મુહૂર્ત ટ્રેડિંગમાં આકર્ષક તેજી, સેન્સેક્સ પ્રિ-ઓપનિંગમાં જ 1000 પોઈન્ટ ઉછળ્યો
Stock Market Muhurat Trading: નવા વર્ષને વધાવતાં શેરબજારમાં આકર્ષક તેજી સાથે મુહૂર્ત ટ્રેડિંગ શરૂ થયા છે. પ્રિ-ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ એક તબક્કે 1000 પોઈન્ટ ઉછળ્યો હતો. સેન્સેક્સ 1071.64 પોઈન્ટ (1.35 ટકા) ઉછળી 80460.70 પર, જ્યારે નિફ્ટી 296.90 પોઈન્ટ (1.23 ટકા) ઉછાળે 24502.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. શેરબજારના 6થી 7 વાગ્યા સુધી ચાલનારા મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ આજે 634.69 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ 493.46 પોઈન્ટ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેકની તમામ 30 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહી છે.
નિફ્ટી 147.65 પોઈન્ટ ઉછાળે 24353ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી-50 ખાતે 47 શેર્સ સુધારા તરફી અને બે ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. ગ્રાસીમ 0.59 ટકા અને ડો. રેડ્ડીઝ 0.50 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં લેવાલી જોવા મળી છે. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3350 સ્ક્રિપ્સ પૈકી 2901 શેર્સ સુધારા તરફી અને 342 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે.
પેની સ્ટોક્સમાં ખરીદી વધી
મુહૂર્તના સોદામાં પેની સ્ટોક્સમાં મોટાપાયે ખરીદીનું વલણ જોવા મળ્યું છે. સ્મોલકેપ ઈન્ડેક્સમાં ટ્રેડેડ ઘણા શેર્સમાં 10 ટકાથી વધુ ઉછાળો નોંધાતા ઈન્ડેક્સ 1.34 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય ઓટો, પાવર, રિયાલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદીનું પ્રેશર છે. જેના પગલે સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો ઈન્ડેક્સ 1.36 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.08 ટકા, પાવર 1.06 ટકા, રિયાલ્ટી 1.35 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.
ઓક્ટોબરમાં ઘટાડાનું કારણ
શેરબજારમાં અવિરત તેજીને બ્રેક આપવા પ્રોફિટ બુકિંગ, વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી, વૈશ્વિક પડકારો અને બીજા ત્રિમાસિકના અપેક્ષા કરતાં નબળા પરિણામોના કારણે ઓક્ટોબરમાં શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. 2080ની વિદાય પણ સેન્સેક્સે 500 પોઈન્ટના કડાકા સાથે 79386ના સ્તરે આપી છે. જ્યારે નિફ્ટી50 0.56 ટકા ઘટાડે 24205 પર બંધ રહ્યો હતો.