આ દિવાળીએ સોના-ચાંદીની ખરીદી 30 ટકા સુધી ઘટી, અંદાજ કરતાં ઘરાકી અડધી રહી
Gold Silver Sales Down: સોના-ચાંદીના રૅકોર્ડ ઊંચા ભાવોના કારણે આ વર્ષે ધનતેરસ અને દિવાળી નિમિત્તે કિંમતી ધાતુ બજારમાં માહોલ શુષ્ક રહ્યો છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની સરેરાશ ખરીદી ગતવર્ષની તુલનાએ 30 ટકા ઘટી છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન મુજબ, આ વર્ષે 35 ટન સોનું વેચાયું છે. જે ગત વર્ષે 42 ટન હતું. જો કે, ચાંદીનું વેચાણ ગત વર્ષની તુલનાએ 30 ટકા વધ્યું છે.
કન્ફડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે આ વર્ષે ધનતેરસે દેશભરમાં સોના-ચાંદીનો રૂ. 60 હજાર કરોડનો વેપાર થવાનો અંદાજ મૂક્યો હતો. જે દિવાળી સુધી વધી રૂ. 1 લાખ થવાની સંભાવના હતી. આ વખતે બે દિવસ સુધી ધનતેરસની ઊજવણી થઈ હોવા છતાં ઘરાકી અંદાજ કરતાં અડધાથી પણ વધુ ઓછી રહી છે.
ગઈકાલે સોનું ફરી નવી રૅકોર્ડ ટોચે
અમદાવાદ બુલિયન બજારમાં ધનતેરસથી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલે સોનું રૂ. 800 વધી રૂ. 82300 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. ચાંદી રૂ. 1500 ઉછળી રૂ. 99000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. ધનતેરસથી અત્યારસુધીમાં સોનામાં રૂ. 1300 અને ચાંદીમાં રૂ. 2000નો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે.
22500 કરોડની ખરીદી
આ વર્ષે સોના-ચાંદીના ઊંચા ભાવોના કારણે જથ્થાની દૃષ્ટિએ વેચાણ ઘટ્યું છે. પરંતુ મૂલ્યની દૃષ્ટિએ આંકડો નોંધનીય છે. આ વર્ષે ધનતેરસથી અત્યારસુધીમાં કુલ રૂ. 22500 કરોડના સોના-ચાંદી વેચાઈ ચૂક્યા છે. જેમાં એક દિવસમાં જ રૂ. 20 હજાર કરોડનું સોનું ખરીદ્યું છે.
આ પણ વાંચોઃ તહેવાર ટાણે જ સોનામાં આગ ઝરતી તેજી, 82300ની નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી
ચાંદીમાં આકર્ષક તેજીના કારણે ખરીદી વધી
ચાંદી હાલમાં જ રૂ. 1 લાખ પ્રતિ કિગ્રાના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. જેને ધ્યાનમાં લેતાં કોમોડિટી નિષ્ણાતોએ આગામી 6થી 12 માસમાં ચાંદી રૂ. 1.50 લાખ પ્રતિ કિગ્રાના લેવલે પહોંચવાનો આશાવાદ દર્શાવ્યો છે. આ તેજીના કારણે સોના કરતાં ચાંદીની માંગ 30 ટકા વધી છે. ધનતેરસના દિવસે રૂ.2500 કરોડની ચાંદી વેચાઈ હોવાનો અંદાજ છે.
ધનતેરસે આરબીઆઇએ પણ કરી ખરીદી
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)એ પણ ધનતેરસના અવસર પર લંડનથી 102 ટન સોનું ભારત શિફ્ટ કરી દીધું છે. સપ્ટેમ્બરના અંતમાં RBI પાસે કુલ 855 ટન સોનું હતું, જે પૈકી 510.5 ટન સોનું દેશમાં છે. બાકીનું સોનું ઇંગ્લૅન્ડના ગોલ્ડ લોકરમાં સુરક્ષિત છે.