જામનગર માટે જોયેલા મારા પિતાના સપના સાકાર કરીને બતાવીશ, વનતારાથી પ્રેરણા લઈ જીવદયા રાખજો : અનંત અંબાણી
રિલાયન્સ રિફાઈનરીની સ્થાપનાના 25 વર્ષ પૂરાં થવા પર અનંત અંબાણીનું સંબોધન
Director of Reliance Industries Limited Anant Ambani Speech in Jamnagar : જામનગરમાં રિલાયન્સની ઓઇલ રિફાઈનરીની સ્થાપનાના 25 વર્ષ પૂરાં થવા પર આયોજિત સમારોહમાં કર્મચારીઓ અને પરિવારના સભ્યોને સંબોધતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણીએ પ્રાણીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને વનતારા વિશે ચર્ચા કરી હતી.
અનંત અંબાણીએ તેમના દાદા ધીરુભાઈ અંબાણીને યાદ કરતાં કહ્યું કે મારા દાદાએ એક સપનું જોયું હતું કે એક એવી રિફાઈનરી બનાવવામાં આવે જે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ હોય. 25 વર્ષ પહેલા મારા દાદાના કાળમાં મારા પિતા મુકેશ અંબાણીએ એ સપનું પૂરું કર્યું. આજે હું એ વાતને લઈને આભારી છું કે મને બે મહાન પુરુષોનો વારસો મળ્યો છે.
અનંત અંબાણીએ જામનગરમાં રિલાયન્સના કર્મચારીઓ અને પરિવારની હાજરીમાં સંકલ્પ લેતા કહ્યું હતું કે હું આજે પવિત્ર દિવસે મારા પિતાને વચન આપું છું કે જામનગરને લગતાં તેમના જે પણ સપના છે તે હું સાકાર કરીશ.
અનંત અંબાણીએ તેમની માતા નીતા અંબાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મારી મમ્મીએ જે રીતે મને પશુ-પક્ષીઓ સાથે પ્રેમ કરતાં શીખવાડ્યું છે એ જ રીતે હું વનતારાથી પ્રેરણા લઈને આપ સૌને અપીલ કરું છું કે તમે પણ મને અનુસરજો અને પશુ-પક્ષીઓને પ્રેમ આપજો. તેમણે કહ્યું કે વનતારાએ સાબિત કરી દીધું કે રિલાયન્સ પશુ-પક્ષીઓનો પણ એટલો ખ્યાલ રાખે છે કે જેટલું માનવીનું ધ્યાન રખાય છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આજથી 25 વર્ષ બાદ જ્યારે ભારતની સ્વતંત્રતાની સદી પૂરી થશે ત્યારે જામનગરની ગરીમા અને ગૌરવને આપણે સૌ મળીને સફળતાના શિખરે લઈ જઇશું.