઓની કિંમત નક્કી કરવામાં અમેરિકાની સરકાર હસ્તક્ષેપ કરશે તો ફાર્મા કંપનીઓને નુકસાન થઈ શકે છે. ટ્રમ્પનું ફાર્મા ક્ષેત્રે વલણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી લિસ્ટેડ ભારતીય ફાર્મા કંપનીઓના શેર્સમાં અફરાતફરી જોવા મળી શકે છે.