અમેરિકાએ ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો, ઈરાન સાથે ડીલના ચક્કરમાં ટ્રમ્પની કાર્યવાહી
America Banned 4 Indian Companies : ઈરાન સાથે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ડીલ કરવા બદલ ભારતની ચાર કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ લાદી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ઈરાન પર દબાણ વધારવાની નીતિ હેઠળ આ કાર્યવાહી કરી છે. અમેરિકાના ફોરેન્સ એસેટ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે માત્ર ભારત જ નહીં ચીન, યુએઈ, હોંગકોંગના ઓઇલ બ્રોકરો અને ટેન્કર ઓપરેટરો સામે પણ કાર્યવાહી કરી છે.
ઈરાનના ઓઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ સામે કાર્યવાહી
અમેરિકી વિદેશ મંત્રાલયે ભારતની ચાર કંપનીઓ સહિત અનેક દેશોના 40 લોકો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. મંત્રાલયની માહિતી મુજબ ભારતની જે ચાર કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ છે તેમાં નવી મુંબઈ સ્થિત ફ્લક્સ મેરીટાઇમ એલએલપી, દિલ્હી-એનસીઆરમાં આવેલી બીએસએમ મૈરીન અને ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ તંજાવુર સ્થિત કોસમોસ લાઇન્સનો સમાવેશ થાય છે. આમાંથી પ્રથમ ત્રણ કંપનીઓ ઈરાનના ઓઇલ ટેન્કરો લઈ જતાં જહાજોનું સંચાલન કરતાં હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કોસમોસ ઈરાનના ઓઇલ ટ્રાન્સપોર્ટમાં સામેલ હોવાથી પ્રતિબંધ લગાવાયો છે.
આ પણ વાંચો : જાણીતી કોફી બ્રાન્ડ માટે ઘટતી આવક પડકાર, છટણી કરવા 1100 કર્મચારીની યાદી તૈયાર
યુએઈ, હોંગકોંગના ઓઇલ બ્રોકર્સ સામે પણ કાર્યવાહી
અમેરિકાએ યુએઈ, હોંગકોંગના ઓઇલ બ્રોકર્સ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત ભારત અને ચીનના ટેન્કર ઓપરેટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકન વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ઈરાનને ઓઈલમાંથી થતી કમાણીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિમાં કર્યો હોવાથી અમે કાર્યવાહી કરી છે. જે જહાજો અને તેની સાથે જોડાયેલી કંપનીઓ પર પ્રતિબંધ લગાવાયો છે, તેઓએ અનેક મિલિયન બેરલ ઈરાની ઓઇલ ટ્રાન્સપોર્ટ કર્યું હતું.
અમેરિકાએ અગાઉ પણ ભારતીય કંપનીઓ સામે કરી હતી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારતીય કંપનીઓ વિરુદ્ધ અગાઉ પણ કાર્યવાહી કરી હતી. આ પહેલા અમેરિકાએ ઑક્ટોબર-2024માં ભારત સ્થિત ગબ્બારો શિપ સર્વિસિઝ કંપની પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ ઉપરાંત ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. અમેરિકાનું માનવું છે કે, આ કંનપીઓએ રશિયાની LNG ટ્રાન્સપોર્ટ કર્યું છે.
આ પણ વાંચો : શેરોમાં મહાકડાકો : રોકાણકારોની મૂડીનું રૂ.4.23 લાખ કરોડનું ધોવાણ